News of Wednesday, 11th March 2026
રાજકોટમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થોઃ કોમર્શીયલ ગેસના બાટલાનું વિતરણ ખોરંભેઃ નિયંત્રણો લાદી દેતુ તંત્રઃ દોડધામ
ફરસાણના વેપારીઓ-નાના રેસ્ટોરન્ટો-હોટલો બંધ થવાની સ્થિતિ સર્જાવાની શકયતાઃ ઘરેલૂ વપરાશના બાટલાનો પૂરતો જથ્થો : કાળાબજાર-સંઘરાખોરો સામે કલેકટર- DSO નો માસ્ટરપ્લાન તૈયારઃ ટીમો દ્વારા ચેકીંગનો દોર શરૂઃ તમામ મામલતદારોને હાઇએલર્ટ : શહેરમાં ર હજાર જેટલી હોટલો તથા સામાજીક સંસ્થાઓ પાસે PNG કનેકશન આ એક રાહતના સમાચાર છે

રાજકોટ તા.૧૧: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ઉથલપાથલની શકયતાઓને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કલેક્ટરની સૂચના મુજબ કડક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર પરિસ્થિતિ અંગે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ. એસ. ઝાંપડાએ આજે પેટ્રોલ-ડીઝલ એસોસિએશન અને ગેસ એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લામાં ઉપલબ્ધ સ્ટોક અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વિતરણ પર અમુક અંશે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે રાજકોટમાં જે વેપારીઓ કે એજન્સીઓ પાસે જેટલો જથ્થો ઉપલબ્ધ છે, તેનાથી જ ચલાવવું પડશે. હાલ પૂરતો નવો જથ્થો મળવાની શકયતા ઓછી હોવાથી શહેરની અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સ બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, ઘરેલુ વપરાશના (LPG) સિલિન્ડર અને ઇન્ડિયન ગેસનો જથ્થો પૂરતો છે.
સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીના આદેશ કોઈ પણ વ્યક્તિ ઈંધણ કે ગેસનો ગેરકાયદે સંગ્રહ ન કરે તે માટે તંત્ર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે સંગ્રહખોરી રોકવા માટે વિશેષ તપાસ ટીમો બનાવવામાં આવી છે.રાજકોટ શહેર અને જિલ્લાના તમામ મામલતદારોને પોતપોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવા અને ગેસ-પેટ્રોલના સ્ટોક પર નજર રાખવા આદેશ અપાયા છે. પુરવઠા કચેરી દ્વારા રોજબરોજ કઈ એજન્સી પાસે કેટલો સ્ટોક છે તેનું ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.
રાજકોટમાં મોટી હોટલો અને સામાજિક સંસ્થાઓ માટે રાહતના સમાચાર એ છે કે શહેરમાં ૨,૦૦૦ થી વધુ એકમો પાસે PNG કનેક્શન છે.
પુરવઠા અધિકારીએ ઉમેર્યું હતું કે, જે સંસ્થાઓ પાઇપલાઇન દ્વારા ગેસ મેળવે છે તેમને સિલિન્ડરની અછતની કોઈ અસર થશે નહીં. આથી, મોટાભાગની મોટી હોટલો અને સંસ્થાઓમાં વ્યવહારો રાબેતા મુજબ ચાલુ રહેશે. એ. એસ. ઝાંપડાએ જણાવ્યું હતું કે જિલ્લા પુરવઠા અધિકારી, રાજકોટ ‘‘નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું. પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે. માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં હાલ મર્યાદિત પુરવઠો છે, જેનું અમે સતત નિરીક્ષણ કરી રહ્યા છીએ.''
(3:03 PM IST)










