તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
શ્રી જુલેલાલ જન્મ ઉત્સવ : જંકશન પ્લોટ ખાતે મહાઆરતી, સંતવાણી, રાસ ગરબા, આતશબાજીના કાર્યક્રમો

રાજકોટ : શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આગામી તા. ૨૦ શુક્રવારના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ સાઈના જન્મોત્સવ ‘ચેટીચંડ મહોત્સવ'ની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. શ્રી સિંધી સમાજ સેવા સમિતિ અને સિંધુવંશી ગ્રુપ દ્વારા સતત ૪૭મા વર્ષે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી જ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થશે. સવારે ૪ કલાકે શ્રી ઝૂલેલાલ સાઈનો પંચામળત અભિષેક અને ત્યારબાદ સંતગણ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા મહાઆરતી કરવામાં આવશે. સાંજે ૬:૩૦ કલાકે શ્રી જ્યોત પ્રાગટય વિધિ શ્રી બાબા તહેલીયારામ દરબાર સાહેબના સંત શ્રી સુખદેવલાલજીના વરદ હસ્તે સંપન્ન થશે.
સાંજે ૭ થી રાત્રે ૧૨વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ શ્રી બહેરાણા સાહેબ અને જ્યોત દર્શનનો લાભ લઈ શકશે. રાત્રે ૧૦ કલાકે સંતવાણી તેમજ સેવાધારીઓ અને વિવિધ સંસ્થાઓના મહેમાનોનો સ્વાગત સમારંભ યોજાશે. રાસ ગરબા, આતશબાજીના કાર્યક્રમો પણ યોજાયેલ છે. મધ્યરાત્રિએ ૧૨ કલાકે લાલપરી ખાતે શ્રી જ્યોત વિસર્જન સાથે મહોત્સવનું સમાપન થશે.
આ પ્રસંગે સિંધી સમાજના ભાઈઓ-બહેનો પોતાના ધંધા-રોજગાર બંધ રાખી સહપરિવાર દર્શન અને મહાપ્રસાદનો લાભ લેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક અને શ્રી સિંધી સમાજ સેવા સમિતિના ચેરમેન દિલીપ આસવાણી (પૂર્વ કોર્પોરેટર) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં રામભાઇ આસવાણી અને કિશન આસવાણી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:05 PM IST)










