News of Friday, 20th March 2026
ગાય માતાને‘રાજમાતા' જાહેર કરી ગૌવધ બંધ કરાવવાના વિધેયક પર કોંગ્રેસ સાથે જોડાવા આહવાન : ડૉ. હેમાંગ વસાવડા - ડૉ. રાજદીપસિંહ જાડેજા
આ ઐતિહાસીક બીલ પર ચાલુ સત્રમાં મતદાન થવાનું છે, કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વલણ સામે સવાલો ઉઠાવી જનજાગૃતિ અભિયાન તેજ કર્યું

રાજકોટ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા ગુજરાત વિધાનસભામાં ગૌહત્યા બંધ કરવા અને ગાયને ‘રાજમાતા' જાહેર કરવાનું મહત્વપૂર્ણ ખાનગી વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક બિલ પર ચાલુ સત્રમાં મતદાન થવાનું છે, ત્યારે કોંગ્રેસ પક્ષે ભાજપ સરકારના વલણ સામે સવાલો ઉઠાવી જનજાગળતિ અભિયાન તેજ કર્યું છે.
આ મુદ્દે ડો. હેમાંગ વસાવડા અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, સનાતન ધર્મના નામે સત્તા ભોગવતી ભાજપ સરકાર આ બાબતે નકારાત્મક વલણ અપનાવી રહી છે. માત્ર દેખાડા ખાતર મંદિરે જનારા ભાજપના નેતાઓ ગૌહત્યા રોકવા અને ગાયને સન્માન આપવા બાબતે મૌન સેવી રહ્યા છે.
બિલ અને આગામી કાર્યક્રમની મુખ્ય વિગતો : ભાજપ સરકાર સનાતન ધર્મનીવાતો કરે છે પણ ગૌરક્ષાના મુદ્દે પીછેહઠ કરી રહી છે. આગામી દિવસોમાં ભાજપના ધારાસભ્યોને મળી આ બિલના સમર્થન માટે સમજાવવામાં આવશે. સૌરાષ્ટ્રભરના સંતો, મહંતો અને ગૌભક્તોને આ લડાઇમાં જોડાવા જાહેર આમંત્રણ અપાયું છે. કાર્યકરો દ્વારા ધારાસભ્યોના નિવાસસ્થાને રજૂઆત કરી નૈતિક હિંમત બતાવવા દબાણ કરાશે.
અંતમાં, કોંગ્રેસના આગેવાનો ડૉ. હેમાંગભાઇ વસાવડા અને ડૉ. રાજદીપસિંહ જાડેજાએ વિનંતી કરી છે કે જ્યારે કોંગ્રેસના કાર્યકરો ગૌરક્ષાના આ પવિત્ર કાર્ય માટે ભાજપના ધારાસભ્યો પાસે જાય, ત્યારે તમામ ગૌરક્ષકો અને ધર્મપ્રેમી જનતાએ સાથે રહીને અવાજ બુલંદ કરવો જોઈએ
(3:55 PM IST)










