<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પુત્રીએ લવમેરેજ કરી લીધાના આઘાતમાં શ્રીનાથજી સોસાયટીના કાજલબેન રાઠોડનો ફાંસો ખાઇ આપઘાત

પતિ બહારગામ હતાં: નાની દિકરી સહિતના કુટુંબી નીચે હતાં ત્‍યારે ઉપરના માળે જઇ પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૦: શહેરના મવડી પ્‍લોટની શ્રીનાથજી પ્‍લોટમાં રહેતાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. દિકરીએ લવમેરેજ કરી લીધા હોઇ તેના આઘાતને કારણે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં કાજલબેન દીપકભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) નામના મહિલાએ ઘરે ઉપરના માળે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગરના હેડકોન્‍સ. સાગરભાઇ તથા રાઇટર વિમલભાઇએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર કાજલબેનને સંતાનમાં બે દિકરી છે. કાજલબેન અને તેમના પતિ કેટરર્સનું કામ કરે છે. પતિ કેટરર્સના કામ માટે ટૂર પર ગયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ કાજલબેનની બે દિકરી પૈકીની મોટી દિકરીએ પાંચ મહિના પહેલા લવમેરેજ કરી લીધા છે. ત્‍યારથી તેણી ગુમસુમ રહેતાં હતાં. દિકરીના આ પગલાને કારણે તેણી આઘાતમાં હોઇ સવારે ચા પીને ઉપરના રૂમમાં ગયા હતાં. એ પછી કોઇ કુટુંબી ઉપર જતાં તેણી લટકતાં મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. માલવીયાનગર પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

(3:23 PM IST)