News of Friday, 20th March 2026
ગોંડલ રોડ ચોકડીએ ‘હિટ એન્ડ રન': રાધા નગરના વૃધ્ધ અશ્વીનભાઇ અગ્રાવતનું મોત
ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર બનાવઃ અકસ્માત સર્જી ટ્રકચાલક ભાગી ગયો કંપનીમાં કામ કરતાં હોઇ છુટીને ઘરે જતાં હતાં ત્યારે બાઇક સહિત ઠોકરે ચડાવતાં ઘટના સ્થળે જ મૃત્યુઃ અકસ્માત બાદ આઇસર ચાલક ભાગી ગયોઃ આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૦: ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર આઇસર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃધ્ધનું મોત થયું છે. ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં એંસી ફુટ રોડ પર રાધાનગરમાં રહેતાં વૃધ્ધે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. કંપનીમાં કામ કરતાં હોઇ કામેથી છુટીને ઘરે જતી વખતે આ ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ એંસી ફુટ રોડ લાલ પાર્ક નજીક રાધાનગર-૪માં રહેતાં અશ્વીનકુમાર ગીરધરભાઇ અગ્રાવત (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા સાંજે પાંચેક વાગ્યે પોતાનું મોટરસાઇકલ હંકારીને જતાં હતાં ત્યારે ગોંડલ રોડ ક્રિષ્ના મારબલ નજીક સર્વિસ રોડ પર આઇસરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં તેઓ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં.
આજીડેમ પોલીસ સ્ટેશનના એએસઆઇ જે. કે. કુરીયાએ સ્થળ પહર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક વૃધ્ધની ઓળખ મેળવી તેમના સગા સંબંધીઓને જાણ કરી હતી. વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર અશ્વીનભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે કંપનીમાં નોકરી કરતાં હતાં. અકસ્માત સર્જી આઇસરનો ચાલક ભાગી ગયો હોઇ પોલીસે હિટ એન્ડ રનની આ ઘટનામાં ગુનો નોંધવા તજવીજ કરી હતી.
(12:06 PM IST)










