<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

રૂડાનગર-૩ ના રહેવાસીઓ લાલઘૂમ : પાણી પ્રશ્ને મતદાન બહિષ્‍કારની ચિમકી

કાલાવડ રોડ ઉપર આવેલ ઇસ્‍કોન મંદીર પાછળના વિસ્‍તારમાં વારંવાર રજુઆત કરવા છતા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા લતાવાસીઓની ચક્કાજામની ચિમકી : કોર્પોરેશન તંત્ર ન્‍યાય આપે

રાજકોટ, તા., ૧પઃ રાજકોટના ઇસ્‍કોન મંદીર પાછળ કાલાવડ રોડ ઉપર આવેલ રૂડાનગર-૩ ના પ્‍લોટ હોલ્‍ડર્સ એસોસીએશન દ્વારા કોર્પોરેશનને પત્ર પાઠવીને ન્‍યાય આપવા માટે માંગણી કરી છે.

રૂડાનગર-૩ ના રહેવાસીઓએ જણાવ્‍યું છે કે, રૂડાનગર-૩,  ૧૯૮૮ થી અસ્‍તિત્‍વમાં આવેલી વસાવહત છે અને વર્ષ ર૦૧૯ થી તેનો રાજકોટ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ સોસાયટીના લતાવાસીઓ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવતા તમામ ટેકસ નિયમીત ભરે છે. તેમ છતા રૂડાનગર-૩ માં પીવાના પાણી માટે કોર્પોરેશન તંત્ર દ્વારા નળ કનેકશન આપવામાં આવ્‍યું નથી. જેથી ભર ઉનાળે લોકો હેરાન-પરેશાન થઇ રહયા છે.

આ બાબતે અગાઉ કોર્પોરેશન તંત્રને વારંવાર રજુઆત કરી છે. પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ભર ઉનાળે પાણી માટે લતાવાસીઓની હેરાનગતીનો સામનો કરવો પડી રહયો છે. આ ઉપરાંત રસ્‍તા, ગટર, કચરાના ગંજ સહિતના પ્રશ્નોથી પણ લતાવાસીઓને ભારે હાલાકી થઇ રહી છે.

રૂડાનગર-૩ પ્‍લોટ હોલ્‍ડર્શ એસોસીએશનના માધ્‍યમથી લતાવાસીઓએ કોર્પોરેશન તંત્રને આવનારી મહાનગર પાલીકાની ચુંટણીમાં મતદાન બહિષ્‍કારની ચિમકી પણ આપી છે તેમજ જો પ્રશ્નનો ઉકેલ ન આવે તો રસ્‍તા રોકો આંદોલન કરવાની પણ ચિમકી આપી છે.

રૂડાનગર-૩ પ્‍લોટ હોલ્‍ડર્સ એશોસીએશનના પ્રમુખ દાદુભાઇ ભાયાભાઇ બોરીચા, ઉપપ્રમુખ રામદેવભાઇ, કમલેશભાઇ આયલગા (એડવોકેટ), રેખાબેન દવે સહિતનાએ સોસાયટીના પ્રશ્નનો ઉકેલ લાવવા માંગણી કરી છે. 

(4:03 PM IST)