તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
જિલ્લા પંચાયતના પદાધિકારીઓના ‘પાટી દફતર' પેક : સોમવારે ‘છુટ્ટી'નો બેલ વાગશે
સતા ભોગવતા આવ્ડે તો સેવાની ખેતી છે, નહિતર મુઠ્ઠીમાંથી સરી જતી રેતી છે પાંચ વર્ષમાં ૪ ડી.ડી.ઓ. બદલાયાઃ અનિલ રાણાવાસિયા, દેવ ચૌધરી, નવનાથ ગવ્હાણે બાદ હાલ અનંદુ સુરેશ ગોવિંદ કાર્યરત : ર૦ર૧ ની સામાન્ય ચૂંટણીમાં ૩૬ પૈકી ભાજપના રપ સભ્યો અને કોંગ્રેસના ૧૧ સભ્યો ચૂંટાયેલા : બે પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાતા કોંગ્રેસનું સંખ્યા બળ ૧ર સભ્યોનું થયેલ. બન્ને પક્ષના એક-એક સભ્યના અવસાનથી બેઠક ખાલી પડી હતી : વર્ષ ર૦ર૩માં વિપક્ષ કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયા સહિત ૬ સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના ૩૦ સભ્યો થઇ ગયેલ. કોંગ્રેસના ૬ સભ્યોમાંથી પાર્ટીએ વિપક્ષી નેતા તરીકે મનસુખ સાકરિયાને જવાબદારી સોંપી હતી. તા. ૧૬ મીએ સાંજે પછી ચૂંટાયેલા તમામ સભ્યો ભૂતપૂર્વ થઇ જશે.

શાસનનું સંભારણું : રાજકોટ જિલ્લા પંચાયતના અઢી-અઢી વર્ષના બે પ્રમુખના પદગ્રહણ પ્રસંગની તસ્વીર છે. પ્રથમ તસ્વીર શ્રી ભૂપત બોદરે તા. ૧૭ માર્ચ ર૦ર૧ ના દિવસે પ્રમુખ પદ સંભાળેલ તે વખતની છે. ત્યારે સામાન્ય સભા તત્કાલીન કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં મળેલ. બીજી તસ્વીર તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૩ના દિવસે વર્તમાન પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણીએ પ્રમુખપદ સંભાળ્યું તે વેળાની છે તે વખતે તે વખતના કલેકટરશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં ચૂંટણી થઇ હતી. તે સમયે જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી દેવ ચૌધરી હતા. (ફાઇલ તસ્વીરોઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. ૧ર : જિલ્લા પંચાયતમાં હાલના ચૂંટાયેલા સભ્યોની મુદત તા. ૧૬ માર્ચે સોમવારે પૂર્ણ થઇ રહી છે. તા. ૧૭ મીથી નવી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવે ત્યાં સુધી સરકાર જેને જવાબદારી સોંપે તેના હસ્તક શાસન રહેશે. વહીવટદાર અથવા સરકારે નકકી કરેલ અધિકારી પાસે સામાન્ય સભા અને કારોબારી સહિતની સમિતિઓની સતા રહેશે. વર્ષ ર૦ર૧ માં સામાન્ય ચૂંટણી પછી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શ્રી ભૂપત બોદરએ તા. ૧૭-૩-ર૦ર૧ ના દિવસે શાસન સંભાળ્યુ હતું તેના અઢી વર્ષ પછી વર્તમાન પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણી તા. ૧૩-૯-ર૦ર૩ ના દિવસે પ્રમુખ બન્યા હતા. ચૂંટાયેલા સભ્યોનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. આવતા મંગળવારથી બધા સભ્યો ભૂતપૂર્વ થઇ જશે.
જિલ્લા પંચાયતમાં છેલ્લા પ વર્ષમાં રેસકોર્ષ ખાતેની જુની કચેરી તોડી રૂા. ૩૬ કરોડથી વધુ ખર્ચે નવી કચેરી બનાવાવનું કામ સૌથી વધુ ઉડીને આંખે વળગે તેવુ છે. આ કચેરીનું કામ હાલ ચાલુ છે. દિવાળી સુધીમાં પૂર્ણ થાય તેવી શકયતા છે. ઉપરાંત નવા પંચાયત ઘર, તલાટી આવાસ, શહીદ પરિવારોને સહાય, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પંચાયત કચેરીમાં અમૂક દિવસો માટેનું વેચાણ કેન્દ્ર વગેરે ઉલ્લેખનીય છે.
ભાજપ શાસનના પાંચ વર્ષ એકંદરે આંતરિક સુલેહ-સંપના રહ્યા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે મહદઅંશે સંકલન રહ્યું છે. પંચાયત કચેરી જુની કોર્ટ બિલ્ડીંગ ખાતે ખસેડવાના અને જુની કચેરીના મરામતના ખર્ચનો વિવાદ છેલ્લા વર્ષમાં ગાજતો રહ્યો છે. આ કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે ગૃહની અંદર અને બહાર કર્યો છે. આ આક્ષેપના પગલે ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિ રચવામાં આવેલ તેનો અહેવાલ હજુ જાહેર થયો નથી.
ભાજપે બીજા વર્ષે તમામ સમિતિઓના ચેરમેન પસંદ કરવામાં નો-રીપીટ થિયરી અપનાવેલ. ભાજપમાંથી ચૂંટાયેલા મોટાભાગના સભ્યોને કાોરબારી સભ્ય પદ અથવા ચેરમેનપદ મળ્યું છે. બહુ ઓછા ચેરમને પંચાયત કચેરીમાં નિયમિત હાજરી આપી છે.
પ્રથમ અઢી વર્ષ ભૂપત બોદર પ્રમુખ, સવિતાબેન સામાણી ઉપપ્રમુખ અને સહદેવસિંહ જાડેજા કારોબારી સમિતિના અધ્યક્ષ હતા. છેલ્લા અઢી વર્ષથી આ સ્થાને અનુક્રમે પ્રવીણાબેન રંગાણી, રાજુ ડાંગર અને પી.જી. કયાડા છે. પંચાયત કચેરીમાં ચૂંટાયેલી પાંખના કાર્યકાળના માત્ર ૪ દિવસ રહ્યા હોવાથી વિદાયનો માહોલ છે. પ્રમુખ સોમવારે સરકારી સુવિધા પરત કરી દેશે. (૯.૧૪)
પંચાયતમાં
વહીવટદારો
સુધીર માંકડ-૧૯૯૩-૯૪
એ.કે. લુક- ૧૯૯પ
પ્રવીણ ત્રિવેદી -ર૦૦૦
ડી.ડી.ઓ.ને. હવાલો-ર૦ર૦-ર૧
(3:16 PM IST)










