News of Wednesday, 18th March 2026
જે. કે. ચોકમાંથી ધ્રુવ જોષી રૂા.૨.૪૨ લાખના હાઇબ્રીડ ગાંજા સાથે એસઓજીએ ઝડપી લીધો
રાજકોટના ઇતિહાસમાં પહેલી જ વખત હાઇબ્રીડ ગાંજાનો કેસ થયો મુળ મુંબઇનો શખ્સ વર્ષોથી શિતલ પાર્ક પાસે રહે છેઃ અમદાવાદથી લાવ્યાનું રટણઃ આવો ગાંજો મોટે ભાગે વિદેશથી આવતો હોય છેઃ ઇન્દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમારની બાતમીઃ કુલ ૩.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે થયો

રાજકોટ તા. ૧૮: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ વખતે રાજકોટના ઇતિહાસમાં પ્રથમ એવો હાઇબ્રીડ ગાંજાનો કેસ કરવામાં સફળતા મળી છે. જે. કે. ચોક પુષ્કરધામ મેઇન રોડ પર પટેલ રેસ્ટોરન્ટ પાસે બાતમીના આધારે વોચ રાખી એક શખ્સને રૂા. ૨,૪૨,૦૦૦ના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લેવાયો છે. મુળ મુંબઇનો આ શખ્સ વર્ષોથી રાજકોટમાં રહે છે. અમદાવાદ તરફથી વેંચવા માટે લાવ્યાનું તે રટણ કરી રહ્યો છે. આવા પ્રકારનો ગાંજો મુખ્યત્વે થાઇલેન્ડ તરફથી આવતો હોવાનું કહેવાય છે.
જાણવા મળ્યા મુજબ શહેરમાં યુવાધન માદક પદાર્થના રવાડે ન ચડે અને આવા પદાર્થનું વેંચાણ-હેરાફેરી ન થાય તે માટે ‘સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, કોન્સ. હાર્દિકસિંહ પરમારને બાતમી મળતાં જે. કે. ચોક પુષ્કરધામ રોડ પર પટેલ પાન નજીકથી એક શખ્સને સકંજામાં લીધો હતો. તેની તલાશી લેતાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલ અધિકારી સમીર જોષીને જાણ કરતાં તેમણે આ પદાર્થ હાઇબ્રીડ ગાંજો હોવાનું સ્પષ્ટ કર્યુ હતું. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ ધ્રુવ સંજયભાઇ જોષી (ઉ.વ.૨૬-રહે. શિતલ પાર્ક-૨, શિવ શક્તિ સોસાયટી બ્લોક નં. ૯ રાજકોટ, મુળ સ્પ્રીંગ બિલ્ડીંગ, સંઘવી એસ-૩, ઇકોસીટી મીરા રોડ ઇસ્ટ મુંબઇ) જણાવ્યું હતું.
તેની પાસેથી એસઓજીએ રૂા. ૨,૪૨,૦૦૦નો ં.૩૮૦ ગ્રામ હાઇબ્રીડ ગાંજો, રોકડા રૂા. ૫૦૦, બે મોબાઇલ ફોન, આધાર કાર્ડ, કાળુ પાકીટ મળી કુલ ૩,૬૨,૮૮૦નો મુદ્દામાલ કબ્જે કરી ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. પ્રાથમિક પુછતાછમાં ધ્રુવ જોષીએ કબુલ્યું હતું કે પોતે વર્ષોથી રાજકોટ સ્થાયી થયો છે અને છુટક કામ કરે છે. પોતે આ હાઇબ્રીડ ગાંજો વેંચવા માટે અમદાવાદ તરફથી લાવ્યાનુ઼ રટણ કરે છે. સાચી વિગતો ઓકાવવા અને ગાંજો આપનાર સુધી પહોંચવા તેના રિમાન્ડ મેળવવાતી તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, મહિલા કોન્સ. મોનાબેન બુસા, ડ્રા. કોન્સ. મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.
(2:17 PM IST)










