News of Thursday, 19th March 2026
કેનાલ રોડ પર એશિયન પેઇન્ટ્સના ડબ્બા પરના બારકોડ અને ક્યુઆર કોડમાં છેકછાક કરી વેંચવાનું કારસ્તાન
અપ્પુ પેઇન્ટ્સ નામની દુકાનમાં કંપનીના ઇન્વે. મેનેજર અને એ-ડિવીઝન પોલીસનો દરોડો : રૂા. ૪.૬૬ લાખના ૬૬ ડબ્બા કબ્જે કરાયાઃ બારકોડ-ક્યુઆર કોડ છેકી નાંખવાથી ગ્રાહક કંપનીની વિગતો જાણી શકતો નથીઃ વેપારીએ કોડ સાથે છેડછાડ શા માટે કરી તેની તપાસઃ એ-ડિવીઝન પોલીસમાં ચિરાગ ઉદેશી વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૯: શહેરના કેનાલ રોડ પર આવેલી એક પેઇન્ટની દુકાનમાં એશિયન પેઇન્ટ્સ જેવી નામાંકિત કંપનીના ઉત્પાદનોના બારકોડ અને કયુઆર કોડ સાથે છેડછાડ કરી ગેરકાયદેસર વેચાણ કરવાનું કારસ્તાન ઝડપાતાં ચકચા જાગી છે. દિલ્હીની તપાસ સંસ્થા અને રાજકોટ એ-ડિવિઝન પોલીસના સંયુક્ત દરોડામાં અંદાજે રૂપિયા ૪.૬૬ લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ મામલે એ-ડિવીઝન પોલીસે અમદાવાદ રામોલમાં સોહમ સાનીધ્ય બંગલોઝ અદાણી સર્કલ પાસે રહેતાં અને દિલ્હી સ્થિત એસજીએસ આઇપીઆર કન્સલ્ટન્સી કંપનીમાં આસિસ્ટન્ટ ઇન્વેસ્ટીગેશન મેનેજર તરીકે ફરજ બજાવતાં સુભાષભાઇ હરિヘંદ્રભાઇ જયસ્વાલ (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી મીલપરા-૮/૨૦ના ખુણે આદર્શ મઢુલી ખાતે રહેતાં ચિરાગ મહેન્દ્રભાઇ ઉદેશી વિરૂધ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી નોટીસ આપવામાં આવી હતી. આ વેપારી દ્વારા એશિયન પેઇન્ટ્સના ડબ્બાઓ પર કંપની દ્વારા જે બારકોડ-ક્યુઆર કોડ અપાયેલા હોય છે તેના પર માર્કરથી ટપકા કરી છેડછાડ કરી પેઇન્ટ્સનું વેંચાણ કરવામાં આવતું હતું.
ફરિયાદી સુભાષભાઈ કંપનીમાં આસિસ્ટન્ટ ઇન્વેસ્ટિગેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓને એશિયન પેઇન્ટ્સ કંપની તરફથી કોપીરાઈટ ભંગ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા મળી હતી. આ અંતર્ગત ગત તા. ૦૫/૦૩ ના રોજ કંપનીના ઇન્વેસ્ટિગેટર અજયભાઈ યાદવે કેનાલ રોડ પર આવેલી ‘અપ્પુ પેઇન્ટ્સ' નામની દુકાનમાંથી ગ્રાહક બનીને એશિયન પેઇન્ટ્સનું ૨૦ લિટરનું પ્રાઇમર ખરીદ્યું હતું. આ ખરીદી દરમિયાન દુકાનદારે બિલ આપ્યું નહોતું અને પેમેન્ટ ઓનલાઇન મેળવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે પ્રોડક્ટ પરના ઓરિજિનલ બારકોડ પર માર્કર પેનથી ટપકાં કરી તેની વિગતો છુપાવવામાં આવી હતી.
આ શંકાસ્પદ પ્રવૃત્તિની ખાતરી થયા બાદ ગઈકાલે તા. ૧૮ના રોજ રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ અને પંચોની હાજરીમાં શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં આવેલી ‘અપ્પુ પેઇન્ટ્સ' ની દુકાન (નં. એલ ૧, ૨, ૩) પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી એશિયન પેઇન્ટ્સના અલગ-અલગ પ્રકારના કુલ ૬૬ કન્ટેનર મળી આવ્યા હતા, જેના બારકોડ પર છેડછાડ કરવામાં આવી હતી. જેમાં યલો મેટલ પીયુ પ્રાઇમર-૮ નંગ, ઇન્ટિરિયર વોલ પ્રાઇમરઃ ૯ નંગ, એપકોલાઇટ પ્રીમિયમ ઇનામલ ગ્લોસ ૪૯ નંગ મળી કુલ રૂા. ૪,૬૬,૨૧૦ના ૬૬ કન્ટેનગર જપ્ત કરાયા છે.
પોલીસે સ્થળ પર હાજર દુકાન માલિક ચિરાગભાઈ મહેન્દ્રભાઈ ઉદેશીની પુછપરછ કરી હતી. આરોપી કોઇપણ રીતે આ પેઇન્ટસના કન્ટેનર ખરીદી, મેળવી પોતાના ફાયદા માટે કંપનીના બારકોડ અને કયુ.આર. કોડ સાથે છેડછાડ કરી ગેરકાયદેસર રીતે માલનું વેચાણ કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ મામલે પોલીસે આરોપી વિરૂધ્ધ ધી કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ની કલમ ૫૧, ૬૩ તેમજ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ ૩૧૮ (૪), ૩૩૬ (૨), ૩૩૬ (૩) મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
ફરિયાદી દ્વારા પોલીસને ઓથોરિટી લેટર, ઓનલાઇન પેમેન્ટના સ્ક્રીનશોટ, ટેકનિકલ એક્સપર્ટ સર્ટીફિકેટ અને એશિયન પેઇન્ટ્સ કંપનીના રજિસ્ટર્ડ કોપીરાઈટ સર્ટીફિકેટ જેવા મહત્વના પુરાવાઓ સોંપવામાં આવ્યા છે. કંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ, બારકોડ સાથેની છેડછાડ એ ગ્રાહકો સાથે છેતરપિંડી અને કંપનીની બ્રાન્ડ ઈમેજને નુકસાન પહોંચાડવાનું ગંભીર કળત્ય છે. પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં વિશેષ તપાસ પીએસઆઇ ડી. વાય. મહંત ચલાવી રહ્યા છે.
(3:05 PM IST)










