<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

રાજકોટના અનેક વિસ્‍તારોમાં કરા પડયા : ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ : મોરબીમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાયો : માળીયા મિયાણા પંથકમાં મીઠાના અગરના વિસ્‍તારોમાં વરસાદથી મીઠાનું ઉત્‍પાદન મોડુ થવાની શકયતા

રાજકોટ, તા., ૧૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે બપોરથી અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ચોમાસા જેવો માહોલ બંધાયો છે.

રાજકોટમાં બપોરે અચાનક વાદળા છવાઇ ગયા હતા અને એકાએક કરા સાથે વરસાદ તૂટી પડતા લોકો ભયભીત થઇ ગયા હતા અનેક જગ્‍યાએ લોકો ફસાઇ ગયા હતા.  ગાજવીજના ભયંકર અવાજથી  લોકો ડરી ગયા હતા. રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, હનુમાન મઢી ચોક,  માધાપર ચોકડી, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ સહિત અનેક વિસ્‍તારોમાં મેઘરાજા તૂટી પડયા છે.

મોરબીના પ્રતિનિધિ પ્રવિણ વ્‍યાસના અહેવાલમાં જણાવાયું છે કે, મોરબીમાં ધૂળની ડમરી સાથે ધીમી ધારે વરસાદ વરસી રહયો છે અને પવન પણ ફુંકાઇ રહયો છે. માળીયા મિયાણા પંથકમાં મીઠાના ઉત્‍પાદન ઉપર કમોસમી વરસાદની ભારે અસર પડશે અને મીઠાનું ઉત્‍પાદન મોડુ થશે.

જુનાગઢના પ્રતિનિધિ વિનુ જોષીના અહેવાલમાં જણાવાયું છે કે આજે સાંજના વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને ધીમીધારે વરસાદ સાથે ગાજવીજ થઇ રહયા છે.

પડધરીના પ્રતિનિધિ મનમોહન બગડાઇના અહેવાલમાં જણાવાયું છે કે પડધરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહયો છે.

ગોંડલના પ્રતિનિધિ ભાવેશ ભોજાણીના અહેવાલમાં જણાવાયું છે કે, ગોંડલમાં આ લખાય છે ત્‍યારે ગાજવીજ સાથે ભયંકર અંધારૂ છવાઇ ગયું છે.

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીના અકિલા ફેસબુક લાઇવના શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણીએ જણાવ્‍યું છે કે, ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહયો છે. (૪.૧૯)

(4:40 PM IST)