News of Friday, 20th March 2026
એલ.પી.જી. ગેસની અછતથી ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ અંગે સરકારને રજુઆત
ધારાસભ્ય રમેશ ટીલાળાના નેતૃત્વમાં ઉદ્યોગકારો રજુઆતમાં સાથે જોડાયા

રાજકોટ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારોને એલ.પી.જી. ગેસના બાટલાં સમયસર ઉપલબ્ધ ન થતાં મજૂર વર્ગ તથા ઉત્પાદન પ્રક્રિયામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆત દરમિયાન કેબિનેટ મંત્રીશ્રી તેમજ રાજકોટના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાને ઉદ્યોગકારોએ એલ.પી.જી. ગેસ બાટલાંની અછત દૂર કરવા તથા ગેસ પુરવઠો નિયમિત અને સમયસર ઉપલબ્ધ થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા વિનંતી કરી હતી.
સાથે જ ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસ પાઇપલાઇનનું કામ ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી, જેથી ઉદ્યોગોને લાંબા ગાળે સ્થિર અને સરળ ગેસ પુરવઠો મળી રહે.
આ રજુઆતમાં શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન, ગ્રેટર ચેમ્બર, રાવકી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના વિવિધ ઉદ્યોગકારો સાથે જોડાયા હતા. જેમાં કે. સી. ચોવટીયા, મહેશભાઈ સાવલિયા, દુષ્યંતભાઇ ટીલારા, રાજેશભાઈ હપાણી વાલજીભાઇ લક્કડ, સહિતના ઉદ્યોગકારોએ પોતાની રજૂઆત કરી હતી.
(2:43 PM IST)










