<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ડૉ. પ્રદીપ કણસાગરા (યુરોલોજિસ્‍ટ) સમાજસેવાને સમર્પિત એક વિરલ વ્‍યક્‍તિત્‍વ

યુરોલોજીમાં ડો.કણસાગરાના ગુરૂ ડો. અજીત ફડકેએ સમારંભમાં કહ્યું તમે તમારી ખાનગી પ્રેક્‍ટીસ ચાલુ રાખશો તો આ હોસ્‍પિટલને કેવી રીતે ન્‍યાય આપી શકશો ? ડો. કણસાગરાએ એ જ સમયે પોતાની ધીકતી ખાનગી પ્રેક્‍ટીસ બંધ કરીને આ હોસ્‍પિટલને પૂર્ણ સમય માનદ સેવા આપવાની જાહેરાત કરી : રાજકોટમાં બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલની સ્‍થાપના કરી આ સેવા સંસ્‍થાની સફળતા માટે ભેખ ીધો છે, એક મા પોતાના બાળકનું જે પ્રેમ અને વાત્‍સલ્‍યથી જતન કરતી રહે છે, એવા જ ભાવથી ડો. કણસાગરા આ સંસ્‍થાની સતત માવજત કરતા રહે છે : ડો.કણસાગરા કહે છેᅠ મારા જીવનની સફળતામાં ઇશ્વર આશીર્વાદ, મારા માતાપિતા દ્વારા મળેલ સંસ્‍કાર અને દાતાઓ, ટ્રસ્‍ટીઓ તથા હોસ્‍પિટલની સમગ્ર ટીમનું યોગદાન છે

આજે જ્‍યારે તબીબી સેવાક્ષેત્રના સામાજિક નિસ્‍બત અને સમાજ પ્રત્‍યેના દાયિત્‍વની બાબત વ્‍યાપક ચર્ચાનો વિષય બની ગઈ છે ત્‍યારે સમાજમાં માનવ સેવાની જ્‍યોતને દેદીપ્‍યમાન રાખવા માટે પોતાની કારકિર્દીના મધ્‍યાને ધીકતી પ્રાઈવેટ પ્રેક્‍ટિસ છોડીને નિષ્ઠા, ત્‍યાગ અને સ્‍વાર્પણની ભાવનાથી લોકોની નિઃસ્‍વાર્થ સેવાનો આદર્શ પોતાના સમગ્ર જીવન દ્વારા ડૉ. પ્રદીપ કણસાગરાએ વિશ્વ સમક્ષ મૂકયો છે. બી. ટી. સવાણી કિડની હોસ્‍પિટલ,રાજકોટ ની સ્‍થાપના કરીને એમણે એ સેવાસંસ્‍થાની સફળતા માટે ભેખ લીધો છે એમજ કહેવું પડે. આજે એ સંસ્‍થા માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર ભારતની નમૂનારૂપ આદર્શ હોસ્‍પિટલ બની છે, એમાં ડૉ. કણસાગરાએ બહુ જ મહત્‍વની ભૂમિકા ભજવી છે. તેઓએ આ હોસ્‍પિટલના સફળ સંચાલન અને ઉત્તરોતર પ્રગતિમાં હંમેશા કેન્‍દ્રીય ભૂમિકા ભજવી છે. એક મા પોતાના બાળકનું જે પ્રેમ અને વાત્‍સલ્‍યથી જતન કરતી રહે છે, એવાજ ભાવથી ડૉ. કણસાગરા આ સંસ્‍થાની સતત માવજત કરતા રહે છે.

તેઓ અમરેલી જિલ્લાના અનીડા ગામના એક આદર્શ લોકસેવક એવા શ્રી જીણાભાઇ કણસાગરાના સુપુત્ર. પિતાશ્રી જીણાભાઇ એ વિસ્‍તારના લબ્‍ધ પ્રતિષ્ઠિત આગેવાન. ત્રણ વખત આ વિસ્‍તારના ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈને એમણે રાજનીતિ નહીં, પણ લોકહિતને વરેલી એવી સેવાનીતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું. લોકોના પ્રેમથી મળેલ પદનો ઉપયોગ એમણે લોકોની સેવા માટે કર્યો. આવા ખરા અર્થમાં લોકસેવક કહી શકાય એવા ધારાસભ્‍ય આજે મળવા દુર્લભ છે. આમ નિઃસ્‍વાર્થ સમાજસેવાના સંસ્‍કાર એમને વારસામાં મળ્‍યા છે. સાવ સરળ સ્‍વભાવ, સૌના પ્રત્‍યે સદ્ભાવ, મિતભાષી અને મળદુભાષી એવા ડૉ. કણસાગરા સર્વમિત્ર છે. જે કોઈ એમના પરિચયમાં આવે તેને પોતાના બનાવી દેવાની એમનામાં અદ્ભુત ક્ષમતા છે. ધ્‍યાન, યોગ અને વિપશ્‍યના દ્વારા એમણે આજે ૭૫ વર્ષની ઉંમરે પણ પોતાનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી રાખ્‍યુ છે.

પ્રાથમિક શિક્ષણ એમના પોતાના વતન અનીડામાં લીધા પછી અમરેલીની ખ્‍યાતનામ કમાણી ફોરવર્ડ હાઈસ્‍કૂલમાં એસ.એસ.સી. પાસ થઈને પછી બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં એમ.બી.બી.એસ. કર્યું. એ દરમ્‍યાન એમને પથરીનું ઓપરેશન કરાવવું પડ્‍યું. આ પથરીની અસહ્ય વેદનાની ભૂમિમાં યુરોલોજિસ્‍ટ થવાનું બીજ રોપાયું. એમ.બી.બી.એસ. કર્યા પછી યુરોલોજીમાં સ્‍પેશ્‍યલાઇઝેશન કરીને ઈ.સ.૧૯૭૯ માં રાજકોટમાં યુરોલોજિસ્‍ટ તરીકે સીધી જ ખાનગી પ્રેક્‍ટિસ શરૂ કરી. આ પ્રેક્‍ટિસ દરમ્‍યાન એમણે જોયું કે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ક્ષારયુક્‍ત પાણીને કારણે લોકો કિડનીમાં પથરી થવાથી પીડાઈ રહ્યા હતા. એમણે હજારો દર્દીઓના પથરીના તેમજ પ્રોસ્‍ટેટના ઓપરેશન સફળતા પૂર્વક કર્યા. રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ઈ.સ. ૧૯૮૧ માં યુરોલોજી વિભાગ શરૂ કરાવીને એમણે ત્‍યાં આઠ વર્ષ સુધી માનદ સેવાઓ આપી. કેટલાય કેમ્‍પ યોજીને એમણે હજારો પથરીના દર્દીઓની સારવાર કરી.

ઈ. સ. ૧૯૯૪ માં એમના પિતાશ્રીને જ કિડનીમાં સમસ્‍યા ઊભી થઈ. સમયાંતરે ડાયાલિસિસ કરવું પડે એવી સ્‍થિતિ થઈ. એમના પિતાશ્રીએ એમને કહ્યું કે ‘‘આપણી ઘરની હોસ્‍પિટલ હોવાથી મને સરળતાથી આ સારવાર મળે છે પણ સામાન્‍ય માણસને આવી સમસ્‍યા ઊભી થાય ત્‍યારે એને સારવાર મેળવવામાં કેટલી મુશ્‍કેલી પડે ? લોકોને સરળતાથી સારી અને સસ્‍તા દરે આવી સારવાર મળી રહે એવી વ્‍યવસ્‍થા થવી જોઈએ.'' આ રીતે પિતાશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી ડૉ. કણસાગરાએ રાજકોટમાં કિડની હોસ્‍પિટલ ઊભી કરવાનો મનમાં સંકલ્‍પ કર્યો અને  રાજકોટના ઉદ્યોગપતિ ફિલ્‍ડમાર્શલ વાળા શ્રી પોપટભાઈ પટેલ તેમજ રાજકોટના ડૉ.વલ્લભભાઈ કથીરીયા સાથે આ અંગે વિચાર વિમર્શ કર્યો. ત્‍યારબાદ ‘‘ફૂલછાબ'' દૈનિક વર્તમાનપત્રના તત્‍કાલીન તંત્રી શ્રી હરસુખભાઈ સંઘાણીને વાત કરી. સૌએ આ વિચારને સહર્ષ સ્‍વીકાર્યો અને સહકાર આપવાની ખાતરી આપી. ત્‍યારબાદ ડૉ. કણસાગરાએ શ્રી દેવજીભાઈ હાંસલિયા, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ અને એમના મિત્ર એવા યુરોલોજિસ્‍ટ વિવેક જોશી અને અન્‍ય મિત્રો, દાતાઓ અને શુભેચ્‍છકોને એમના શુભ સંકલ્‍પની વાત કરી. સૌએ આ વિચારને ઉત્‍સાહથી વધાવી લીધો અને સંપૂર્ણ સહકારની ખાતરી આપી. એક ટ્રસ્‍ટની સ્‍થાપના કરવાનું નક્કી થયું એ મુજબ એપ્રિલ ૧૯૯૮ માં ‘‘સૌરાષ્‍ટ્ર કિડની રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટ'' નામના ટ્રસ્‍ટની રચના કરીને ડૉ. પ્રદીપ કણસાગરાની હોસ્‍પિટલમાં જ તેનું કામકાજ શરૂ કર્યું. શ્રી દેવજીભાઈ પટેલે આ સંસ્‍થાના ફાઉન્‍ડર ચેરમેનની તેમજ ડૉ. પ્રદીપ કણસાગરાએ ફાઉન્‍ડર મેનેજિંગ ટ્રસ્‍ટી તરીકેની જવાબદારી સંભાળી. કિડની હોસ્‍પિટલ ઉભી કરવાની જવાબદારી ડૉ. કણસાગરાએ પોતે ઉપાડી લીધી. જ્‍યારે નિઃસ્‍વાર્થ ભાવથી જનહિતનું કાર્ય કરવાનો કોઈ સંકલ્‍પ કરે ત્‍યારે ઈશ્વર પણ એ સંકલ્‍પને સાકાર કરવા માટે અવશ્‍ય મદદ કરે છે.

  મોટી હોસ્‍પિટલ ઉભી કરવા માટે સૌથી પહેલા જમીન જોઈએ. ત્‍યાર પછી નાણાની જરૂર પડે. નકશા પ્‍લાન તૈયાર કરવા, બાંધકામની મંજૂરી મેળવવી, બાંધકામનો કોન્‍ટ્રાક્‍ટ આપવો, બાંધકામ ઉપર સતત મોનીટરીંગ કરવું, એવા કેટલાય કોઠા પસાર કરવા પડે. ડૉ. કણસાગરાએ હોસ્‍પિટલ માટે જમીન મેળવવા પાંચ વખત ગાંધીનગર રૂબરૂ જઈને રાજ્‍ય સરકારને રજૂઆત કરી. શ્રી વજુભાઈ વાળા સાથે ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી કેશુભાઈ પટેલને રૂબરૂ મળીને કિડની હોસ્‍પિટલ માટે રાજકોટમાં જમીન ફાળવવા માટે વિનંતી કરી. માન. શ્રી કેશુભાઈએ આ શુભકાર્યમાં ત્‍વરિત સહયોગ આપીને મે, ૧૯૯૯ માં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી નજીક ૧૦,૮૦૦ ચોરસ મીટર જમીન નજીવા ભાવે ફાળવી. ત્‍યાર પછી ડૉ. કણસાગરા અને અન્‍ય ટ્રસ્‍ટીઓએ આ પ્રોજેક્‍ટને બહુ ઝડપથી આગળ વધાર્યો. કોઈ નિષ્ઠાવાન માણસ નિઃસ્‍વાર્થ ભાવે સમાજના હિત માટે કોઈ કામ ઉપાડે ત્‍યારે દાનવીરોને આવા કામમાં સહયોગ આપવામાં મોજ આવે. આવા કામ પૈસાના અભાવે અટકી નથી જતા એવો સૌનો અનુભવ છે. દેવજીભાઈ પટેલે આફ્રિકામાં નૈરોબીમાં વસતા બી.ટી. સવાણીને વાત કરી,એમણે રાજી થઈને રૂ.૧,૦૦,૧૧,૧૧૧ (રૂપિયા એક કરોડ,અગિયાર હજાર એકસો અગિયાર) નું અનુદાન આપ્‍યું અને આ રીતે આ હોસ્‍પિટલનું નામ ‘‘બી.ટી.સવાણી કિડની હોસ્‍પિટલ, રાજકોટ'' રાખવામાં આવ્‍યું.

 હોસ્‍પિટલ નિર્માણનું કામ ઝડપથી આગળ વધારવાના સંકલ્‍પ સાથે હોસ્‍પિટલના ખાતમુહૂર્તનો સમારંભ યોજવામાં આવ્‍યો. સ્‍વામી સચ્‍ચિદાનંદજીની ઉપસ્‍થિતિમાં ગુજરાત રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના હસ્‍તે પૂજાવિધિ કરવામાં આવી અને મુખ્‍ય દાતા શ્રી બી.ટી. સવાણીના હસ્‍તે ખાત મુહૂર્ત થયું. ત્‍યાર પછી મુખ્‍ય સમારોહ રાજકોટના હેમુ ગઢવી હોલમાં યોજાયો. સ્‍વામી સચ્‍ચિદાનંદજીએ અંતરના આશીર્વાદ આપ્‍યા. યુરોલોજીમાં ડૉ. કણસાગરાના ગુરુ ડૉ. અજિત ફડકે પણ આ સમારંભમાં ખાસ હાજર રહ્યાં હતાં. એમણે ડૉ. કણસાગરાને કહ્યું કે ૅતમે તમારી ખાનગી પ્રેક્‍ટિસ ચાલુ રાખશો તો આ હોસ્‍પિટલને કેવી રીતે ન્‍યાય આપી શકશો ?ૅ ડૉ. કણસાગરાએ એજ સમયે પોતાની ધીકતી ખાનગી પ્રેક્‍ટિસ બંધ કરીને આ હોસ્‍પિટલને પૂર્ણ સમય માનદ સેવાઓ આપવાની જાહેરાત કરી ત્‍યારે તાળીઓના ગડગડાટથી સૌએ એમના આ શુભ સંકલ્‍પને વધાવી લીધો.

ત્‍યાર પછી તો ડૉ.કણસાગરા અને તેની ટીમ આ હોસ્‍પિટલના નિર્માણના કામમાં લાગી ગઈ. દાન મેળવવા માટે તેઓ બે વખત અમેરિકા ગયા, સિંગાપુર અને મલેશિયા પણ ગયા. નામી અનામી અનેક દાતાઓનો નાણાંકીય સહયોગ મળતો ગયો અને હોસ્‍પિટલનું કામ ઝડપથી આગળ વધ્‍યું. ડૉ. કણસાગરાએ પણ આજ સુધીમાં આ સંસ્‍થાને રૂપિયા પચાસ લાખનું અનુદાન આપ્‍યું છે.

ડૉ. પ્રદીપભાઈ કણસાગરા એક શુભ સંકલ્‍પ લઈને આગળ વધ્‍યા, પછી ધીમે ધીમે લોકો આ શુભ કાર્યમાં તેમની સાથે જોડાતા ગયા. અનેક લોકોના સાથ અને સહકારથી આવું કામ સંપન્ન થતું હોય છે. ડૉ. વલ્લભભાઈ કથીરીયા, ફિલ્‍ડ માર્શલ વાળા પોપટભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, દેવજીભાઈ પટેલ, જયંતીભાઈ ફળદુ અને ડૉ. વિવેક જોશી (યુરોલોજિસ્‍ટ ) એમની ટીમમાં જોડાયા અને આ સૌની સંઘભાવનાએ આ કામને દીપાવ્‍યું.

બીજી ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ બી.ટી.સવાણી કિડની હોસ્‍પિટલના વિશાળ બિલ્‍ડિંગનું કામ પૂર્ણ થયું. ડૉ.પ્રદીપ કણસાગરા પોતે એક કુશળ તબીબ તો છે જ સાથોસાથ વહીવટી કુશળતા સાથે સફળ આયોજક પણ છે. આ કિડની હોસ્‍પિટલ એનો જીવતો જાગતો પુરાવો છે. ૨૦૦૩ માં પચાસ બેડ અને ચાર ડાયાલિસિસ મશીનથી શરૂ થયેલી આ હોસ્‍પિટલમાં આજે ૨૩૮ બેડ અને ૫૬ ડાયાલિસિસ મશીન છે. ઇન્‍ડોર અને આઉટડોર વિભાગ સાથે હોસ્‍પિટલમાં ૨૪ કલાક ઈમરજન્‍સી સેવાઓ ઉપલબ્‍ધ છે. નિષ્‍ણાંત ડૉક્‍ટરોની મોટી ટીમ આ હોસ્‍પિટલમાં સતત કાર્યરત છે. ગરીબ દર્દીઓને માત્ર રૂપિયા ૫૦૦માં ડાયાલિસિસની સગવડ મળે છે. ગુજરાત સરકાર અને કેન્‍દ્ર સરકારની વિવિધ યોજના હેઠળ દર્દીઓને મફત સારવાર સહેલાઈથી મળે છે. સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના ગરીબ દર્દીઓ માટે આ હોસ્‍પિટલ મોટો આધાર બની ગઈ છે.

ડૉ.કણસાગરાએ ફાઉન્‍ડર મેનેજિંગ ટ્રસ્‍ટી તરીકેની ફરજો બજાવવા સાથે વર્ષો સુધી માનદ યુરોલોજિસ્‍ટ તરીકે આ હોસ્‍પિટલમાં પોતાનું વિનામૂલ્‍યે અમૂલ્‍ય યોગદાન આપ્‍યું છે.

‘‘કિડનીની પથરીને જાણીયે અને સ્‍વસ્‍થ જીવન માણીયે'' એ પુસ્‍તિકા એમણે લખી અને સ્‍વખર્ચે પ્રકાશિત કરીને નિઃશુલ્‍ક વિતરણ કરીને સમાજમાં જાગળતિ લાવવાનું કામ કર્યું. આજ સુધીમાં આ પુસ્‍તિકાની પાંચ આવળત્તિ થઈ છે. પ્રોસ્‍ટેટની સંભાળ વિશે પણ એમણે એક પુસ્‍તિકા તૈયાર કરીને તેનુ નિઃશુલ્‍ક વિતરણ કર્યું છે. એમણે કિડનીના રોગ અટકાવવા માટે ડીવીડી અને વીસીડી બનાવી અને સેંકડોની સંખ્‍યામાં પરિસંવાદ અને સેમિનાર પણ કર્યા.

ઈ.સ.૨૦૨૦ થી ૨૦૨૨ સુધીનો સમય માનવજાત માટે ગંભીર કટોકટીનો સમય હતો. વિશ્વભરમાં કોરોનાનો કહેર ફેલાયેલો હતો. ભારતમાં પણ એ રોગ ફેલાયો. એક નવી જ જાતના વાઈરસથી ફેલાયેલા આ રોગની કોઈ દવા ઉપલબ્‍ધ હતી નહીં. વિશ્વભરમાં હોસ્‍પિટલો અને સરકારો આ રોગ સામે લડવામાં હાંફી રહી હતી. આ રોગમાં ‘‘મ્‍યૂકોમાઇક્રોસિસ'' નામનો એક નવો ફણગો ફૂટયો. એમાં દર્દીના નાકમાં ફંગસ જેવું થાય અને તેની અસર મગજ સુધી થાય. રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા કેટલાય દર્દીઓ આ નવા રોગથી પીડાવા લાગ્‍યા, એની સારવારના સાધનો રાજકોટમાં ઉપલબ્‍ધ હતા નહીં. રાજકોટના જાણીતા ઈ.એન.ટી. સર્જન ડૉ. ભરત કાકડિયાએ અમેરિકામાં ડૉ. પ્રદીપ કણસાગરાનો સંપર્ક કરીને આ રોગની સારવાર માટેના સાધનો તુર્તજ મોકલવાની વિનંતી કરી. ડૉ.પ્રદીપ કણસાગરાએ દાતાશ્રીઓની મદદથી તુર્તજ રૂપિયા ચાલીસ લાખના આવા સાધનો યુદ્ધના ધોરણે ખરીદીને રાજકોટ તેમજ વડોદરાની સરકારી હોસ્‍પિટલમાં મોકલ્‍યા. આ સાધનોની મદદથી કેટલાય લોકોના જાન બચી ગયા. આ એક અદ્ભુત કહી શકાય એવું કામ હતું. આ સાધનો આજે પણ ઈ.એન.ટી. સર્જરીના વિદ્યાર્થીઓને પોતાના અભ્‍યાસમાં ઉપયોગી થાય છે.

ડૉ.  પ્રદીપ કણસાગરાની આવી નિઃસ્‍વાર્થ સેવાની ગુજરાત રાજ્‍ય કક્ષાએ અને સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં પણ સમુચિત નોંધ લેવામાં આવી છે. ૨૦૧૧ અમેરિકામાં પ્રેક્‍ટિસ કરતાં એક લાખથી વધારે ભારતીય ડૉક્‍ટરોની સંસ્‍થા ‘‘આપી'' દ્વારા એમને પ્રેસિડેન્‍શિયલ એવોર્ડથી સન્‍માનિત કરાયા. વૈશ્વિક સ્‍તરે તબીબ તરીકેની એમની વ્‍યવસાયિક સજ્જતા અને સામાજિક પ્રતિબદ્ધતાની નોંધ લેવામાં આવી છે, એટલું જ નહિ શ્રીમાન નિક શ્રોફે ‘‘આપી'' ની વેબસાઈટ ઉપર બી.ટી.સવાણી કિડની હોસ્‍પિટલની પ્રભાવી રજૂઆત પણ કરી હતી. ૨૦૧૬ માં ‘‘યુરોલોજી સોસાયટી ઓફ ઇન્‍ડિયૉ ના વેસ્‍ટ ઝોન તરફથી ૅ યુરોલોજી સર્વિસ મેડલ ૨૦૧૬'' પણ એમને એનાયત કરાયો છે. ૨૦૨૩ માં ગુજરાતના મુખ્‍યમંત્રીના હસ્‍તે ‘‘પ્રાઈડ ઓફ ઇન્‍ડિયા'' (ભારતનું ગૌરવ ) એવોર્ડ પણ એમને આપવામાં આવ્‍યો છે. ૨૦૨૪માં સર્જન્‍સ એસોસિયેશન, રાજકોટ દ્વારા એમને ‘‘લાઈફ ટાઈમ એચિવમેન્‍ટ એવોર્ડ'' એનાયત કરવામાં આવ્‍યો. પણ આ બધા એવોર્ડ કરતાં કિડની હોસ્‍પિટલ રાજકોટમાં જેમને નજીવા દરે કિંમતી સારવાર મળી છે અને હજીયે મળી રહી છે એવા હજારો દર્દીઓની દુઆ, અંતરના આશીર્વાદ એમને મળ્‍યા છે એની તોલે દુનિયાનો કોઈ એવોર્ડ આવી શકે નહીં. કોઈ દુઃખી માણસનું દર્દ ઓછું કરવું, કોઈ દુઃખિયાનું આંસુ લૂછવું, કોઈ જરૂરિયાતમંદ માણસને મદદ કરવી એ માનવતાની મોટી સેવા છે. એમાં જ માનવ જીવનની સફળતા છે. ‘‘કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્‍તે હો તેરે દિલ મેં પ્‍યાર, જીના ઈસી કા નામ હૈ'' ડૉ.કણસાગરાએ પોતાના જીવન દ્વારા આ હકીકતને ચરિતાર્થ કરી બતાવી છે. આજે તેઓ પરિવાર સાથે અમેરિકા રહેતા હોવા છતાં આ હોસ્‍પિટલની પ્રગતિ માટે સતત કાર્યરત રહે છે. અમેરિકામાં તેઓ (૧) જોય એકેડેમી (૨) જોય ઑફ હેલ્‍પિંગ (૩) અમેરિકન પ્રોસ્‍ટેટ કેન્‍સર સોસાયટી (૪) ડોક્‍ટર્સ ગુડવિલ ફાઉન્‍ડેશન આ ચાર સંસ્‍થાઓમાં ડાયરેક્‍ટર તરીકે સેવાઓ આપે છે.

 એક માણસનો શુભ સંકલ્‍પ, એને સાકાર કરવા માટે તન, મન અને ધન સમર્પણ કરવાની ભાવના અને સેંકડો માણસોને આ શુભ કાર્યમાં પોતાની સાથે જોડવાની ક્ષમતાનું પરિણામ છે રાજકોટની કિડની હોસ્‍પિટલ. એ એક વ્‍યક્‍તિ એટલે ડૉ.પ્રદીપ કણસાગરા. જીવન સાફલ્‍યનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આજે આ હોસ્‍પિટલ ગુજરાતની બીજા નંબરની સેવા સંસ્‍થા બની છે. ભારતમાં ૩૨ જગ્‍યાએ ચાલતો યુરોલોજી ડોક્‍ટર તરીકે પ્રેક્‍ટિસ કરવાનો સરકાર માન્‍ય અભ્‍યાસક્રમ અહીં ઉપલબ્‍ધ છે  એમાં મેરીટના ધોરણે આ સંસ્‍થા બીજા નંબરે આવે છે એ ખરેખર ગૌરવની વાત છે. ર્નસિંગ કોલેજ પણ અહીં છે. ડાયાલિસિસ ટેક્રિશિયનનો અભ્‍યાસક્રમ પણ અહીં ઉપલબ્‍ધ છે. આ હોસ્‍પિટલ દ્વારા દર વર્ષે યુરો સર્જિકલ કેમ્‍પ યોજાય છે જેમાં સેંકડો લોકોનું નિઃશુલ્‍ક નિદાન કરીને લેબોરેટરી અને એક્‍સ રે જેવી સારવાર વિના મૂલ્‍યે અપાય છે. આ હોસ્‍પિટલ નિઃસ્‍વાર્થ માનવ સેવાનું પ્રતીક બની ગઈ છે.

ડૉ.પ્રદીપ કણસાગરા નમ્રતાપૂર્વક કહે છે કે ‘‘મારા જીવનની સફળતામાં ઇશ્વરના આશીર્વાદ, મારા માતા પિતા દ્વારા મળેલ સંસ્‍કારનો વારસો, મારા પરિવારનો સહકાર અને દાતાશ્રીઓ, ટ્રસ્‍ટીઓ તથા હોસ્‍પિટલની સમગ્ર ટીમનું યોગદાન છે.''

ઋગ્‍વેદનું એક સૂત્ર છે ‘‘મનુર્ભવ''(માનવ બન). ડૉ. પ્રદીપ કણસાગરાએ પોતાના જીવન દ્વારા આ સૂત્રને ચરિતાર્થ કર્યું છે. ‘‘જીના ઉસકા જીના હૈ, જો ઔરોકો જીવન દેતા હૈ.'' 

આલેખક :

આર .બી.ગણાત્રા, રાજકોટ            

મો. ૯૪૨૮૨૦૨૦૩૯

(10:51 AM IST)