<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

રાજકોટની ત્રણ સબ રજીસ્‍ટાર કચેરીના બિલ્‍ડીંગ નવા બનાવવા વર્ક ઓર્ડરઃ સયાજી હોટલ પાસે બનશે

પશ્ચિમ વિસ્‍તારમાં દસ્‍તાવેજો કામ માટે નાગરિકોને રાહતઃ ૨ થી ૨ાા કરોડનો ખર્ચઃ ૨ હજાર ચો.મી. જગ્‍યા

રાજકોટ, તા.૧૬: શહેરના પશ્ચિમ વિસ્‍તારના રજિસ્‍ટ્રેશનના કામકાજ માટે નાગરિકોને મોટી રાહત મળવા જઈ રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ નજીક ઝોન-૩, ૪ અને ૫ની નવી સબ-રજિસ્‍ટ્રાર કચેરી બનાવવા માટેની વહીવટી પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. રાજ્‍ય સરકારની મંજૂરી બાદ હવે ટેન્‍ડરપ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાથી ટૂંક સમયમાં જ બાંધકામ શરૂ કરવામાં આવશે.

રાજકોટ કલેક્‍ટર વિભાગના સૂત્રોના જણાવ્‍યા અનુસારઃ કાલાવડ રોડ પર સયાજી હોટલની સામે આવેલી અંદાજે ૨૦૦૦ ચોરસ વાર સરકારી જમીન પર આ ભવ્‍ય કચેરીનું નિર્માણ થશે. આ એક જ બિલ્‍ડિંગમાં ઝોન-૩, ઝોન-૪ અને ઝોન-૫ એમ ત્રણેય ઝોનની કામગીરી એકસાથે ચાલશે, જેથી અરજદારોને અલગ-અલગ જગ્‍યાએ ધક્કા ખાવા નહીં પડે.

તંત્ર દ્વારા આ પ્રોજેક્‍ટ માટેની સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થતા હવે એજન્‍સી દ્વારા ગ્રાઉન્‍ડ લેવલ પર કામ શરૂ કરવામાં આવશે.‘‘રાજ્‍ય સરકાર દ્વારા મંજૂરી મળ્‍યા બાદ તમામ પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે.  વધુ ઓર્ડર નીકળી ગયા છે. આગામી એક વર્ષના સમયગાળામાં આ નવી કચેરી તૈયાર કરી દેવામાં આવશે, જેથી જમીન-મકાન દસ્‍તાવેજની કામગીરી વધુ ઝડપી બનશે.'' 

(3:45 PM IST)