<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ભરણપોષણના કેસમાં રૂપિયા ભરવાની, જેલમાં જવાની ચિંતામાં યુવાનનો આપઘાત

જુનાગઢના ૪૦ વર્ષિય રમેશભાઇ જાદવ એસિડ પી જતાં રાજકોટમાં મૃત્‍યુઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું: છ વર્ષથી જેતપુર રિસામણે પત્‍નિએ કેસ કર્યો હતો

 

રાજકોટ તા. ૨૦: પતિ-પત્‍નિ વચ્‍ચે મનદુઃખ થયા બાદ રિસામણે ગયેલા પત્‍નિએ પતિ સહિતના સાસરીયા વિરૂધ્‍ધ ફરિયાદ કરતાં અને ખાધાખોરાકીનો કેસ કરતાં છ વર્ષ બાદ હવે આ કેસનો ગમે ત્‍યારે ચુકાદો આવે તેમ હોઇ રકમ ભરવાની આવે અથવા તો જેલમાં જવાનું થશે તે મામલે ચિંતામાં મુકાઇ જતાં જુનાગઢના યુવાને એસિડ પી આપઘાત કરી લીધો છે.

જાણવા મળ્‍યા મુજબ જુનાગઢના દોલતપરામાં સ્‍વામિનારાયણ સોસાયટીમાં રહેતાં રમેશભાઇ મનસુખભાઇ જાદવ (ઉ.વ.૪૦) નામના યુવાને ગઇકાલે ૧૯મીએ સાંજે ઘરે એસિડ પી લેતાં જુનાગઢ સારવાર અપાવી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. પરંતુ આજે અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

આપઘાત કરનાર રમેશભાઇ એક બહેનથી નાના અને માતા-પિતાનો આધારસ્‍તંભ હતાં. તે હીરા ઘસવાનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સગાના કહેવા મુજબ રમેશભાઇના પત્‍નિ હીનાબેન છએક વર્ષથી જેતપુર માવતરે રિસામણે છે અને તેમણે કેસ કર્યો હતો. હાલ આ કેસનો આગામી સમયમાં ગમે ત્‍યારે ચુકાદો આવે તેમ હતો. રમેશભાઇને આ ચુકાદાને પગલે કાં તો ભરણપોષણની રકમ ભરવાની થાય અથવા તો જેલમાં જવાનું થાય તેમ લાગતાં ચિંતામાં મુકાઇ જતાં આ પગલુ ભરી લીધુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં જુનાગઢ એ-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:59 PM IST)