તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા એપ્રિલમાં વડતાલ ખાતે અધિવેશન : પ હજારથી વધુ શિક્ષકો જોડાશે
નવી શિક્ષણ નીતિ ઉપર ચર્ચા વિચારણા અને શિક્ષકોના હિતોના રક્ષણ સહિતના પ્રશ્નોના ઉકેલનો ઋણસ્વીકાર કરાશે

રાજકોટ તા. ૧૬ : ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા આગામી તા. ૪ અને ૫ એપ્રિલના શનિ-રવિ બે દિવસીય અધિવેશન વડતાલધામ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શિક્ષક સંઘના આગેવાનોએ જણાવ્યુ હતુ કે શિક્ષકો અને શિક્ષણના ઘણા પ્રશ્નો ઉકેલવામાં રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે લડત આપી અને મોટાભાગના પ્રશ્નોનું નિવારણ આવી જતા તેનો ઋણ સ્વીકાર આ અધિવેશનના માધ્યમથી કરાશે. તેમજ નવી શિક્ષણ નીતિ અંગે પણ અધિવેશનમાં ચર્ચા કરાશે.
રાજયવ્યાપી આ અધિવેશનમાં ગુજરાતમાંથી આશરે પ થી ૬ હજાર ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષકો ભાગ લેશે.
રાજકોટ શહેર અને જિલ્લામાંથી માધ્યમિક સંવર્ગમાં કામ કરતા તમામ શિક્ષક મિત્રોને રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સ઼ઘ અને રાજકોટ જિલ્લાના તમામ શિક્ષક મિત્રો તથા સૌરાષ્ટ્ર ઝોનના તમામ શિક્ષકો પોતાની શાળામાંથી આચાર્યશ્રીની પરવાનગી લઇ શિક્ષણના હિતમાં યોજનાર આ મહાકુંભ સમાન અધિવેશનમાં હાજરી આપી મહામંડળ પ્રત્યેનું ઋણ અદા કરશે.
શિક્ષકોના રક્ષણ, જુની પેન્શન યોજના અને બે વર્ગોની શાળામાં એક+ત્રણ શિક્ષકોના રેશિયા જેવી બાબતો સરકારના ધ્યાને મુકી તેનું નિવારણ લાવવામાં આવ્યુ છે. આમ શિક્ષકોના પ્રશ્ને મહામંડળ હંમેશા કટીબધ્ધ રહ્યુ છે.
જેથી ઋણસ્વીકાર રૂપે વડતાલ ધામ ખાતે યોજાય રહેલ આ અધિવેશનમાં વધુને વધુ સંખ્યામાં શિક્ષકોએ જોડાવા સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર નારણભાઇ વિરડા (મો.૯૬૮૭૪ ૦૩૨૯૮), શહેર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કૌશિકભાઇ રાવલ (મો.૯૧૦૫૫ ૯૫૧૭૯), રાજકોટ ગ્રામ્યના સંઘના પ્રમુખ તરૂણભાઇ નિમાવત (મો.૯૯૭૯૮ ૮૩૭૮૩) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર નારણભાઇ વિરડા, શહેર શિક્ષક સંઘના પ્રમુખ કૌશિકભાઇ, મહામંત્રી અલ્પેશભાઇ ભાલોડીયા, રાજય શિક્ષક સંગઠનના મત્રી ગજેન્દ્રપુરી ગોસ્વામી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(1:35 PM IST)










