News of Monday, 16th March 2026
શહેરમાં ડેન્ગ્યુ-ટાઇફોઇડ-કમળાના ૧-૧ દર્દી
શરદી-તાવ-ઉધરસ-ઝાડા- ઉલ્ટીના ૧૦૯ર કેસ : મનપા દ્વારા ૧૩૬૬૪ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૪૨૧ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૫૩ને નોટીસ

રાજકોટ તા. ૧૬ :. શહેરમાં મિશ્ર ઋતુ વચ્ચે મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૦૯૨ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના ૧ કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૯ થી ૧પ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૧૦૯૨થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૪૮૮ તેમજ સામાન્ય તાવના ૪૪૬ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૫૬ તથા ટાઇફોઇડના તથા કમળાના ૧-૧ સહિત કુલ ૨૧૩૯ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૯૮૩૬ તેમજ સામાન્ય તાવના ૭૬૬૨ અને ઝાડા ઉલ્ટીના કેસ ૨૧૧૭ તથા ટાઇફોઇડના ૩ તેમજ કમળાના ૧૧ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૧૫૩ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૩૬૬૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૪૨૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૧૪૩ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૫૩ લોકોને નોટીસ આપવામાં આવી હતી.
(2:49 PM IST)










