<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ગરમીથી બચવા શું કરવું?

રાજકોટઃ શહેરની જાહેર જનતાને આગામી દિવસોમાં ગરમી વધવાની આશંકાને ધ્‍યાને લઈને મનપાના આરોગ્‍ય વિભાગ દ્વારા નીચે મુજબની બાબતો ધ્‍યાને લેવા માટે આરોગ્‍યલક્ષી સલાહ આપવામાં આવે છે.

હાઇડ્રેટેડ રહો

જ્‍યારે પણ શકય હોય ત્‍યારે પૂરતું પાણી પીઓ, પછી ભલે તમને તરસ ન હોય. મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો. ઓરલ રીહાઈડ્રેશન સોલ્‍યુશન (ORS) નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસ / લસ્‍સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો, મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી અથવા અન્‍ય સ્‍થાનિક રીતે ઉપલબ્‍ધ ફળો અને શાકભાજી.

શરીરને ઢાકેલું રાખો

મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા, ઢીલા, વજનમાં હલકાં, સુતરાઉ વષાો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરો, તમારું માથું ઢાંકેલું રાખો, સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન છત્રી, ટોપી, ટુવાલ નો ઉપયોગ કરો, તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરો.

સતર્ક રહો

રેડિયો સાંભળો, ટીવી જુઓ, સ્‍થાનિક હવામાન સમાચાર માટે અખબાર વાંચો.

હીટવેવ કોના માટે વધુ જોખમ કારક છે ?

શિશુઓ અને નાના બાળકો, સગર્ભાસ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, જે લોકોને માનસિક બીમારી હોય, જે લોકો શારીરિક રીતે બીમાર છે. ખાસ કરીને હૃદય રોગ અથવા હાઈ બ્‍લડ પ્રેશર. ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં આવતા લોકો.

આટલું ના કરો

તડકામાં બહાર નીકળવાનું ટાળો. ખાસ કરીને બપોરે ૧૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્‍યાની વચ્‍ચે, બપોરે બહાર હોય ત્‍યારે સખત પ્રવળત્તિઓ ટાળો, ખુલ્લા પગે બહાર ન જાવ, ઉનાળાના પીક કલાકો (સૌથી ગરમ સમય) દરમ્‍યાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્‍તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો.

આલ્‍કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળો- જે વાસ્‍તવમાં, શરીરના વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે. ઉચ્‍ચ પ્રોટીન ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ,        પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.

મદદ મળે ત્‍યાં સુધી વ્‍યક્‍તિને તરત જ ઠંડુ કરવા માટે

જો શકય હોય તો દર્દીને ઠંડી જગ્‍યાએ ખસેડો, ત્‍વચાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું. વ્‍યક્‍તિને શકય તેટલો પવન નાખો.

જો ઉપરોક્‍ત લક્ષણો દેખાય તો તરત જ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે સરકારી હોસ્‍પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમરજન્‍સીમાં ૧૦૮ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:45 PM IST)