<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ગરમીનો પ્રકોપ : શહેરમાં બપોરે ૧ થી ૪ સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે

મહાનગરપાલિકા દ્વારા મહત્‍વપૂર્ણ નિર્ણય : બપોરના ૧૨ થી ૪ દરમિયાન શકય હોય તેટલું બહાર ન નીકળવા તંત્રનો અનુરોધ

 

રાજકોટ, તા.૧૩:  શહેરમાં સતત વધતા તાપમાન અને ઉગ્ર ગરમીને ધ્‍યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. નાગરિકોના આરોગ્‍ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહાનગરપાલિકા તથા  શહેર પોલીસના સંકલનથી હીટ વેવ એક્‍શન પ્‍લાન હેઠળ બપોરે ૧:૦૦ થી ૪:૦૦ વાગ્‍યા સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો તાત્‍કાલિક અસરથી બંધ રાખવામાં આવશે.

મહાનગરપાલિકાના સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ, આ સમય દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ પર લાંબા સમય સુધી તડકામાં ઊભા રહેવું ન પડે અને તેઓ ઉગ્ર ગરમીના સીધા પ્રભાવથી બચી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. ઉપરોક્‍ત સમયગાળા દરમિયાન ટ્રાફિકનું સંચાલન જરૂરી મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે.

મહાનગરપાલિકાની નાગરિકોને ગરમીના દિવસોમાં ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. બપોરના ૧૨ થી ૪ દરમિયાન શકય હોય તેટલું બહાર ન નીકળવું, બહાર જવું પડે તો માથું ઢાંકવું, પૂરતું પાણી અને પ્રવાહી પીવું, હળવા રંગના ઢીલા કપડાં પહેરવા તથા લાંબા સમય સુધી તડકામાં રહેવાનું ટાળવું જરૂરી હોવાનું જણાવાયું છે. વળદ્ધો, નાના બાળકો અને બીમાર વ્‍યક્‍તિઓની ખાસ કાળજી રાખવા તથા ચક્કર આવવું, માથું ભારે લાગવું, ઉલટી કે થાક લાગે તો તરત જ છાંયામાં આરામ કરી તબીબી સલાહ લેવાની સૂચના આપવામાં આવી છે.(૨૩.૧૩)

ગરમીના દિવસોમાં  શું કાળજી રાખવી ?

* બપોરના ૧૨ થી ૪ દરમિયાન શકય હોય તેટલું બિનજરૂરી બહાર  ન નીકળવું

*   બહાર જવું જરૂરી હોય તો ટોપી, છત્રી અથવા રૂમાલથી માથું ઢાંકવું.

*   શરીરમાં પાણીની ઉણપ ન રહે તે માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ,લીંબુ પાણી, નારીયેલ પાણી જેવા પ્રવાહી પીવા.

* હળવા, ઢીલા અને હળવા રંગના કપડાં પહેરવા.

* લાંબા સમય સુધી સીધા તડકામાં રહેવાનું ટાળવું.

*  વળદ્ધો, નાના બાળકો અને બીમાર વ્‍યક્‍તિઓની ખાસ કાળજી રાખવી.

* ચક્કર આવવું, માથું ભારે લાગવું, ઉલટી થવી અથવા શરીરમાં થાક લાગે તો તરત જ છાંયામાં આરામ કરી તબીબી સલાહ લેવી.

(3:01 PM IST)