<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

જુદા જુદા ૩ સ્‍પાના સંચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો

રાત્રે જૂની માથાકૂટનો ખાર રાખી રોયલ ફેમેલી સ્‍પાના સન્નીએ શ્રમિકને છરી મારી ગંભીર ઈજા પહોંચાડી, ગણતરીની કલાકોમાં બીજી પોલીસ ફરિયાદ

રાજકોટ, તા.,૧૪  : કાલાવડ રોડ પર સ્‍વામીનારાયણ મંદિર સામે આવેલાં રોયલ ફેમેલી સ્‍પા, ત્રિશુલ ચોક પાસે આવેલ રુદ્રા રીલક્‍સ સેન્‍ટર, રોયલ પાર્ક મેઈન રોડ પર આવેલ રીયલ વેલનેસ સ્‍પા અને અમારા સ્‍પાના સંચાલકો સામે અલગ અલગ પોલીસ મથકમાં જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

કાલાવડ રોડ પર સ્‍વામીનારાયણ મંદિર સામે આવેલાં રોયલ ફેમેલી સ્‍પાના  સંચાલક સન્ની ચંદુભાઈ પટેલ (રહે. ભારતીનગર મેઈન રોડ, ગાંધીગ્રામ) એ નિયમ અનુસાર તેમના સ્‍પામાં કામ કરતાં કર્મચારીઓની વિગત નજીકના પોલીસ સ્‍ટેશનમાં નોંધાવવી ફરજીયાત છે પરંતુ સન્નીએ તેમના કર્મચારીઓની વિગતો ન નોંધાવતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધ્‍યો છે. આવા જ અન્‍ય એક બનાવમાં ત્રિશુલ ચોક પાસે આવેલ રુદ્રા રીલક્‍સ સેન્‍ટરના સંચાલક સિદ્ધરાજભાઈ આર પઢીયારે (રહે. જંકશન રેલ્‍વે સ્‍ટેશન)  પણ તેમના કર્મચારીઓની વિગત નજીકના પોલીસ સ્‍ટેશનમાં ન આપી હોય ભકિતનગર પોલીસે ગુનો નોંધ્‍યો હતો. તો રોયલ પાર્ક મેઈન રોડ પર આવેલ રીયલ વેલનેસ સ્‍પા અને અમારા સ્‍પાના સંચાલક હીનાબા રાજેન્‍દ્રસિંહ જાડેજા (રહે. રાજખોડલ હોટલ પાછળ ગોંડલ)  સામે પણ આ જ પ્રકારના જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્‍યો છે. બીજી બાજુ રોયલ ફેમેલી સ્‍પાના સંચાલક સન્નીએ રામનગર શાક માર્કેટમાં શૈલેષભાઈ ધનસીંગભાઈ જરીયા (ઉ.વ.૩૦)ને ગાળો આપી, છરી મારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગંભીર ઈજાને પગલે શૈલેષભાઈને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. જૂની માથાકૂટના પગલે આ સન્નીએ આ હુમલો કર્યાનું શૈલેષે જણાવ્‍યું હતું, જેને પગલે માલવિયાનગર પોલીસે શૈલેષની ફરિયાદ પરથી સન્ની વિરુધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:25 PM IST)