ઈશ્વરીયામાં ૧૨૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર ‘જીવન વિદ્યાપીઠ'નું ૨૬મીએ ખાતમુહૂર્ત : રાજકોટના ૩૦,૦૦૦ કડવા પાટીદાર પરિવારોનું જ્ઞાતિ સમૂહ ભોજન
૨૧ થી ૨૫ માર્ચ સુધી પાંચ દિવસીય ત્રિવેણી સમારોહ અને ૨૫ કુંડી મહાયજ્ઞ યોજાશે : બુધવારે મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા નીકળશે

રાજકોટ : ઉમિયાધામ સિદસર દ્વારા શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષના ભાગરૂપે રાજકોટની ભાગોળે ઈશ્વરીયા ખાતે ૩૨ વીઘા જમીનમાં ૧૨૫ કરોડના ખર્ચે ‘જીવન વિદ્યાપીઠ' અને અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ઉમા હોસ્ટેલ સંકુલનું નિર્માણ કરાશે. ૨૧ થી ૨૫ માર્ચ દરમિયાન ઈશ્વરીયા ખાતે ૨૫ કુંડી મહાયજ્ઞ, ધર્મસભા અને સમૂહ ભોજન સહિતના ત્રિવેણી સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પરીશ્રમ અને પ્રામાણિકતા થકી પ્રગતિ સાધનાર સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આજે દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ધાર્મિક ઉત્સવોની સાથે સમાજ વિકાસનો નવતર અભિગમ અપનાવાયો છે. રાજકોટની ભાગોળે ઈશ્વરીયા ખાતે ૩૨ વીઘા જમીનમાં રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે શૈક્ષણિક પ્રોજેક્ટ 'જીવન વિદ્યાપીઠ'નું આગામી તા. ૨૬ માર્ચ (રામનવમી) ના રોજ ભૂમિપૂજન કરવામાં આવશે. આ ઉપરાંત તા. ૨૧ થી ૨૫ માર્ચ દરમિયાન ઈશ્વરીયા ખાતે ત્રિવેણી સમારોહ યોજાશે, જેમાં ૨૫ કુંડી મહાયજ્ઞ, સમૂહ ભોજન, ધર્મસભા, દાતા સન્માન, મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા અને મંત્રી જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉમિયા સમૃદ્ધિ યોજના-૨ અંતર્ગત આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. પ્રોજેક્ટના મુખ્ય દાતા તરીકે જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી પરિવારનો સહયોગ સાંપડ્યો છે. જીવન વિદ્યાપીઠમાં પ્રથમ તબક્કે ૫૦૦ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરાશે, જ્યાં આઈએએસ (IAS), યુપીએસસી (UPSC), જીપીએસસી (GPSC) વર્ગ ૧-૨, આઈઆઈટી (IIT) અને આઈઆઈએમ (IIM) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવાશે તેમજ સ્કોલરશીપ અપાશે. આ ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર પણ આશરે ૧૨૫ કરોડના ખર્ચે ૧૧,૪૦૦ ચોરસ વારમાં મેટ્રો કનેક્ટિવિટી ધરાવતું ઉમા હોસ્ટેલ સંકુલ નિર્માણ પામશે.
ઈશ્વરીયા ખાતે યોજાનાર ૨૫ કુંડી મહાયજ્ઞમાં જમીન દાન આપનાર દાતા પરિવારો યજમાન બનશે. બપોરે ૧ થી ૫ દરમિયાન દર્શનાર્થીઓ યજ્ઞ દર્શનનો લાભ લઈ શકશે. ગોવાણી પરિવાર આ યજ્ઞમાં મુખ્ય યજમાન રહેશે.
રાજકોટમાં વર્ષો પૂર્વે સત્યવિજય ગ્રુપના નિન્દ્રોડા પરિવારના માવજીભાઈ જેરામભાઈએ નાત જમણની શરૂઆત કરાવી હતી. હવે સવા દાયકા બાદ ફરીથી ૩૦,૦૦૦ થી વધુ પરિવારોનું સમૂહ ભોજન ૫ (પાંચ) તબક્કામાં વોર્ડવાઇઝ યોજાશે. તા. ૨૧ના રોજ વોર્ડ નં. ૧ થી ૮, તા. ૨૨ના રોજ વોર્ડ નં. ૯, તા. ૨૩ના રોજ વોર્ડ નં. ૧૦ અને ૧૩ થી ૧૮, તા. ૨૪ના રોજ વોર્ડ નં. ૧૧ અને તા. ૨૫ના રોજ વોર્ડ નં. ૧૨ના કડવા પાટીદાર પરિવારો ભોજન લેશે. સમગ્ર વ્યવસ્થા માટે કૌશિકભાઈ રાબડીયા, હર્ષિતભાઈ કાવર અને પ્રફુલભાઈ કાથરોટીયાના માર્ગદર્શન હેઠળ ૩,૦૦૦ સ્વયંસેવકો ખડેપગે રહેશે અને વાહનવ્યવહાર માટે ૧૦૦ બસોની વ્યવસ્થા કરાઈ છે.
આવતીકાલે તા. ૧૮ માર્ચ, બુધવારના રોજ જગત જનની મા ઉમિયા નંદીની સવારીએ રથમાં બિરાજમાન થઈને રાજકોટના રાજમાર્ગો પર નગરયાત્રા કરશે. આ યાત્રા રેસકોર્સના રમેશ પારેખ રંગમંચથી પ્રસ્થાન કરી બહુમાળી ભવન, કિસાનપરા, મહિલા કોલેજ, અમીનમાર્ગ, ૧૫૦ ફૂટ રિગ રોડ, નાનામવા સર્કલ થઈને સ્પીડવેલ ચોક ખાતે શ્રીનાથધામ હવેલીએ પૂર્ણ થશે, જેમાં સર્વ સમાજના લોકો સ્વાગત કરશે.










