તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
વિધાનસભા-૬૮ ના ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ ગાંધીનગરના પ્રવાસે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત
કાર્યકર્તાઓમાં જનસેવા, વિકાસ અને સંગઠન પ્રત્યે નવી પ્રેરણા જાગે તેવા ઉદ્દેશ સાથે ધારાસભ્ય ઉદય કાનગડની પહેલ : ૯ બસ દ્વારા ગોઠવાઇ વ્યવસ્થા

રાજકોટ : હાલમાં ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તે અંતર્ગત રાજકોટ વિધાનસભા-૬૮ (પૂર્વ) ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા કાર્યકર્તાઓમાં જનસેવા, વિકાસ અને સંગઠન પ્રત્યે નવી પ્રેરણા જાગે તેવા ઉદ્દેશ સાથે ગાંધીનગર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભા-૬૮ ક્ષેત્રમાં સમાવિષ્ટ વોર્ડ નં.૩,૪,૫,૬,૧૫ અને ૧૬ના બુથ પ્રમુખો, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ- સહ ઇન્ચાર્જ તથા વોર્ડ સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તા ભાઈઓ-બહેનો સાથે જોડાયા હતા. તેમજ આ પ્રવાસમાં વિધાનસભા-૬૮ વિસ્તારના મહિલા મોરચાના બહેનો, સરદાર પટેલ મહિલા સોશિયલ ગ્રુપ (બેડીપરા)ના બહેનો તેમજ વિવિધ સમાજના આગેવાનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કુલ ૯ બસોમાં ૫૦૦થી વધુ કાર્યકર્તા અને આગેવાનો ગાંધીનગરની મુલાકાતે બસ અને ફોર વ્હીલર મારફત ગયા હતા. આ પ્રસંગે એમ. એલ. એ. આવાસ ખાતે તમામ કાર્યકર્તા ભાઈ-બહેનો તથા વિવિધ સમાજના આગેવાનો સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કાર્યકર્તાઓ સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ કરીને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું અને રાજ્યના સર્વાંગી વિકાસમાં કાર્યકર્તાઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તેમજ કાર્યકર્તાઓ સાથે ભોજન પણ લીધું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામ કાર્યકર્તા ભાઈઓ-બહેનો માટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલયની મુલાકાત પણ ગોઠવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના આ મુખ્ય કાર્યાલય ખાતે પહોંચતા કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. અહીંથી સંચાલિત થતા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો વિશે કાર્યકર્તાઓને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે હાલ વિધાનસભાનું સત્ર ચાલુ છે, ત્યારે વિધાનસભાની કાર્યપદ્ધતિ, રાજ્યના વિકાસ માટે લેવાતા મહત્વપૂર્ણ નિર્ણયો અને વિધાનસભાની કામગીરી વિશે કાર્યકર્તાઓને પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થાય તેવા હેતુથી આ પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ જનતા અને સરકાર વચ્ચેનું મહત્વપૂર્ણ કડીરૂપ છે. વિવિધ વોર્ડોના બુથ પ્રમુખો, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ, મહિલા મોરચાના બહેનો તથા વિવિધ સમાજના આગેવાનોને એક સાથે લાવી સંગઠનાત્મક એકતા, પરસ્પર સંવાદ અને સમન્વય વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમ્યાન ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ભાજપ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠનના પ્રભારી અનિરુધ્ધભાઈ દવે, ધારાસભ્યો સર્વેશ્રી ઉદય કાનગડ, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા-૬૮ ના ગાંધીનગર પ્રવાસને સફળ બનાવવા ધારાસભ્ય ઉદય કાનગડના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દૂધાત્રા, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કિશોરભાઈ રાઠોડ, મનસુખભાઈ પીપળીયા, ભરત રાદડીયા, ઉત્તમભાઈ જાની, રસિકભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓએ બસ વ્યવસ્થા, સવારનો નાસ્તો અને બંને ટાઇમનું ભોજન, પ્રવાસ આયોજન તેમજ ગાંધીનગર ખાતે રહેઠાણ, કાર્યકર્તા માટે પાસની વ્યવસ્થા અને ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ સુંદર અને સુચારૂરૂપે સંભાળી હતી.
(3:45 PM IST)










