<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

વાયરલેસ મોનિટરીંગ ટીમે રાજકોટ-લોધીકામાં ગેરકાયદેસર સિગ્નલ બૂસ્‍ટર્સ શોધી કાઢયા

આ સિગ્નલ ટેલિકોમ વિભાગ દ્વારા મંજુર થયેલા નથીઃ આવા ઉપકરણો આસપાસના એરવેવ્‍સમાં દખલરૂપ બની શકેઃ ટેલિકોમ સેવાની ગુણવત્તા જળવાઇ રહે તે માટે કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: વાયરલેસ મોનિટરિંગ સ્‍ટેશન, અમદાવાદની ટીમ દ્વારા રાજકોટ શહેરના પેડક રોડ, રણછોડનગર અને લોધીકા GIDC વિસ્‍તારમાં ગેરકાયદેસર મોબાઇલ સિગ્નલ બૂસ્‍ટર સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ કાર્યવાહી દરમિયાન અનેક અનધિકળત સિગ્નલ બૂસ્‍ટર્સ શોધી કાઢીને જપ્ત કરવામાં આવ્‍યા હતા.

અધિકારીઓના જણાવ્‍યા મુજબ, આ બૂસ્‍ટર્સ ગેરકાયદેસર ગણાય છે કારણ કે તેઓ ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા મંજૂર નથી અને તેઓ એવા રેડિયો સ્‍પેક્‍ટ્રમનો ઉપયોગ કરે છે જેના માટે કોઈ લાયસન્‍સ અથવા ફી ચૂકવવામાં આવી નથી. પરિણામે, આવા ઉપકરણો આસપાસના એરવેવ્‍સમાં દખલ ઊભી કરે છે અને નજીકના વિસ્‍તારના મોબાઇલ નેટવર્કમાં વિક્ષેપ પેદા કરે છે.

ટેકનિકલ નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ, ગેરકાયદેસર બૂસ્‍ટર્સના ઉપયોગથી મોબાઇલ હેન્‍ડસેટ વધુ પાવરથી સિગ્નલ ટ્રાન્‍સમિટ કરે છે, જેના કારણે નેટવર્ક કનેક્‍ટિવિટી નબળી પડે છે. આથી, સિગ્નલ સમસ્‍યાઓ ઉકેલવાના બદલે, આવી ઉપકરણો સમગ્ર ટેલિકોમ સેવાઓની ગુણવત્તામાં ઘટાડો કરે છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, તઆવા બૂસ્‍ટર્સનો ઉપયોગ ગેરકાયદેસર વીજળી અથવા પાણીના જોડાણ જેવો છે, જેનાથી અન્‍ય ગ્રાહકો માટે સેવા વિતરણમાં અસમાનતા સર્જાય છે.

કાયદાકીય રીતે, Indian Wireless Telegraphy Act, ૧૯૩૩ મુજબ, કોઈપણ વાયરલેસ ઉપકરણ માટે લાયસન્‍સ ફરજિયાત છે. વેચનાર માટે Dealer Possession License (DPL) અને વપરાશકર્તા માટે જરૂરી પરવાનગીઓ વિના આવા ઉપકરણો રાખવા અથવા ઉપયોગમાં લેવા કાયદેસર નથી.

દૂર સંચાર વિભાગ (DoT) દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા ગેરકાયદેસર સિગ્નલ બૂસ્‍ટર્સનો ઉપયોગ ન કરે અને નેટવર્ક સંબંધિત સમસ્‍યાઓ માટે સંબંધિત ટેલિકોમ સેવા પ્રદાતાનો સંપર્ક કરે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, આવી કાર્યવાહી ભવિષ્‍યમાં પણ ચાલુ રહેશે, જેથી ટેલિકોમ સેવાઓની ગુણવત્તા જાળવી શકાય અને રેડિયો સ્‍પેક્‍ટ્રમનો યોગ્‍ય ઉપયોગ સુનિશ્‍ચિત થઈ શકે.

(1:34 PM IST)