તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
રાધે રાધે...રાજકોટમાં રામનવમીથી પૂ.જીગ્નેશ દાદાની કથા
તથાસ્થુ વિદ્યાપીઠના શૈક્ષણીક અને સામાજીક સેવાકાર્યોના લાભાર્થે તા.૨૬ માર્ચથી તા.૨ એપ્રિલ સુધી રેસકોર્ષના મેદાનમાં ભવ્ય આયોજન : કથાનો સમય હશે રાત્રીના ૮ થી ૧૧ સુધીઃ ભાવિકોની સુવિધા માટે ફ્રી બસ વ્યવસ્થા, રક્તદાન કેમ્પ, મેડિકલની ટીમ પણ ખડેપગે સેવા આપશેઃ વડીલો અને દિવ્યાંગો માટે અલગ બેસવાની સુવિધાઃ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ત્રિવેણ સંગમ રચાશે

રાજકોટ, તા.૧૮: રંગીલા અને ધર્મપ્રેમી રાજકોટવાસીઓ માટે આગામી દિવસો આધ્યાત્મિક ઉત્સવ બની રહેશે. 'રાધે રાધે પરિવાર' અને 'તથાસ્તુ વિદ્યાપીઠ' દ્વારા આયોજિત ભવ્ય 'શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ' ના માધ્યમથી શહેરના હૃદય સમાન રેસકોર્સ ગ્રાઉન્ડની દિવ્ય ધરા પર ભક્તિનું ઘોડાપૂર ઉમટશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યુવા ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી જીજ્ઞેશ દાદા (રાધે રાધે) પોતાની આગવી અને મધુર શૈલીમાં કથામૃતનું પાન કરાવશે.
આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમરસતા અને પિતૃ તર્પણ છે. રાજકોટની તમામ જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે આ સમૂહ સપ્તાહ યોજાઈ રહી છે. પૂજ્ય જીજ્ઞેશ દાદાની યાદી મુજબ, સમાજનો છેવાડાનો અને સામાન્યમાં સામાન્ય માણસ પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ શકે તે હેતુથી માત્ર રૂ. ૩૧૦૦/- ના ન્યોછાવર સાથે 'પોથી યજમાન' બનવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત, જે શ્રદ્ધાળુઓ ઈચ્છે તેઓ મુખ્ય મનોરથી કે મુખ્ય યજમાન તરીકે પણ જોડાઈ શકશે.
આ જ્ઞાનયજ્ઞ તા. ૨૬ માર્ચ (ચૈત્ર સુદ નોમ - રામનવમી) ના પવિત્ર દિવસથી પ્રારંભ થશે અને તા. ૦૨ એપ્રિલ (હનુમાન જયંતિ) ના રોજ પૂર્ણાહુતિ થશે. ઉનાળાની શરૂઆતને ધ્યાનમાં રાખીને ભક્તોની અનુકૂળતા માટે કથાનો સમય રાત્રે ૦૮ થી ૧૧ કલાકનો રાખવામાં આવ્યો છે, જેથી નોકરિયાત અને વ્યાપારી વર્ગ પણ શાંતિથી કથા શ્રવણનો લાભ લઈ શકે. આ અંગે યોજાએલ પત્રકાર પરીષદમાં શ્રી પુરૂષોત્તમભાઈ પીપરીયા (આરસીસી બેન્કના સીઈઓ), શ્રી ભાર્ગવભાઇ ઠાકર, શ્રી રાજુભાઈ પોબારૂ (રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ), શ્રી હિરેનભાઈ ખખ્ખર, શ્રી ભાવિનભાઈ રંગાણી, શ્રી મનિષભાઈ માદેક, ડો.નિશાંતભાઈ ચોટાઈ, શ્રી ધવલભાઈ ખખ્ખર અને શ્રી નિલેશભાઈ ચંદારણાએ જણાવેલ કે ભક્તોની અનુラકૂળતા માટે કથાનો સમય રાત્રે ૮ થી ૧૧ કલાકનો રાખવામાં આવ્યો છે. જેથી નોકરિયાત અને વ્યાપારી વર્ગ પણ શાંતિથી કથા શ્રવણનો લાભ લઈ શકે.
આયોજકો દ્વારા કથા સ્થળ પર અભૂતપૂર્વ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
શહેરના છેવાડાના વિસ્તારોમાંથી આવતા ભાવિકો માટે નિઃશુલ્ક (ફ્રી) બસ સેવા કાર્યરત રહેશે. કથા મંડપમાં કોઈ પણ આકસ્મિક સંજોગોમાં સારવાર મળી રહે તે માટે ડોક્ટરોની સ્પેશિયલ ટીમ અને એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. સાથે જ મંડપમાં અદ્યતન ફાયર સેફટી ના સાધનો મૂકવામાં આવ્યા છે.
વડીલો અને દિવ્યાંગ (અપંગ) ભાઈ-બહેનોને કથા શ્રવણમાં તકલીફ ન પડે તે માટે તેમની બેઠક માટે અલગ અને સુલભ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
કથાના પવિત્ર વાતાવરણમાં માનવસેવાનું કાર્ય ઉમેરવા માટે 'સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશન' ના સહયોગથી વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ સંપૂર્ણ કથાના આયોજન બાદ જે કાંઈ ધનરાશિ વધશે, તેનો ઉપયોગ પૂજ્ય દાદાના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણપણે 'તથાસ્તુ વિદ્યાપીઠ' ના શૈક્ષણિક અને સામાજિક સેવાકાર્યો માટે કરવામાં આવશે.
રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ આધ્યાત્મિક મહોત્સવમાં ઉમટી પડવા અને ભક્તિના રંગે રંગાવા રાધે રાધે પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તસ્વીરમાં શ્રી પુરૂષોત્તમભાઈ પીપરીયા (આરસીસી બેન્કના સીઈઓ), શ્રી ભાર્ગવભાઇ ઠાકર, શ્રી રાજુભાઈ પોબારૂ (રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ), શ્રી હિરેનભાઈ ખખ્ખર, શ્રી ભવાનભાઈ રંગાણી, શ્રી મનિષભાઈ માદેક, ડો.નિશાંતભાઈ ચોટાઈ, શ્રી ધવલભાઈ ખખ્ખર અને શ્રી નિલેશભાઈ ચંદારણા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
પોથીજીમાં નામ નોંધાવવા માટે ૯૧૭૩૧ ૨૨૮૮૭
આયોજકોનો સંદેશઃ માત્ર કથા નહીં, માનવતાનો યજ્ઞ
રાજકોટઃ તથાસ્તુ વિદ્યાપીઠ અને રાધે રાધે પરિવારના આયોજકો જણાવે છે કે આ આયોજન પાછળનો હેતુ માત્ર ધાર્મિક પ્રચાર નથી, પરંતુ સમાજના દરેક વર્ગને જોડીને શિક્ષણ અને આરોગ્યના સેવાકાર્યોને વેગ આપવાનો છે. કથાની આવકનો એક-એક રૂપિયો વિદ્યાપીઠના નિર્માણ અને ગરીબ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચાશે.
કથાના વિશેષ આકર્ષણોઃ ભક્તિ અને સેવાનો અદભૂત સંગમ
વિશાળ એલઈડી સ્ક્રીન દ્વારા કથાનું જીવંત પ્રસારણઃ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી રાત્રે ૮ તી ૧૧નો સમયઃ રેસકોર્સના વિશાળ મેદાનમાં હજારો વાહનો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ અને વોલેન્ટિયર્સની ટીમ

(3:28 PM IST)










