News of Saturday, 21st March 2026
ગઇકાલે રમઝાન માસના અંતિમ શુક્રવારના અંતિમ શુક્રવારના લીધે ભારે ધમધમાટ રહ્યા બાદ ‘આજે ઇદ' ઉજવાતા બેવડાયેલો ઉત્સાહઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઇદુલફિત્રની ઉજવણી
ગઇકાલે ‘સાપ્તાહિક ઇદ' (શુક્રવાર) મનાવી આજે ‘ઇદ' અને આવતીકાલે ‘રવિવાર'ના લીધે ઉત્સાહમાં બમણો વધારો : રોઝા મહિનાનો ‘‘અંતિમ શુક્રવાર'' જ રમઝાન માસનો છેલ્લો દિવસ બની રહેવાની ઘટનાનું ત્રણ વર્ષે ફરી પુનરાવર્તન થયુ : આજે સવારે ઇદગાહ -મસ્જીદોમાં ઇદની વિશેષ નમાઝ સંપન્ન : મોટી સંખ્યામા લોકો ઉમટી પડયાઃ દેશની સુખ-સમૃધ્ધિ માટે થયેલ દુઆઓ

ખુદાનો સામૂહિક આભાર : આજે સવારે ઇદુલ ફિત્રની વિશેષ નમાઝ સર્વત્ર પઢવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરની ઇદગાહ ઉપર પણ ઇદની નમાઝ પઢવા મુસ્લિમ ભાઇઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ભરપુર હાજરી વચ્ચે ઇદની ખાસ નમાઝ પઢી ખુદાનો આભાર માનવામાં આવેલ છે. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(ફાઇખ દ્વારા) રાજકોટ તા.ર૧: મિશ્ર હવામાન અને તાપમાનના વધઘટ વચ્ચે ઇસ્લામ ધર્મના પવિત્ર માસ રમઝાન મહીનો પસાર થયા બાદ ગઇકાલે શુક્રવારે સાંજે આકાશમાં સ્વચ્છ, સ્પષ્ટ ચંદ્ર દર્શન થઇ જતાં ૩૦ રોઝા પુરા થવાનીસાથે આજે સર્વત્ર ‘ઇદુલફિત્ર' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
રમઝાન માસમાં શરૂમાં હવામાન મિશ્ર રહેતા રોઝા રાખનારા લોકોને ગરમીથી રાહત રહી હતી પરંતુપાછલા રોઝામાં તાપમાન ઉચું જતા રોઝામાં તાપ લાગતો હોવા ઉપરાંત રાત્રીના મોડે સુધી તરાવીહની નમાઝ નામે મસ્જીદોમાં ઈબાદત કરી પુણ્યનું ભાથુ બાંધ્યા બાદ મળેલ આત્મ શુધ્ધિના અવસરરૂપ આજે ઇદની ઉજવણીમાં મુસ્લિમ સમાજ ઓતપ્રોત થઈ ગયો હતો.
ખાસ કરીને ઈદુલફિત્રના દિવસે વિશેષતઃ આજે સવારે મળસ્લિમ સમાજે ઇદની નમાઝ પઢી હ્તી અને નમાઝ પુર્ણ થયા પછી એક સાથે લાખો હાથ ખુદાના દરબારમાં દુઆ માટે ઉઠયા હતા અને તે પછી શુભેચ્છાઓની આપ-લે થઈ હતી. અને હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ અરસ-પરસ મુબારક બાદની આપ-લે કરતા ચોમેર ભાઇચારાની ભાવના દર્શાઇ હતી.
રાજકોટમાં આજે સવારે બે ઇદગાહ, બે દરગાહના મેદાન, અને ૪૧ મસ્જીદોમાં મળી ૪૫ જેટલા સ્થળોએ તેમજ શહેર નજીકના ૮ જેટલા કોઠારીયા, શાપર, માલિયાસણ, સોલ્વન્ટ , રૈયા, ઘંટેશ્વર જેવા નજીકના પરા વિસ્તારની મસ્જીદોમાં ઇદની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી.
એ જ રીતે પોરબંદર, પ્રભાસ પાટણ, વેરાવળ, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, ભાવનગર, સુરેન્દ્રનગર, વાંકાનેર, બેડી, સલાયા, જામનગર સહિતના શહેરો કે ગામોમાં ઇદની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટમાં ઢેબર રોડ ઉપર શહેર ઇદગાહમાં જામ્એ મસ્જીદના ઇમામ મૌલાના પીરબખ્શ તથા સદર ઇદગાહમાં સદર જામ્એ મસ્જીદના હાફીઝ હાજી અકરમખા પઠાણ તથા લાલપરી તળાવ દરગાહે મૌલાના મો. અનવરમીંયા અશરફી તથા રૈયા હઝરત ગૈબનશાહ પીરની દરગાહના મેદાનમાં અબ્દુલ રશીદ નૂરી બંગાલીની નેતાગીરીમાં લોકો ઇદની નમાઝ પઢવા માટે ઉમટી પડયા હતાં.
રાજકોટ શહેરની જે તે વિસ્તારોમાં આવેલી ૪૧ જેટલી મસ્જીદોમાં પણ મુસ્લિમ બિરાદરો જયાં જ્ગ્યા મળી ત્યાં ઇદની નમાઝ પઢવા માટે એકત્ર થયા હતા. સવારે ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ઇદની નમાઝ માટે ચહલ-પહલ રહી હતી.
ઇદના પવિત્ર દિવસે ફાતેહ સૌરાષ્ટ્ર હઝરત મૌલાના મુહમ્મદ ઇસ્હાક હશમતી અને ફખ્રે રાજકોટ હંઝરત મૌલાના મો. નૈયર રઝા નૂરી (અલહીર્રહમા) માટે ગજીવાડામાં ઇસાલે સવાબ કરી તેઓની જરૂરીયાત મહેસુસ કરતા અંજલિ અપીંત કરાઇ હતી. જયારે કુતુબેશહર સૈયદીના સરકાર ગૈબનશાહ પીર અને મખ્દુમે સૌરાષ્ટ્ર હઝરત તુકીબાવા (રહે.)ની દરગાહ તથા કબ્રસ્તાનમાં શ્રાધ્ધતર્પણ માટે ઇદ નિમિતે દિવસ દરમ્યાન લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.
બીજી તરફ રમઝાનના રોઝા મોટેરા જ નહી પણ નાના નાના બાળકો અને યુવાનોએ પણ છોડયા ન હતા અને ૩૦રોઝા સરળતાથી પૂરા કર્યા પછી ગઈ સાંજે ઇદનો ચદ્ર આકાશમાં સ્વચ્છ રીતે બહાર આવી જતા રોઝાદારો ઉત્સાહમાં આવી ગયા હતા અને જેના લીધે આજે ઇદની ભારે ચહલ-પહલ જોવા મળી હતી.
રાજકોટ શહેરના રેસકોર્સ આજી પાર્ક સહિતના જાહેર સ્થળોએ પણ મુસ્લિમ સમાજના પરિવારો બાળકોને લઇ ઇદનો હર્ષ વ્યકત કરવા ઉમટી પડયા હતા જેના લીધે ઇદનો ઉત્સાહ ઉલ્લાસ ચોમેર છવાઇ જવા પામ્યો હતો.
અત્રે એ નોંધનીય છે કે, આ રમઝાન મહીનો શરૂ થવાના પૂર્વે ભારતભરમાં ચંદ્ર દશન સ્પષ્ટ થયેલ એમ રમઝાન માસ પૂર્ણ થવાના આરે પણ ચંદ્ર દર્શન સ્પષ્ટ થયેલ હોઇ રમઝાન માસ કે ઇદ ઉજવણી માટે કોઈ બાધા સર્જાઇ ન હતી.
બીજી તરફ આ વખતે ખૂબીએ છે કે ગઇકાલનો શુક્રવાર રમઝાન માસનો અંતિમ શુક્રવાર હતો. જે ગઇકાલે સાંજે જ ચંદ્રદર્શન થતા ઇદ ઉજવાઇ છે અને આવતીકાલે રવિવારે જયારે રજાના દિવસના લીધે આ ઇદનો ઉત્સાહ બેવડાઇ જવા પામ્યો છે.
ખાસ કરીને આ વખતે રમઝાન માસમાં પાંચ શુક્રવારનો લાભ મળેલ અને ગઇકાલે જે શુક્રવાર હતો તે રમઝાન માસનો અંતિમ શુક્રવાર હોઇ મુસ્લિમ સમાજ મોટી માત્રામાં નમાઝ પઢવા માટે ઉમટી પડેલ અને એ જ દિવસે ૩૦મો રોઝો હોઇ જેના લીધે પણ ચહલ-પહલ રહી હતી. જે પછી આજે ઇદ ઉજવાતા આ ઇદનો ઉત્સાહ બેવડાઇ જવા પામ્યો હતો.
જો કે ૩૦મો રોઝો અને અંતિમ શુક્રવાર સાથે થવાની ઘટનાનું ત્રણ વર્ષ ફરી પુનરાવર્તન થવા પામ્યું છે.
અત્રે એ નોંધનીય છે કે, મુસ્લિમ સમાજમાં શુક્રવારએ ‘‘સાપ્તાહિક ઇદ''નો દિવસ ગણાય છે અને એ દિવસે નમાઝ સહિતની પ્રક્રિયાઓ જે થાય છે એ જ પ્રક્રિયાઓ ઇદના દિવસે જ થતી હોય શુક્ર-શનિ બે દિવસ ઇદનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
(11:40 AM IST)










