તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
વોર્ડ ૧૧માં ભાજપનું સમીકરણ વિકટ : લીલુબેન જાદવ અને રણજીતભાઈ સાગઠિયા 'નો રિપીટ' ? નવા રોસ્ટરથી મોટા માથાઓ અટવાયા ?
અધિકારીઓની અણઆવડતથી ડીઆઇ પાઇપલાઇન મુદ્દે લોકોમાં રોષ: ડેમેજ કંટ્રોલ જરૂરી, કોંગ્રેસ-આપની સક્રિયતા વચ્ચે ટિકિટ માટે લોબિંગ તેજ

રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તેમ કહી શકાય. દરેક રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપે પણ પોતાની રણનીતિ ઘડીને કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણકાર વર્તુળો કહી રહ્યા છે. આ તમામ ગતિવિધિઓ વચ્ચે વોર્ડ નંબર ૧૧નું સમીકરણ ખૂબ મહત્ત્વનું પુરવાર થઈ રહ્યું છે.
આ વખતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે નવું રોસ્ટર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તેમાં પ્રથમ બે બેઠક સામાન્ય મહિલા અનામત નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે ત્રીજી બેઠક ઓબીસી અને ચોથી બેઠક ફરી સામાન્ય નક્કી કરાઈ છે. પ્રવર્તમાન નગરસેવકોની વાત કરવામાં આવે તો, રોસ્ટરના પગલે લીલુબેન જાદવને ટિકિટ નથી મળતી તે વાત સો ટકા પુરવાર થતી નજરે પડે છે. જ્યારે બીજી તરફ રણજીતભાઈ સાગઠિયાને સંગઠનમાં સ્થાન મળતાં તેઓની ટિકિટ ઉપર પણ પૂર્ણવિરામ લાગી ગયું છે. એટલે કે આ બે ચહેરા 'નો રિપીટ' થશે, તે નિશ્ચિત દર્શાય છે. સામાન્ય ઉમેદવાર આવતા લીલુબેન જાદવને બદલે અન્ય કોઈ સામાન્ય મહિલા ઉમેદવારને ટિકિટ મળશે તે નિશ્ચિત છે.
બાકી રહેલા ભારતીબેન પાડલિયા તથા વિનોદભાઈ સોરઠિયાની વાત કરીએ તો, આ બંનેમાંથી કોઈ એક કોર્પોરેટરને રિપીટ કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે અને તેમાં પણ ભારતીબેન પાડલિયા રિપીટ થાય તેવા ઉજળા સંજોગો ઉજળા હોવાની ચર્ચા છે. બીજી તરફ આ વખતે પક્ષના જૂના આગેવાન ભરતભાઈ શિંગાળાએ પણ પોતાને ટિકિટ મળે તે માટેનું લોબિંગ શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ આ તમામ બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ હવે પક્ષ દ્વારા કયા પ્રકારે સમીકરણો હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
સ્થાનિક રાજકારણના જાણકારોના જણાવ્યા અનુસાર, વોર્ડ ૧૧માં ડીઆઇ પાઇપલાઇનને લઈને જે પ્રશ્નો ઊભા થયા હતા અને તેમાં પણ જ્યારે અધિકારીઓની અણઆવડત સામે આવી હતી, તેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિણામ સ્વરૂપે લોકોમાં ક્યાંકને ક્યાંક ભારે રોષ જોવા મળ્યો છે. જો ચૂંટણી સમયે આ મુદ્દાને ધ્યાને લેવામાં આવે તો ભાજપને પ્રશ્નો ઊભા થઈ શકે તેમ છે. આ સ્થિતિમાં ડેમેજ કંટ્રોલ કરવું ભાજપ માટે જરૂરી બન્યું છે, કારણ કે સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) પણ વોર્ડ ૧૧માં એડીચોટીનું જોર લગાવી રહી છે.
રોસ્ટર પ્રમાણે સામાન્ય ઉમેદવાર આવતા પક્ષ એક ટિકિટમાં તો અચૂક ફેરફાર કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી તરફ, જો વોર્ડ નંબર ૮નું સમીકરણ બદલાય તો તેની સીધી અસર વોર્ડ નંબર ૧૧માં પણ જોવા મળી શકે છે. હાલ આશરે ૬૦૦ કરોડનાં વિકાસકામો વોર્ડ ૧૧માં થયેલાં છે, પરંતુ કોર્પોરેટરોની જે ધાક અને પ્રભાવ હોવા જોઈએ તે જોવા મળતા નથી અને પરિણામ સ્વરૂપે ભાજપ માટે આ એક સૌથી મોટો પડકાર બની રહેશે.
ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારથી જ ટિકિટ માટેનું લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે રાજ્ય ચૂંટણી આયોગના રોસ્ટરના કારણે અનેક 'મોટા માથાઓ'નાં નામ કપાઈ જવાની શક્યતાઓ છે. ત્યારે તેઓને કયા સ્થાને સાચવવા તે પણ પક્ષ માટે ચર્ચાનો મોટો વિષય બની રહેશે.
પક્ષ માટે ઉપયોગી નીવડેલા સિનિયર આગેવાનો કે જેઓને ચૂંટણી લડાવવાની જ હોય, પરંતુ રોસ્ટર પ્રમાણે તેમની જગ્યા ફિક્સ બેસતી ન હોય, તો તેઓને અન્ય વોર્ડમાંથી પણ મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે, તેમને 'આયાતી ઉમેદવાર' તરીકે ઊભા રાખવામાં આવે. પરંતુ, સ્થાનિક લોકો તેઓને પસંદ કરશે કે કેમ તે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
આ વખતે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી માટે સૌથી વિકટ સમસ્યા એ જ છે કે રોસ્ટર આધારિત યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવી. આ પ્રક્રિયા ખૂબ મહેનત અને ગ્રાઉન્ડ વર્ક માંગી લેશે. તમામ રાજકીય પક્ષોની સરખામણી કરવામાં આવે તો ભાજપ આ વૈતરણી પાર કરી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ આ માટે પક્ષે એડીચોટીનું જોર ચોક્કસ લગાવવું પડશે તે વાત પણ એટલી જ નક્કી છે
(2:35 PM IST)










