News of Friday, 20th March 2026
પ્રથમ મિલ્કતવેરા બિલ પર વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ : ૧૫ દિવસમાં અરજી કરનારને મળશે લાભ
જુની એન્ટ્રી હશે તો લાભ નહિ મળે : લક્ષ્યાંક પુર્ણ કરવા મનપાનું તંત્ર ઉંધા માથે

રાજકોટ, તા., ૨૦ : મહાનગર પાલિકાનો મુખ્યસ્ત્રોત એવા વેરા વિભાગે ચાલુ વર્ષના રૂા. ૪૫૪ કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના તમામ વોર્ડમાં મિલ્કત સીલિંગ, જપ્તી સહિતની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સાથે જ આકરણી દરમિયાન બાકી રહી ગયેલી અથવા કયારેય વેરા વિભાગમાં નોંધ ન થયેલી મિલ્કતો માટે વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે.
આ અંગે મનપાના વેરા વિભાગના સતાવાર સુત્રોમાંથી મળતી માહીતી મુજબ આ યોજના મુજબ, જે મિલ્કતધારકોને આજદિન સુધી મિલ્કતવેરાનું બિલ મળ્યું નથી અને તેથી વ્યાજનું ભારે ભારણ બન્યું છે, તેમને હવે માત્ર મૂળ વેરા રકમ જ ભરવાની રહેશે . વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવશે. આ માટે મિલ્કતધારકોએ ૧૫ દિવસની અંદર અરજી કરવી જરૂરી રહેશે.
મહાનગરપાલિકા દ્વારા ૨૦૧૧થી કાર્પેટ એરિયા આધારિત વેરા પદ્ધતિ અમલમાં મુકાઈ હતી, પરંતુ તે સમયે થયેલી માપણી દરમિયાન અનેક મિલ્કતો નોંધાયા વગર રહી ગઈ હતી. પરિણામે, આવા માલિકોએ ભારે વ્યાજ લાગવાના ભયથી આજ સુધી વેરાબિલ મેળવ્યું નહોતું. હવે તંત્ર દ્વારા તેમને રાહત આપવા આ સ્કીમ લાગુ કરવામાં આવી છે. વેરા વિભાગના જણાવ્યા મુજબ, વર્ષો જૂની એવી મિલ્કતો કે જેની નોંધ કયારેય વેરા વિભાગમાં થઈ નથી, તેઓ અરજી કરીને નવા નિયમ મુજબનું બિલ મેળવી શકશે અને તેમાં વ્યાજ લેવામાં આવશે નહીં. પરંતુ જે મિલ્કતોની જૂની એન્ટ્રી પહેલેથી જ વેરા વિભાગમાં છે, તેમને આ લાભ મળશે નહીં. આવી મિલ્કતોને સુસુપ્ત ગણવામાં આવી શકે છે અને તેમના પર જૂના નિયમ મુજબ વેરા સાથે વ્યાજ પણ ભરવું પડશે. તંત્રે મિલ્કતધારકોને સમયસર અરજી કરીને આ તકનો લાભ લેવા અપીલ કરી છે.
(3:39 PM IST)










