News of Friday, 20th March 2026
મનપા તંત્ર ભાજપના દબાણ હેઠળ? નિમંત્રણ પત્રિકામાં પ્રોટોકલ ભંગનો આક્ષેપ
વિશ્વ ચકલી દિવસની ઈ પત્રીકામાં વહીવટદારનું નામ અને ભાજપ આગેવાનના નામ સામે સવાલો ઉઠાવતા વશરામ સાગઠિયાઃ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

રાજકોટ,તા.૨૦: મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી વિશ્વ ચકલી દિવસની ઉજવણીની ઈ નિમંત્રણ પત્રિકામાં ગંભીર વહીવટી ગેરરીતિ અને સરકારી પ્રોટોકોલના ભંગનો મુદ્દો પૂર્વ દિપક્ષીનેતા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. સરકારશ્રી દ્વારા નિયુક્ત વહીવટદારનું નામ દર્શાવવાની ફરજિયાત પરંપરા હોવા છતાં પત્રિકામાં તેમનું નામ સમાવાયું નથી. તેના બદલે ભાજપના શહેર પ્રમુખ તથા ભાજપ પ્રદેશ સમિતિના સહ કોષાધ્યક્ષ નામ દર્શાવવામાં આવતા પૂર્વ વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયાએ પ્રોટોકલ ભંગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે પૂર્વ વિપક્ષનેતા વશરામભાઈ સાગઠિયા એ એક યાદીમાં જણાવ્યું હતું કે હાલ ભાજપમાં વહીવટીદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે સરકારી કાર્યક્રમોની પત્રિકામાં કોઈપણ રાજકીય પક્ષના પદાધિકારીઓના નામનો સમાવેશ કરવો નિયમસર યોગ્ય નથી. જો એક પક્ષના પદાધિકારીનું નામ દર્શાવવામાં આવે તો તટસ્થતા જળવાઈ રહે તે માટે અન્ય રાજકીય પક્ષોના પદાધિકારીઓના નામ પણ દર્શાવવાના થાય, જે કોઈપણ સરકારી પ્રણાલી મુજબ સ્વીકાર્ય નથી.
વધુમાં સાગઠિયાએ જણાવ્યું હતું કે સરકારી તંત્ર કોઈ રાજકીય પક્ષનું પીઠું બની કાર્ય કરે તે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક બાબત છે. આ ઘટનાથી મહાનગરપાલિકાના તંત્રની તટસ્થતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ સમગ્ર મામલે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ વશરામભાઈ સાગઠિયા દ્વારા કરવામાં આવી છે.
(3:55 PM IST)










