<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

આગેવાન ડી.ડી. સોલંકી અને ટોળાની પોલીસ સાથે ધમાલઃ એએસઆઇને પછાડી દઇ ખૂનની ધમકી દીધી

રૈયાધારના ભાવેશભાઇ વણવીની હત્‍યા બાદ મૃતદેહ સિવિલ હોસ્‍પિટલ ચોકમાં રાખી દેવાતાં પરિસ્‍થિતિ વણસીઃ ત્રણ આરોપીને તાકીદે પકડી લેવાયા બાદ મૃતદેહ સંભાળી લેવાયોઃ જો કે એ પહેલા પોલીસ સાથે ધમાલ મચાવતાં કાર્યવાહી થઇ : ટોળાને વિખેરાઇ જવા પોલીસ સમજાવતી હતી ત્‍યારે ડી. ડી. સોલંકી, અશોક સિંધવ, નરેશ બગડા સહિતે ‘ચક્કાજામ કરી દેવાના છે, રસ્‍તા બ્‍લોક કરી દેવાના છે' કહી રસ્‍તો જામ કરી દીધો હતોઃ એએસઆઇ સંજયભા દાફડા સહિતે તેને સમજાવતાં તેની સાથે ધમાલ મચાવીઃ તું ઘરે તો જઇશ ને? રસ્‍તામાં જ પતાવી દઇશું તેવી ધમકી દીધીઃ એ-ડિવીઝનમાં રાયોટીંગ-હુલ્લડ-ધમકી-ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો

સિવિલ હોસ્‍પિટલ ચોકમાં તંગદીલી બાદ પોલીસે પરિસ્‍થિતિ થાળે પાડીઃ રૈયાધારના યુવાન ભાવેશભાઇ વાણવીની હત્‍યા બાદ આરોપીઓને તત્‍કાળ પકડી લેવાની માંગણી સાથે મૃતદેહ સિવિલ હોસ્‍પિટલ ચોકમાં રાખી દેવામાં આવતાં થોડીવાર માટે તંગદીલી વ્‍યાપી ગઇ હતી. પોલીસે મૃતદેહ સંભાળી લેવા બાબતે મૃતકના કુટુંબીજનો, આગેવાનો સાથે સમજાવટનો રસ્‍તો અપનાવ્‍યો હતો. પરંતુ અમુક આગેવાનોએ પોલીસની સામે થઇ જઇ ફરજમાં રૂકાવટ કરતાં વાત વણસી હતી. આથી પોલીસે અમુકને ડીટેઇન કર્યા હતાં. એ દરમિયાન ત્રણ આરોપી પકડી લેવાતા અને બાકીના પણ ઝડપથી પકડાઇ જશે તેવી ખાત્રી મળતાં મૃતદેહ સંભાળી લેવાયો હતો. સિવિલ હોસ્‍પિટલ ચોકમાં મૃતદેહ રાખી દેવાયા પછી જે પરિસ્‍થિતિ નિર્માણ પામી હતી તેના દ્રશ્‍યો જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

રાજકોટ તા. ૧૭:  શહેરના રૈયા વિસ્‍તારમાં મણિનગરમાં રહેતા અને સોપાન હાઈટ્‍સ પાસે કામ કરતા ભાવેશભાઈ ડાયાભાઈ વાણવી (ઉ.વ.૩૨) નામના યુવાનની તેણે શેરડીના રસના ચીચોડા બાબતે કરેલી અરજીની અદાવતનો ખાર રાખી નિર્મમ હત્‍યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. હમીર મેરા જોગરાણા સહિતના શખ્‍સોએ લાકડી, ધારીયા, કુહાડીના ઘા ઝીંકી હત્‍યા કરી હતી. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્‍ત ભાવેશભાઇનું કારમાં અપહરણ કરી બાદમાં તેને ફેંકી દેવાયો હતો અને હોસ્‍પિટલમાં મોત થયું હતું. આરોપીઓને તાકીદે પકડી લેવાની માંગણી સાથે મૃતકના કુટુંબીજનો અને સમાજના આગેવાનો, લોકો મોટી સંખ્‍યામાં હોસ્‍પિટલે એકઠા થઇ ગયા હતાં અને મોડી સાંજે મૃતદેહને હોસ્‍પિટલ ચોકમાં ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે મુકી દીધો હતો. પોલીસે તત્‍કાળ ત્રણ આરોપીઓને પકડી લઇ બાકીનાને પણ ઝડપી લેવાની ખાત્રી આપતાં મૃતદેહ સંભાળી લેવાયો હતો. જો કે એ પહેલા પોલીસ અને સમાજના લોકો વચ્‍ચે ચકમક ઝરી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. આગેવાન ડી. ડી. સોલંકી સહિતના ટોળા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે.

હત્‍યાના બનાવમાં યુનિવર્સિટી પોલીસે રાહુલ કાનજીભાઈ પરમાર ( ઉ.વ.૨૫, રહે ઉમિયા ચોક સાંઈ દર્શન એપાર્ટમેન્‍ટની બાજુમાં માધવ પાર્ક મવડી લોટ નિખિલભાઈ કુંભારના મકાનમાં રાજકોટ મૂળ ગામ -માંગરોળ આંબેડકરનગર)ની ફરિયાદ પરથી હમીર મેરાભાઈ જોગરાણા અને ૪ થી ૫ અજાણ્‍યા શખ્‍સો સામે હુમલો, હત્‍યાની કોશીષ અને અપહરણનો ગુનો દાખલ હતો. દરમિયાન હુમલામાં ઘાયલ ભાવેશભાઈ વણવીનું મોત થતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો હતો.

 હત્‍યાનો ભોગ બનનાર ભાવેશભાઇને આરોપી હમીર મેરા જોગરાણા સાથે ચીચોડો રાખવા બાબતે માથાકુટથઇ હતી. ભાવેશભાઈએ આરએમસીમાં ફરિયાદ કરી હોઇ તે કારણે માથાકુટ થઇ હતી. જે હત્‍યા સુધી પહોંચી હતી. હત્‍યા બાદ મૃતકના કુટુંબીજનો અને સગા સંબંધીઓ તેમજ સમાજના આગેવાનો, કાર્યકરો, લોકો મોટી સંખ્‍યામાં સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં અને આરોપી ન પકડાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સંભાળવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં  મોડી સાંજે મૃતદેહ સિવિલ હોસ્‍પિટલ ચોક ખાતે લાવી નારા લગાવાયા હતાં અને આરોપીઓને તત્‍કાળ પકડી લેવાની માંગણી થઇ હતી. દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓ રવિ જોગરાણા, સાગર જોગરાણા અને ગોપાલ જોગરાણાને પકડી લીધા હતાં. બાકીનાને તત્‍કાળ પકડી લેશે તેવી ઉચ્‍ચ અધિકારીઓએ ખાતી આપતાં લાશ સંભાળી લેવાઇ હતી.

પરંતુ એ પહેલા પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. આ મામલે ડીસીબીના એએસઆઇ સંજયભાઇ દાફડાની ફયિરાદ પરથી દિલીપ ધીરૂભાઇ સોલંકી ઉર્ફે ડી. ડી. સોલંકી, અશોક સિંધવ, નરેશ ઉગાભાઇ બગડા અને રસ્‍તો બ્‍લોક કરનારા ૧૫થી ૨૦ અજાણ્‍યા સામે ગેરકાયદે મંડળી રચી રોડ પર હુલ્લડ કરી ડીટેઇન કરવાની કાર્યવાહી વખતે ફરજ પરના એએસઆઇ સંજયભાઇને ધક્કો મારી પછાડી દઇ તેમજ મારી નાખવાની ધમકી આપ્‍યાનો ગુનો દાખલ કરાયો છે.

સંજયભાઇ દાફડાએ જણાવ્‍યું છે કે હું તથા પોલીસ હેડ ક્‍વાટર્સ, એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન, પ્રદ્યુમન નગર પોલીસ સ્‍ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન, એસ.ઓ.જી. શાખા અને ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઈ. રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. મુકેશભાઇ સભાડ, તુલશીભાઇ ચુડાસમા, કોન્‍સ. સંજયભાઇ ખાખરીયા સહીત પોલીસ સ્‍ટાફના કર્મચારીઓ સાથે રાજકોટ શહેર હોસ્‍પિટલ ચોક ખાતે બંદોબસ્‍તમા હાજર હતા. આ બંદોબસ્‍ત યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન ખાતે મર્ડરનો બનાવ બનેલ હોય તે બનાવમા મૃતક ભાવેશભાઇ વાણવીની ડેડ બોડી હોસ્‍પિટલ ચોક ખાતે તેના સગા સંબંધી તેમજ તેમના સમાજના આગેવાનોએ રાખી દીધેલ હતી અને ડેડ બોડી સ્‍વીકારતા ન હતા તે અનુસંઘાને તકેદારીના ભાગ રૂપે રાખવામા આવેલ હતો.

અમો ત્‍યા પહોચેલ ત્‍યારે માણસોનુ ટોળુ મૃતદહે સાથે હોસ્‍પિટલ ચોક ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે બેસેલ હતા અને ત્‍યા હાજર દિલીપભાઇ ધીરૂભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી, અશોકભાઇ સિંધવ, નરેશભાઇ ઉગાભાઇ બગડા કે જેઓને હુ ઓળખુ છુ તેઓ ટોળાને ઉશ્‍કેરવા લાગેલ કે આપણે ચક્કા જામ કરી દેવુ છે અને તમામ રોડ રસ્‍તાઓ બ્‍લોક કરી દેવાના છે તેવુ સાંભળી ટોળા પૈકીના આશરે ૧૫થી ૨૦ માણસો હોસ્‍પિટલ ચોકના જાહેર રસ્‍તા ઉપર આવી ગયેલ અને અમુક માણસો રસ્‍તા ઉપર બેસી ટ્રાફીક જામ કરીને રસ્‍તો બ્‍લોક કરી સુત્રોચાર કરવા લાગેલ હતા. ત્‍યા હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તેઓને વિખેરાઇ જવાનુ કહેવા છતા તેઓએ ગેર કાયદેસર મંડળી બનાવી રસ્‍તો બ્‍લોક રાખેલ.

પરંતુ આ વખતે  દિલીપભાઇ ધીરૂભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી, અશોકભાઇ સિંધવ, નરેશભાઇ ઉગાભાઇ બગડા તથા તેની સાથે રહેલ બીજા અજાણ્‍યા લોકો જાહેર રોડ ઉપર કાયદો અને વ્‍યવસ્‍થાને ભંગ કરતા હોય જેથી કોઇ અનઇચ્‍છનીય બનાવ બને નહી તેની તકેદારીના ભાગ રૂપે રોડ બ્‍લોક કરતા લોકોને ડીટેઇન કરવાની કર્યવાહી દરમ્‍યાન દીલીપભાઇ ધીરૂભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી, અશોકભાઇ સિંધવ, નરેશભાઇ ઉગાભાઇ બગડા તેમજ બીજા અન્‍ય માણસોએ મને ધક્કો મારી નીચે પછાળી દીધેલ તે દરમ્‍યાન હુ આ લોકોને સમજાવતો હતો કે તમો અમારી પોલીસની કાયદેસરની ફરજમા રૂકાવટ કરશો નહી તેમજ જાહેર રસ્‍તો બ્‍લોક કરી અવરોધ ઉભો કરશો નહી નહીતર તમારા વિરૂધ્‍ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

તેમ છતા આ બધા માણસો મને જેમફાવે તેમ ભુંડા બોલવા લાગેલ અને મને કહેવા લાગેલ કે તમારા બધાના પટ્ટા ટોપી ઉતારી નાખીશુ જેથી અમો તથા બીજા પોલીસ કર્મચારીઓએ જરૂરી હળવો બળ-યોગ કરી વાહનમા બેસાડેલ હતા. આમ, દીલીપભાઇ ધીરૂભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી તેમજ બીજા અન્‍ય માણસોને સરકારી વાહનમા બેસાડી અમો હોસ્‍પિટલ ચોક ખાતેથી નિકળી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે લાવ્‍યા ત્‍યારે દીલીપભાઇ ધીરૂભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકીએ મને કહેલ કે તુ ઘરે તો એકલો જ જશે ને? રસ્‍તામા તને પતાવી દઈશુ તેમ કહી મને જાનથી મારી નાખવાની ઘમકી આપેલ.

આ રીતે દિલીપભાઇ ધીરૂભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી, અશોકભાઇ સિંધવ અને નરેશભાઇ ઉગાભાઇ બગડા તથા અન્‍ય લોકોએ જાહેર રોડ બ્‍લોક કરી રસ્‍તા ઉપર બેસી જઈ સુત્રોચાર કરેલ હોઇ અને કાયદા અને વ્‍યવસ્‍થાના ભાગ રૂપે કોઇ અનઇચ્‍છનીય બનાવ બને નહી તેની તકેદારીના ભાગ રૂપે એકઠા થયેલ લોકોને ડીટેઇન કરવાને કાર્યવાહી કરતા હતા તે દરમિયાન આ બધાએ અમારી કાયદેસરની ફરજમા રૂકાવટ કરી હતી અને ડી. ડી. સોલંકીએ મને જાનથી મારી નાખવાની ઘમકી આપી હોઇ તેની સામે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં એએસઆઇ સંજયભાઇ દાફડાએ જણાવતાં હેડકોન્‍સ. વાય. એમ. ગોહિલે પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં ગુનો નોંધ્‍યો હતો અને કેટલાકને ડીટેઇન કર્યા હતાં.

ઘટના સ્‍થળે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, એ-ડિવીઝન, પ્ર.નગર, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો પહોંચ્‍યો હતો અને પરિસ્‍થિતિ થાળે પાડી હતી. 

(2:09 PM IST)