<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

રાજકોટમાં 'હનીટ્રેપ'નો માયાવી જાળ: પૂર્વ શિક્ષિકાની ટોળકીએ ભુવા અને ખેડૂતને પણ ન છોડ્યા, કુલ ₹36 લાખ ખંખેરી લીધા!

મીઠી વાતોમાં ફસાવીને આચર્યું કાળું કામ; 'માતાજીની માનતા'ના બહાને ભુવાજીને લૂંટ્યા તો મેડિકલના બહાને ખેડૂત પાસેથી લાખો પડાવ્યા, ક્રાઈમ બ્રાન્ચે ગેંગનો કર્યો પર્દાફાશ.

રાજકોટ : રંગીલા રાજકોટમાં અત્યારે એક હાઈપ્રોફાઈલ હનીટ્રેપ ટોળકીએ ભારે ખળભળાટ મચાવ્યો છે. ભાવનગરના શિક્ષકને ૧૨ લાખમાં ખંખેર્યા બાદ હવે આ ટોળકીના કારનામાના નવા પત્તાં ખુલ્યા છે. પૂર્વ શિક્ષિકા પાયલ પટેલ અને તેની ટોળકીએ પડધરીના એક ખેડૂત અને એક ભુવાને પણ પોતાની જાળમાં ફસાવીને કુલ ૩૬ લાખ રૂપિયા પડાવ્યા હોવાની વધુ બે ફરિયાદો નોંધાતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
ભુવાજીને 'માનતા'ના બહાને શીશામાં ઉતાર્યા
ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તેમણે ધાર્મિક આસ્થા ધરાવતા ભુવાને પણ શિકાર બનાવ્યા. પાયલ પટેલે એક ભુવાને ફોન કરીને કહ્યું કે, "તમે માતાજીના ભુવા છો, મારે માનતા કરવા આવવું છે." આ બહાને ભુવાજીના ઘરે પહોંચેલી પાયલે તેમને હનીટ્રેપમાં ફસાવી દીધા હતા. બદનામ કરવાની અને ઓડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને ભુવા પાસેથી ૭.૭૫ લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા. એટલું જ નહીં, ભુવાના મિત્ર પાસેથી પણ અઢી લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
ખેડૂતને ૩૦ લાખનો ફટકો!
બીજી તરફ, પડધરીના એક ૪૬ વર્ષીય ખેડૂતને પણ આ ટોળકીએ લૂંટ્યો હતો. નિલેશ નામના શખ્સે ખેડૂતને કહ્યું કે તેને હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર શરૂ કરવો છે અને તે માટે પાયલ સાથે ઓળખાણ કરાવી હતી. પાયલે પોતાની મીઠી વાતોથી ખેડૂતને ભોળવી હનીટ્રેપમાં ફસાવ્યો અને ટુકડે-ટુકડે ૩૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાં ૧૫ લાખ રોકડા અને ૧૦ લાખનું તો બળજબરીથી નોટરાઈઝ લખાણ પણ કરાવી લીધું હતું.
ધમકી આપીને વસૂલાતનો ખેલ
આ ટોળકી માત્ર પૈસા લઈને અટકતી નહોતી, પણ જો શિકાર વધુ પૈસા આપવાની ના પાડે તો તેને દુષ્કર્મના કેસમાં ફસાવવાની અથવા કોલ રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપતી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાયલ પટેલ, તેની સહેલી અને પડધરીના શખ્સની ધરપકડ કરી લીધી છે. હાલ આ ટોળકીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:07 PM IST)