<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

રાજકોટ એઈમ્‍સના છાત્રે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

દોઢ માસ પહેલાં પણ હોસ્‍ટેલથી કોઇને કહ્યા વગર નીકળી ગયો'તો ૪-૫ પાનની સ્‍યુસાઈડ નોટ કબજે; માનસિક તણાવમાં હોવાનું પ્રાથમિક કારણ

રાજકોટ તા.૧૪ :.. રાજકોટની એઈમ્‍સ હોસ્‍પિટલના છાત્રે આજે ઘંટેશ્વર ૨૫ વારીયા ફાટકથી પરાપીપળીયા ફાટક વચ્‍ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધાનો બનાવ ગાંધીગ્રામ પોલીસ ચોપડે નોંધાયો છે. દોઢ માસ પહેલા પણ તેઓ હોસ્‍ટેલથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. અને બાદમાં પરાપીપળીયા નજીકથી મળી આવ્‍યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, મૂળ રાજસ્‍થાનના અને હાલ રાજકોટની એઈમ્‍સ હોસ્‍પિટલના છાત્ર રતનકુમાર મેઘવાળે આજે સવારે ઘંટેશ્વર ૨૫ વારીયા ફાટકથી પરાપીપળીયા ફાટક વચ્‍ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી. ઘટના સ્‍થળેથી એક બેગ મળી પણ મળી આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જેમાંથી ૪-૫ પાનાંની સ્‍યુસાઈડ નોટ મળી આવી છે અને ડિપ્રેશનની દવાને લાગતાં કાગળો પણ મળી આવ્‍યા છે. જેને પગલે રતનકુમારે માનસિક તણાવને લીધે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખૂલી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના જાન્‍યુઆરી મહિનામાં પણ રતનકુમાર એઈમ્‍સમાં આવેલી હોસ્‍ટેલમાંથી કોઈને કહ્યા વગર જતાં રહ્યા હતાં. તે સમયે  તેઓ પરાપીપળીયા  ફાટક પાસેથી મળી આવ્‍યા હતાં.

તે સમયે તે મેન્‍ટલી ડીસ્‍ટર્બ હોવાથી તેમનું કાઉન્‍સેલિંગ કરવામાં આવ્‍યું હતું અને તેમના માતા-પિતા પાસે રાજસ્‍થાન મોકલી દેવામાં આવ્‍યા હતા એ પછી તેમણે આજે ટ્રેન નીચે પડતું મૂકી જીંદગી ટૂંકાવી લીધી હતી. બનાવને પગલે રાજસ્‍થાન રહેતા તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તેમજ આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. 

(1:26 PM IST)