News of Thursday, 19th March 2026
‘ઓમ્નીટેક એન્જી. દ્વારા પ એપ્રિલથી રાજકોટમાં ‘સમર હોકી કેમ્પ'નું આયોજન
ખેલાડીઓને જિલ્લા તેમજ રાષ્ટ્રીય સ્તરે રમવાની સૂવર્ણ તક પ્રાપ્ત થશે : રજીસ્ટ્રેશન શરૂ

રાજકોટઃ બાળકોને વેકેશન દરમિયાન મોબાઈલમાંથી મેદાન તરફ પ્રોત્સાહિત કરવા ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિ.ના સીએમડી ઉદયભાઈ પારેખના આર્થિક સહયોગથી એહસાસ ટ્રસ્ટ અને હોકી રાજકોટના સંયુક્ત ઉપક્રમે તેમજ રાજકોટ મ્યુ. કોર્પોરેશનના સહકારથી ‘ઓમ્નીટેક સમર હોકી કેમ્પ'નું આયોજન તા.પ એપ્રિલથી ૩૦ મે સુધી રેસકોર્ષ પાસે મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયુ છે.
કુલ ૫૫ દિવસનો કેમ્પ યોજાશે. જેમાં ૫ થી ૧૬ વર્ષના ગર્લ્સ અને બોયઝ ભાગ લઈ શકશે. અંદાજે ૬૦ જેટલા ખેલાડીઓ જોડાશે.
આ હોકી કેમ્પમાં જોડાનાર બાળકોને એડવાન્સ ટેકનીક, સ્કિલ ડેવલપમેન્ટ અને ફિટનેસ અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ અનુભવી કોચ દ્વારા પ્રેક્ટિકલ તેમજ થિયોરેટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવશે. કેમ્પનો સમય દરરોજ સવારે ૬.૩૦ થી ૮.૩૦ રાખવામાં આવ્યો છે. કેમ્પ બાળકોને મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રાખીને સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જશે, તેમજ હોકી જેવી રમત રમવાથી બાળકોની ફિટનેસ, સ્ટેમિના, ઝડપ અને બેલેન્સમાં વધારો થશે.
આ સમર હોકી કેમ્પ પૂર્ણ થયા બાદ દરેક ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં ભાગ લેનાર પ્રતિભાશાળી ખેલાડીઓને જિલ્લા તેમજ રાષ્ટ્રીય સ્તરે રમવાની પણ સૂવર્ણ તક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ કેમ્પ માટે રાજકોટ મહાનગરપાલિકા વેન્યૂ પાર્ટનર તરીકે જોડાઈ છે, જેમાં આર.એમ.સી.ના રાજદીપસિંહ જાડેજાનો સહકાર નોંધપાત્ર છે.
આ કેમ્પમાં જોડાવા વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા આયોજકો તરફથી તમામ વાલીઓને ઈજન કરવામાં આવે છે. આ સમર હોકી કેમ્પના આયોજનમાં એહસાસ ટ્રસ્ટના કૌશિકભાઈ સોલંકી, નિખીલભાઈ સંઘવી, હોકી રાજકોટના હોદેદારો, વિનેશભાઈ પટેલ, વિક્રમસિંહ રાણા, યોગીનભાઈ છનિયારા, મહેન્દ્રભાઈ પંચાસરા તથા મહેશભાઈ દિવેચા, જયદેવસિંહ જાડેજા, નિતિન ચૌધરી, ભગીરથસિંહ ખેરનો વિશેષ સહયોગ સાંપડયો છે.
વધુ માહિતી માટે રાજકોટ હોકીના શ્રી મહેશભાઈ દિવેચાનો ૅ૯૧ ૮૧૪૧૮ ૩૪૨૧૨ ઉપર સંપર્ક કરવા હોકી રાજકોટ અને એહસાસ ટ્રસ્ટના કું. શ્રી કિન્નરીબેન પટેલની યાદીમાં જણાવેલ છે.
(4:03 PM IST)










