<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

પવનચક્કીના રિપેરિંગ વખતે ઈલેક્‍ટ્રીક શોર્ટ લાગતાં દાઝેલા સાવરકુંડલાના નિકુંજનું મોત

રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડ્‍યોઃ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટ, તા.૧૪: સાવરકુંડલાના જેજાદ ગામના યુવકને ભેખરા ગામ નજીક પવનચક્કી રીપેર કરતી વખતે ઈલેક્‍ટ્રીક શોર્ટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયા હતાં, જેને પગલે બે દિવસ પહેલાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં, જ્‍યાં ગઈ કાલે તેમણે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઈ હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, સાવરકુંડલાના અમરેલીના જેજાદ ગામે રહેતો અને પવનચક્કીના રિપેરિગનું કામ કરતાં નિકુંજભાઈ ભરતભાઈ મકવાણા (ઉ.વ. ૨૫) બે દિવસ પહેલાં ભેખરા ગામ અને પીઠવાળી ગામની વચ્‍ચે ડુંગરમાં આવેલ પવનચક્કીના રિપેરિંગ માટે ગયા હતાં. જ્‍યાં પવનચક્કી પર ચઢી રિપેરિંગનું કામ કરી રહ્યા હતાં ત્‍યારે ઈલેક્‍ટ્રિક શોર્ટ લાગતાં શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં. 

ગંભીર રીતે દાઝી ગયેલાં નિકુંજભાઈને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલના બર્ન્‍સ વિભાગમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. જ્‍યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. મૃતક નિકુંજભાઈ પોતે ૩ ભાઈમાં નાનો હતો અને પરિણીત હતો. તેમને સંતાનમાં એક દીકરી હોવાનું માલૂમ પડ્‍યું છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્‍યાપી જવા પામી છે.

(1:28 PM IST)