તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 13th March 2026
૩ લાખનું દેણુ ભરપાઇ કરવા ડ્રાઇવરનો ધંધો છોડી નકલી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું!
રૂપિયા ૧૦૦ અને ૨૦૦ ના દરની ૩૮ નકલી નોટ સહિત ૨૩ હજારના મુદ્દામાલ સાથે રૈયાધારના નૈતિક અગ્રાવતને ઝડપી લેતી એસઓજી : બે નોટ બજારમાં વટાવી હતીઃ નકલી નોટો ચલણમાં ફરતી કરવા મદદરૂપ થવાની બાંહેધરી આપનાર વચેટીયા શખ્સની શોધખોળ

રાજકોટઃ નકલી નોટો છાપતા ઝડપાયેલો નૈતિક અગ્રાવત અને એસઓજીના પી.આઇ. સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી.કે. ઝાલા સહિતની ટુકડી નજરે પડે છે.
રાજકોટ તા.૧૩: સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઇ સંજયસિંહ જાડેજા અને પીએસઆઇ વી.કે. ઝાલાની ટુકડીને મળેલી બાતમીના આધારે ૧૦૦ અને ૨૦૦ના દરની નકલી ચલણી નોટો છાપી અસલી તરીકે ચલણમાં ફરતી કરવા બાવાજી શખ્સ સક્રીય હોવાની બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાં દરોડો પાડી નૈતિક અગ્રાવત નામના યુવાનને ઝડપી લેવાયો હતો.
આ બારામાં પી.આઇ. સંજયસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાં રહેતા અને ડ્રાઇવિંગ અને ક્લીનર તરીકે કામ કરતા શખ્સે ત્રણ લાખ જેવું દેણું થઈ જતા ઓરડી ભાડે રાખી નકલી ચલણી નોટ છાપવાના કાળા કારોબાર શરૂ કર્યો હતો. શહેર એસઓજી એ દરોડો પાડી રૂ ૧૦૦ અને ૨૦૦ના દરની ૭૩ નકલી (જાલી ) નોટ સાથે આ શખ્સને ઝડપી ૩૮ નકલી નોટ સહિત કુલ ૨૩,૧૦૦ ના મુદ્દામાલ ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમારઝા નવનિયુક્ત એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ ભાંગરવા, એસીપી ક્રાઈમ બીબી બસીયાની સૂચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી. તે વેળાએ એસઓજીના એએસઆઈ રાજેશ બાળા, હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજા, અરૂણ બાંભણિયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ સહિતની ટીમને બાતમી મળી હતી કે મફતિયાપરામાં ઓરડીની અંદર નકલી નોટ છાપવામાં આવી રહી હતી. ઉપરોક્ત હકીકતના આધારે પીએસઆઇ વી કે ઝાલા સહિતની ટીમે રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન આરોપી નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત ઉ.વ.૨૯, રહે. મફિતયાપરામાં ભાડાની ઓરડીમાં ચલણી જાલીનોટનું છાપકામ કરી રહ્યો હોય નૈતિકની ધરપકડ કરી આરોપીની યુક્તિ પ્રયુક્તિ થી પોલીસે પૂછપરછ શરૂ કરતા તેણે જણાવ્યું કે તે ટ્રાવેલ્સની બસમાં ડ્રાઈવર અને કિલનર તરીકે કામ કરે છે.
પોતાનો મર્યાદિત પગાર હોય તેના ઉપર દેણું વધી જતા ત્રણેક લાખ વ્યાજે લીધા હતા. જે ભરપાઈ કરી શકતો ન હોય લેણદારોની ઉઘરાણીથી કંટાળી આ નકલી નોટ છાપવાનું કારસ્તાન રચ્યુ હતું. નોટ છાપવા માટે નૈતિકે એક સપ્તાહ પહેલાં ૧૦૦ અને ૨૦૦ના દરની નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું.
આ પછી ટ્રાયલ કરવા માટે તેણે ૧૦૦ના દરની બે નોટ વટાવવા પ્રયત્ન કરતા આ નકલી નોટ રિક્ષાચાલક અને શાકભાજીવાળા પાસે વટાવી લીધી હતી. જે જાલી નોટ ચાલી જતાં નૈતિકની હિંમત વધી ગઈ હતી અને તેણે પછી મોટાપાયે નોટ છાપવાનું શરૂ કરી દીધું હતું,જો કે વધુ નોટ વટાવે તે પહેલાં જ પોલીસે તેને પકડી પાડયો હતો.
પ્રિન્ટર-સ્કેનર, કાગળ સહિતની ખરીદી કરવા માટે એક વ્યક્તિએ રોકાણ પણ કર્યું હતું જેની પણ શોધખોળ ચાલી રહી છે. પોલીસે નૈતિકના કબજામાંથી ૩૮ નંગ ૧૦૦ તેમજ ૨૦૦ના દરની નોટ તેમજ ૩૫ નંગ ૧૦૦ના દરની નોટવાળા પેપર, પ્રિન્ટર, પેન્સીલ, કટર, ફુટપટ્ટી, એ-૪ સાઈઝના કાગળ, મોબાઈલ, લાઈટ બિલ સહિત કુલ ૨૩૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, આરોપી નૈતિક સામે અગાઉ ચોરી અને અપહરણનો યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા છે.
નૈતિક યુ-ટયુબ પરથી આબેહૂબ અસલી જેવી નોટ બનાવવાનું શીખ્યો
જાલી નોટ સાથે એસ ઓ જી એ ઝડપી લીધેલ નૈતિક અગ્રાવત છેલ્લા ઘણા સમયથી યુ-ટયુબ ઉપર નકલી નોટ છાપવાના વીડિયો જોઈ,વીડિયોના આધારે તેણે એક સપ્તાહ પહેલાં નોટ છાપવાનું શરૂ કર્યું હતુ નૈતિકે છાપેલી નકલી નોટ ૮૦% અસલ જ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. નોટ છાપવાના બેનંબરી ધંધામાં નકલી નોટનો જથ્થો બજારમાં ફરતી કરવાની બાંહેધરી આપનાર એક શખ્સની શોધખોળ ચાલી રહી છે.
(2:51 PM IST)










