તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 16th March 2026
રાજકોટવાસીઓએ ભરી મનપાની તિજોરીઃ વેરાની ૪૦૦ કરોડની રેકોર્ડબ્રેક આવક
૪,૩૮,૪૨૨ કરદાતાઓએ મિલ્કત વેરો ભરપાઇ કર્યોઃ ગત વર્ષ કરતા ૧૦.૦૩ કરોડથી વધુ આવકઃ વ્યાજમાં માફી યોજનાને સારો પ્રતિસાદ

રાજકોટ,તા.૧૬: મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલ્કતવેરા અને પાણીવેરાની વસુલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તા. ૯ એપ્રિલ ૨૦૨૫થી શરૂ કરાયેલી વસુલાત કામગીરી અંતર્ગત કુલ ૪,૩૮,૪૪૨ કરદાતાઓએ રૂ. ૪૦૦.૮૯ કરોડ જેટલી રકમ જમા કરાવી છે. અગાઉના વર્ષ ૨૦૨૪-૨૫માં ૪,૦૭,૨૭૬ કરદાતાઓ પાસેથી રૂ. ૩૯૦.૮૬ કરોડ વસુલ થયા હતા. આ રીતે ચાલુ વર્ષે કરદાતાઓની સંખ્યામાં ૩૧,૧૬૬નો વધારો થયો છે તથા મહાનગરપાલિકાની આવકમાં રૂ. ૧૦.૦૩ કરોડનો વધારો નોંધાયો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલ્કતવેરા તથા પાણીવેરાની વસુલાત કામગીરી તા.૦૯ એપ્રીલ થી શરૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા સઘન આયોજન, સતત અનુસરણ તથા વિવિધ જનજાગળતિ પ્રયાસોના પરિણામે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કરદાતાઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન કુલ ૪,૩૮,૪૪૨ કરદાતાઓ દ્વારા રૂ.૪૦૦.૮૯ કરોડ જેટલી માતબર રકમનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે, ગયા વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૪,૦૭,૨૭૬ કરદાતાઓ દ્વારા રૂ.૩૯૦.૮૬ કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો. તેની તુલનામાં ચાલુ વર્ષે ૩૧,૧૬૬ જેટલા વધુ કરદાતાઓએ વેરો ભર્યો છે તેમજ રૂ.૧૦.૦૩ કરોડ જેટલી વધારાની આવક મહાનગરપાલિકાની તિજોરીમાં જમા થઈ છે.
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ ચાલુ નાણાકીય વર્ષ માટે નક્કી કરાયેલ રૂ.૪૦૦ કરોડના ટાર્ગેટને આજ દિન સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જે શહેરના કરદાતાઓના સહકાર તથા મહાનગરપાલિકાના કર્મચારીઓના સંકલિત પ્રયત્નોનું પરિણામ છે.
હાલ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે રૂ.૫૦૦૦ સુધીની વ્યાજ માફી યોજના અમલમાં છે. જેના કારણે શહેરના અનેક કરદાતાઓ પોતાનો બાકી વેરો ભરપાઈ કરવા આગળ આવી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને નમ્ર અનુરોધ કરવામાં આવે છે કે, તા.૩૧ માર્ચ સુધીમાં પોતાનો બાકી મિલ્કતવેરો તથા પાણીવેરો ભરપાઈ કરી રૂ.૫૦૦૦ સુધીની વ્યાજ માફીનો લાભ અવશ્ય મેળવે અને શહેરના વિકાસકાર્યોમાં પોતાનો સહયોગ આપે.
આ સમગ્ર કામગીરી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં નાયબ કમિશનર સી.કે. નંદાણી, સેન્ટ્રલ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર કાશ્મીરાબેન વાઢેર, વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર દીપેન ડોડીયા, ઈસ્ટ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર એચ.પી. રૂપારેલીયા, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા, તેમજ ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કરના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તમામ વોર્ડ ઓફિસર તથા ટેક્સ ઇન્સ્પેક્ટરઓ દ્વારા સઘન વેરા વસુલાત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વર્તમાન સમયમાં બાકીદારો સામે સીલિંગ તથા રીકવરીની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે, જેથી બાકી રહેલ વેરાની અસરકારક રીતે વસુલાત થઈ શકે.
રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત શહેરના તમામ નાગરિકોને અપીલ કરે છે કે, વ્યાજ માફી યોજનાનો લાભ લઈ સમયસર વેરો ભરપાઈ કરી શહેરના વિકાસમાં ભાગીદાર બને
(4:03 PM IST)










