તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
સફાઇ કામદારો માટે અલાયદા કોમ્યુનીટી હોલનું કામ પ્રગતિમાં
મ્યુ. કમિશનર તુષાર સુમેરાની સ્થળ મુલાકાત : ગુણવતા જાળવવા તથા સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરવા તાકીદ

રાજકોટ, તા., ૧૬: શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સારી જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વિકાસકાર્યોના ભાગરૂપે શહેરના વોર્ડ નં.૦૩ વિસ્તારમાં જામનગર રોડ પર સફાઈ કામદારોને ઉપયોગી બને તેવા આધુનિક સુવિધાઓ ધરાવતા કોમ્યુનિટી હોલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
આ કોમ્યુનિટી હોલનું નિર્માણ અંદાજીત રૂપિયા ૮.૬૯ કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ કામ માટે તા.૭ ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને હાલ આ પ્રોજેક્ટની કામગીરી આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સફાઈ કામદારોને વિવિધ સામાજિક, સાંસ્કળતિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ થશે.
આ કામગીરીની પ્રગતિ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ વિઝીટ દરમ્યાન તેમણે કાર્યરત એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરી, કામની ગતિ, ગુણવત્તા તેમજ આગામી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કમિશનરે સંબંધિત અધિકારીઓ અને એજન્સીને સૂચના આપી હતી કે કામમાં ગુણવત્તા જળવાઈ રહે અને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ હેઠળ અંદાજીત ૩૪૫૮.૯૪ ચોરસ મીટર વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથેનું G+2 માળનું કોમ્યુનિટી હોલ બિલ્ડીંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ફ્લોરમાં ર્પાકિંગ વ્યવસ્થા, ઓફિસ રૂમ, લિફ્ટ સુવિધા તેમજ ટોઇલેટ બ્લોક જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી અહીં આવનારા લોકો માટે સુવિધાજનક વ્યવસ્થા ઉભી થઈ શકે. તે ઉપરાંત ર્પાકિંગ સુવિધા ઉપલબ્ધ થતા ટ્રાફિકની સમસ્યા પણ ટળી શકશે.
બિલ્ડીંગના પ્રથમ અને બીજા માળમાં વિશાળ મેરેજ ફંક્શન હોલ, વર-વધુ રૂમ, ડાઇનીંગ હોલ તેમજ સુવિધાસભર કિચન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ સુવિધાઓના કારણે લગ્ન સમારંભો, સામાજિક કાર્યક્રમો, ધાર્મિક પ્રસંગો, મિટિંગો અને વિવિધ સમારંભો માટે સુવિધાસભર અને વ્યવસ્થિત સ્થળ પ્રાપ્ત થશે.
આ કોમ્યુનિટી હોલ ખાસ કરીને સફાઈ કામદારોના કલ્યાણ અને સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે જેથી તેઓ તથા તેમના પરિવારજનો સામાજિક અને સાંસ્કળતિક પ્રસંગો માટે યોગ્ય અને સન્માનજનક સ્થળનો ઉપયોગ કરી શકે. આ પહેલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા શહેરના સફાઈ કામદારોના જીવનસ્તરને વધુ સુદ્રઢ બનાવવા પ્રતિબદ્ધ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કામ ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં પૂર્ણ થાય અને સફાઈ કામદારોને વહેલી તકે આ સુવિધાનો લાભ મળી શકે.
મ્યુનિસિપલ કમિશનરની વિઝીટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સીટી એન્જી.અતુલ રાવલ, ડેપ્યુટી સીટી એન્જી.એજન્સીના પ્રતિનિધિ સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:51 PM IST)










