News of Friday, 13th March 2026
રાજકોટ મનપા ચૂંટણી પૂર્વે વોર્ડ નં.૧૧માં ભાજપમાં આંતરિક ખેંચતાણઃ ‘આયાતી' નેતાઓ અને ટિકિટના સમીકરણોએ ગરમાવો વધાર્યો
વોર્ડ નં. ૧૧ માં ‘આપ' નો મજબૂત પડકાર : જૂના કાર્યકરોની નારાજગી ભાજપ માટે જોખમની ઘંટડી સમાન

રાજકોટ : મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં વોર્ડ નં. ૧૧ ફરી એકવાર રાજકારણનું એપી સેન્ટર બન્યું છે. ભાજપના આંતરિક સમીકરણો અને વિરોધ પક્ષોની મજબૂત પકડને કારણે આ વોર્ડમાં ટિકિટ વિતરણ અને જીત મેળવવી ભાજપ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
જૂના જોગીઓની નારાજગી અને આંતરિક જૂથવાદઃ વોર્ડ નં. ૧૧ માં ભાજપના સમીકરણો અત્યારે મહિલા કોર્પોરેટરોની આસપાસ ઘેરાયેલા છે. ચર્ચા મુજબ, વર્તમાન મહિલા કોર્પોરેટરો આગામી ચૂંટણીમાં પોતાના પતિદેવોને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ, જીપીપી અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહેશ પીપળીયાને શહેર સંગઠનમાં સ્થાન મળતા વર્ષોથી પક્ષ માટે કામ કરતા જૂના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શહેરના હોદ્દેદારોના સન્માન સમારંભમાં પણ અનેક ‘જૂના જોગીઓ'ની ગેરહાજરી પક્ષમાં આંતરિક ભડકાની ભીતિ દર્શાવે છે.
ચૂંટણી ગણિત અને ‘આપ' નો પ્રભાવ : વોર્ડના નવા રોટેશન મુજબ ૧ સામાન્ય પુરુષ, ૧ બક્ષીપંચ પુરુષ અને ૨ મહિલા સામાન્યની બેઠકો છે. ગત ચૂંટણીઓમાં આ વોર્ડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી, પરંતુ અત્યારે જીવરાજ પાર્ક, મવડી ચોકડી અને નવા વિકસિત વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (આપ) નું જોર સતત વધી રહ્યું છે.
સ્થાનિકોના મતે, જો ભાજપ જૂના અને વિવાદિત ચહેરાઓને બદલે નવા ચહેરાઓને મેદાનમાં નહીં ઉતારે તો 'આપ' અહીં મોટો ઉલટફેર કરી શકે છે.
વિવાદો અને વિકાસના પ્રશ્નો
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, ગત ટર્મમાં કોર્પોરેટરો વચ્ચે કાર્યાલય ખોલવા બાબતે થયેલા વિખવાદો અને લોકપ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળતાને કારણે પ્રજામાં રોષ છે. સંધ્યાબેન વ્યાસ અને લીલુબેન જાદવ જેવા આયાતી ઉમેદવારો વચ્ચેના આંતરિક કજિયાઓ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા, જેની અસર આગામી ચૂંટણી પર પડી શકે છે. વળી, વોર્ડના વિકાસ કાર્યોને બદલે વિવાદો વધુ ચર્ચામાં રહ્યા હોવાનું ચિત્ર ઉપસે છે.
જ્ઞાતિવાદના સમીકરણો : રાજકીય પંડિતોના મતે, જો ભાજપ પોતાની આબરૂ બચાવવા માંગતું હોય તો ૧ લેઉવા પટેલ પુરુષ, ૧ આહિર પુરુષ, ૧ કડવા પટેલ મહિલા અને ૧ ક્ષત્રિય મહિલાને ટિકિટ આપવી પડે તેવું ગણિત બેસી રહ્યું છે. આ સંજોગોમાં ભાજપ હાઈકમાન્ડ નવા ચહેરાઓ પર પસંદગી ઉતારે છે કે જૂના વિવાદિત નેતાઓ પર, તેના પર સૌની મીટ મંડાયેલી છે.
(3:24 PM IST)










