News of Wednesday, 11th March 2026
મંડળીમાંથી ૧ કરોડની લોન લઇ હપ્તા ભરવાનું બંધ કર્યુઃ લોન ભરાઇ ગયાનો દાવો કરી ખોટી પહોંચ રજૂ કરી
વૃંદાવન મંડળીના ૧.૩૩ કરોડ રૂપિયા બેંકમાં ભરવા ન પડે તે માટે લોનધારક મનહરપુરના ગુલામહુશેન અંસારી, જામીન ગાંધીગ્રામના દીપક વસાણીએ ખોટી પહોંચો સિવિલ કોર્ટમાં રજૂ કરીઃ મંડળીના મેનેજર બંટીભાઇની એ-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૧: શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલી વળંદાવન સહકારી કો-ઓપરેટિવ સોસાયટી સાથે ૧.૩૩ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન ભરપાઈ ન કરવી પડે તે માટે લોન ધારક અને જામીનદારે મળીને બેંકની ખોટી પહોંચો બનાવી કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે અમીન માર્ગ પર ગોવર્ધન સોસાયટીમાં રહેતા અને વળંદાવન સહકારી મંડળીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા બંટીભાઈ રામકરણ યાદવની ફરિયાદ પરથી મનહરપુરની ધાર ગોડાઉન પાસે જામનગર રોડ પર રહેતાં ગુલામહુશેન મોહીયુદ્દીન અંસારી અને ગાંધીગ્રામ શેરી નં.૨માં માતૃકૃપા ખાતે રહેતાં દીપક જયંતીલાલ વસાણી સામે ગુનો નોંધ્યો છે. મેનેજરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૬માં ગુલામહુસેન મોહીયુદ્દીન અંસારી નામના શખ્સે મંડળીમાંથી ૧,૦૦,૦૦,૦૦૦ (એક કરોડ)ની મોર્ગેજ લોન લીધી હતી. આ લોનમાં દીપકભાઈ જયંતીભાઈ વસાણી, રીપેંદ્રસિંહ જાડેજા અને મંજુલાબેન વસાણી જામીનદાર તરીકે રહ્યા હતા. લોન લીધા બાદ શરૂઆતમાં થોડા હપ્તા ભરીને ગુલામહુસેને નાણાં ભરવાનું બંધ કરી દીધું હતું.
બેંક દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં બાકી રકમ જમા ન થતા બેંકે લવાદ કોર્ટ અને ત્યારબાદ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જ્યારે આ મામલો સિવિલ કોર્ટમાં ચાલતો હતો, ત્યારે જામીનદાર દીપકભાઈ વસાણીએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે લોનની રકમ ચુકવી દેવામાં આવી છે. પુરાવા તરીકે તેઓએ રૂા. ૭૦,૦૦,૦૦૦ અને રૂા. ૪૮,૪૮,૭૮૮ ની બેંકની પહોંચો કોર્ટમાં રજૂ કરી હતી. બેંકના વકીલે જ્યારે આ પહોંચો મેનેજર બંટીભાઈને બતાવી, ત્યારે સત્ય બહાર આવ્યું હતું કે બેંકમાં આવી કોઈ રકમ કયારેય જમા જ થઈ નથી અને આ પહોંચો સંપૂર્ણપણે બોગસ અને બનાવટી છે.
વ્યાજ સાથે બેંકના કુલ રૂા. ૧,૩૩,૦૪,૨૦૪ તા. ૨૭/૦૫/૨૦૧૯ની સ્થિતિએ લેણાં નીકળતા હતા. આ રકમ ઓળવી જવાના ઈરાદે ગુલામહુસેન અંસારી અને દીપક વસાણીએ મેળાપીપણું કરીને બેંકના ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ ગંભીર છેતરપિંડી અંગે નામદાર કોર્ટમાં ફોજદારી ઈન્કવાયરી ચાલ્યા બાદ, કોર્ટના આદેશથી હવે આ બંને શખ્સો વિરૂધ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો ઊભા કરવા અંગેની કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાજકોટ પોલીસે બેંક મેનેજર બંટીભાઈ યાદવની ફરિયાદ પરથી ગુલામહુસેન અંસારી અને દીપક વસાણી વિરૂધ્ધ એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એમ. આર. મકવાણાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગુનો મોચીબજાર કોર્ટ ખાતે બન્યો હોવાથી એ-ડિવીઝનમાં આ ફરિયાદ દાખલ થઇ છે. આરોપી સામે કાર્યવાહી હાથ ધરવા તજવીજ થઇ છે.
(2:09 PM IST)










