<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ખોડલધામ મંદિરે સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં સફળ થયેલા સંસ્‍થાના વિદ્યાર્થીઓનું સન્‍માન અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓ/કર્મચારીઓનું સ્‍નેહમિલન

રાજકોટ, : ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ અને  સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન- રાજકોટની યુવા પાંખ  ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને તાજેતરમાં સરકારી નોકરીની સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓના સન્‍માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓ/કર્મચારીઓના  સ્‍નેહમિલન સમારોહનું આયોજન કાગવડ સ્‍થિત સુપ્રસિદ્ધ  ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવ્‍યું હતું. ચેરમેન નરેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્‍થામાંથી તાલીમ મેળવી સરકારી નોકરીમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું હતું. આશરે ૧ હજારથી વધુ ક્‍લાસ ૧,૨,૩,૪ના અધિકારીઓ/કર્મચારીઓ સહપરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં  સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન- રાજકોટના પ્રમુખ હરેશભાઈ પરસાણાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. ત્‍યારબાદ ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે દિપપ્રાગટય કરી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. ત્‍યારબાદ  ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને પોલીસ કોન્‍સ્‍ટેબલ, PSI, સિનિયર ક્‍લાર્ક, જુનિયર ક્‍લાર્ક, હાઇકોર્ટ આસિસ્‍ટન્‍ટ, બેલીફ, આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર, ફોરેસ્‍ટ ગાર્ડ, શિક્ષણ વિભાગ, કન્‍ડક્‍ટર, તલાટી કમ મંત્રી, વિદ્યુત વિભાગ, કોર્પોરેશન ક્‍લાર્ક, બિન સચિવાલય ક્‍લાર્ક, STI , DYSO અને પોસ્‍ટ વિભાગ સહિતની સરકારી નોકરીઓમાં સફળતા મેળવનાર ૧૬૦ જેટલા યુવક-યુવતીઓને શિલ્‍ડ આપીને  નરેશભાઈ પટેલ અને અન્‍ય ટ્રસ્‍ટીઓના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં ઉપસ્‍થિત લેઉવા પટેલ સમાજના આશરે ૫૦ જેટલા ક્‍લાસ-૧ અધિકારીઓને શિલ્‍ડ આપીને  નરેશભાઈ પટેલ અને અન્‍ય ટ્રસ્‍ટીઓ દ્વારા સન્‍માનિત કરાયા હતા. ત્‍યારબાદ ૧૩૦થી વધુ ક્‍લાસ-૨ અધિકારીઓ, ૪૦૦થી વધુ ક્‍લાસ-૩ કર્મચારીઓનું પણ શિલ્‍ડ આપીને સન્‍માન કરાયું હતું. ખોડલધામ સંગઠન અધ્‍યક્ષ મતિ અનારબેન પટેલે જણાવ્‍યું હતું કે, આજે વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા આપણા સમાજના અધિકારીઓ/કર્મચારીઓના સન્‍માન થયા છે ત્‍યારે કહેતા આનંદ થાય છે કે, આજે એકપણ એવું ક્ષેત્ર નથી જ્‍યાં આપણા સમાજનો વ્‍યક્‍તિ પ્રસ્‍થાપિત થયેલો ન હોય.  નરેશભાઈ પટેલ હંમેશા ભક્‍તિને પ્રાધાન્‍ય આપ્‍યું છે અને તેઓ કહેતા હોય છે કે ભક્‍તિ દ્વારા એકતાની શક્‍તિ.  ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા તેમજ ગુજરાત માધ્‍યમિક અને હાયર સેકન્‍ડરી બોર્ડના વાઈસ ચેરમેન અનિલભાઈ રાદડિયાએ પ્રાસંગીક વકતવ્‍ય આપ્‍યુ હતું.  આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત અને  ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને સફળ થનાર યુવતીઓએ ભગવાન રામની પ્રતિમા આપીને  નરેશભાઈ પટેલનું સન્‍માન કર્યું હતું. જ્‍યારે સન્‍માન સમારોહની આયોજક ટીમે આકર્ષક પેઈન્‍ટિંગ  નરેશભાઈ પટેલને અર્પણ કરી તેઓનું સન્‍માન કર્યું હતું. આ પ્રસંગે ધોરણ ૬ થી જ બાળકો યુપીએસસી-જીપીએસસી જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ખાસ કોર્ષનું લોન્‍ચિંગ પણ કરાયું હતું.  સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન- રાજકોટમાંથી તાલીમ મેળવાનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી અને તાજેતરમાં ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે પ્રમોશન મેળવનાર ડો. ભાવિન કથિરીયાએ પોતાનો પ્રથમ પગાર માતળ સંસ્‍થા  સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન-રાજકોટને અર્પણ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ  સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન- રાજકોટના મંત્રી જી.એલ.રામાણી દ્વારા કરવામાં આવી હતી. સમૂહ રાષ્‍ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ સૌ સાથે ભોજન લઈ છુટ્ટા પડ્‍યા હતા. 

 

(3:05 PM IST)