<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

કાલથી કોર્પોરેટરના દાખલા નહીં ચાલેઃ મનપાની સત્તા વહીવટદારના હવાલે

આજે વર્તમાન શાસકોની ટર્મ પુરીઃ ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ પ્રથમ બોર્ડ મળેલ : પદાધિકારીઓના બંગલા, કાર, ઓફીસો સહિતની સુવીધા પરતઃ જનરલ બોર્ડ- સ્‍ટેન્‍ડીંગનો પાવર પૂર્વ કલેકટર રેમ્‍યા મોહન સંભાળશે

રાજકોટ તા.૧૧: શહેરના લોકોએ ૨૦૨૧માં મનપાની કમાન ભાજપને સોંપી હતી. ત્‍યારે આજે આ  ચૂંટાયેલી બોડીની મૂદત પૂર્ણ થઈ જવાની છે. આવતીકાલથી મનપામાં વહીવટદાર તરીકે પૂર્વ કલેકટર રેમ્‍યા મોહનનું શાસન લાગુ પડી જશે. પદાધિકારીઓને હોદાના રૂએ અપાતી   ચેમ્‍બર,  બંગલો, અને મોટરકાર સહિતની  તમામ સુવિધાઓ પરત ખેંચી લેવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા કોર્પોરેશનના વહિવટદાર તરીકે પૂર્વ  કલેકટર રેમ્‍યા મોહનની નિયુકતી  કરવામાં આવી છે. હવે ચૂંટણી યોજાયા બાદ પરિણામો  ન આવે અને નવી ચૂંટાયેલી બોર્ડ જયાં સુધી  કાર્યરત ન  થઈ જાય ત્‍યાં સુધી તેઓ વહીવટદાર તરીકે શાસન ચલાવશે તેઓની પાસે  સ્‍ટેન્‍ડિંગ કમિટી અને જનરલ બોર્ડ સહિતની  સત્તા હશે.

મનપાની વર્તમાન બોર્ડ ગત ૧૨ માર્ચ ૨૦૨૧ના  રોજ કાર્યરત થઈ હતી દરમિયાન  આજે સાંજે ઓફીસના કામકાજના  કલાકો પૂરા થતાની સાથે જતેઓની પાંચ  વર્ષની મૂદત પૂર્ણ થઈ જવા પામી છે.  પ્રથમ અઢી વર્ષ માટે મેયર તરીકે  ડો. પ્રદીપ ડવ,  ડે. મેયર તરીકે ડો. દર્શિતાબેન શાહની નિયુકત થયેલ. જોકે દર્શીતાબેન ધારાસભ્‍ય તરીકે ચૂંટાતા તેમણે ડે. મેયર પદેથી રાજીનામું આપતા તેઓના સાથે કંચનબેન સિધ્‍ધપુરાની ડે. મેયર તરીકે વરણી કરવામાં આવી હતી.

પ્રથમ ટર્મમાં સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્‍કરભાઈ પટેલ શાસક પક્ષના નેતા તરીકે  વિનુભાઈ ધવા, અને દંડક તરીકે  સુરેન્‍દ્રસિંહ વાળાની નિયુકતી  કરવામાં આવી હતી.

જયારે બીજી અઢી વર્ષની ટર્મ માટે  મેયર તરીકે  નયનાબેન પેઢડિયા, ડે. મેયર તરીકે  નરેન્‍દ્રસિંહ જાડેજા,  સ્‍ટેન્‍ડિંગ કમિટી તરીકે  જયમીનભાઈ ઠાકર,  શાસક પક્ષના  નેતા તરીકે લીલુબેન જાદવ અને  પક્ષના દંડક તરીકે મનિષભાઈ રાડીયાની નિમણુંક કરવામાં આવી હતી.

ગત ચૂંટણીમાં શહેરના ૧૮ વોર્ડ પૈકી ૧૭ વોર્ડની  ૬૮ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્‍યા હતા જયારે કોંગ્રેસનો એકમાત્ર વોર્ડ નં.૧૫માં વિજય થયો હતો.

આજે વર્તમાન બોર્ડીની  પાંચવર્ષની મૂદત પૂર્ણ થઈ જવા પામી છે. આવતીકાલથી વહીવટદાર શાસન આવી જશે. કાલથી તમામ કોર્પોરેટરોની આગળ પૂર્વ શબ્‍દ લાગી જશે તેઓના આવકના દાખલા કે  મરણ નોંધના  દાખલા ચાલશે નહી મતદાર સુધારણા યાદીના કારણે ચૂંટણી પાછી ઠેલાઈ છે.

સંભવતઃ થોડા દિવસોમાં જ સ્‍થાનીક  સ્‍વરાજયની ચૂંટણીની  તારીખ જાહેર કરવામાં આવશે.  એપ્રીલ માસનાં અંતમાં  મતદાન   યોજાશે અને મે માસમાં  નવા પદાધિકારીઓની વરણી  કરી દેવામાં આવે તેવી શકયતા હાલ દેખાય રહી છે.

બીજી તરફ  સેક્રેટરી શાખા દ્વારા  વહીવટદાર રેમ્‍યા મોહનને  આવકારવા માટે તમામ  તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તેઓની નેઈમ પ્‍લેટ પણ તૈયાર કરી નાખવામાં આવી છે. રેમ્‍યા મોહન  કયારથી ચાર્જ સંભાળશે તે હજી નિશ્‍ચિત  નથી. તેઓ અઠવાડિયામાં બે વખત રાજકોટ આવશે. મેયરની ચેમ્‍બરમાં  બેસી તેઓ  કાર્યભાર સંભાળશે. તેઓને  સ્‍ટેન્‍ડિંગ કમિટી સમિતિ ઉપરાંત જનરલ બોર્ડનો પણ પાવર આપવામા આવ્‍યો છે.

(3:06 PM IST)