News of Saturday, 14th March 2026
હીરાસર પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતાં બામણબોરના દંપતી સહિત પાંચને ઈજા
માંડવાના પ્રસંગેથી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયોઃ તમામ સારવારમાં

રાજકોટ, તા.૧૪ઃ બામણબોરના ઉમરસોડ ગામે રહેતાં દંપતી તેમના ત્રણ સંતાનો સાથે કૌટુંબિક સગાના લગ્ન પ્રસંગ નિમિત્તે માંડવાની વિધિમાં રાજકોટ આવ્યા હતાં જ્યાંથી રીક્ષામાં પરત જઈ રહ્યા હતા ત્યારે હીરાસર એરપોર્ટ પાસે કારના ચાલકે હડફેટે લેતાં દંપતી સહીત તેમના ત્રણેય સંતાનોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ અકસ્માતની વિગત એવી છે કે, બામણબોરના ઉમરસોડ ગામે રહેતાં શારદાબેન જેસિંગભાઈ બાવરીયા (ઉ.વ.૩૨) તેમના પતિ જેસિંગભાઈ ભગાભાઈ બાવરીયા (ઉ.વ.૩૬) તેમની પુત્રી પ્રિયા, શિલ્પા (ઉ.વ. ૧૪) અને પુત્ર રોનક (ઉ.વ. ૯) રીક્ષામાં બેસી રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ પાસે હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતાં રીક્ષામાં સવાર પાંચેય ઈજાગ્રસ્ત થયા હતાં. જેને પગલે તમામને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ઈજાગ્રસ્ત શારદાબેનના માસીના દીકરાના લગ્ન પ્રસંગ નિમિત્તે માંડવાનો કાર્યક્રમ હોય તેમાં હાજરી આપવા ગયા હતાં જ્યાંથી પરત ફરતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. શારદાબેનના પતિ ઈમિટેશનનું કામ કરતાં હોવાનું ખૂલ્યું છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(11:32 AM IST)










