<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

આપઘાતના પ્રયાસની ચાર ઘટના

રાધાકૃષ્‍ણ નગરમાં પત્‍નિ સાથે કલેશ થતાં અમિતભાઇએ ડીડીટી પીધું: ભૂપગઢમાં કાકા સાથે માથાકુટમાં સુમિતે ફિનાઇલ, જ્‍યુબીલી બાગમાં રમેશભાઇએ ઉંદર મારવાની દવા પીધીઃ એક સગીરા ફિનાઇલ પી ગઇ

રાજકોટ તા. ૨૧: અલગ અલગ કારણોસર અલગ અલગ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યાની ચાર ઘટના સિવિલ હોસ્‍પિટલના ચોપડે નોંધાઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ પર રાધાકળષ્‍ણ નગર-૨માં રહેતા અમિતભાઈ નરશીભાઈ શિયારા (ઉ.વ.૪૪)ના યુવકે બપોરે લાઠીયા ગેરેજ પાસે ડીડીટી પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. યુવક ડ્રાઇવિંગ કામ કરે છે અને બે ભાઇમાં નાના છે, સંતાનમાં એક પુત્ર છે. પત્‍નિ સાથે કલેશ થતાં પગલુ ભર્યાનું જણાવાયું હતું.

બીજા બનાવમાં ભુપગઢ ગામે રહેતો સુમિત હેમતભાઈ રાઠોડ (ઉ.વ.૨૬)એ સાંજે ગંજીવાડાથી આગળ નવા બસ સ્‍ટેન્‍ડ પાસે ફિનાઈલ ગટગટાવી લેતા સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. યુવક ડ્રાઇવિંગ કામ કરે છે, તેના કહેવા મુજબ ગઈકાલે ઘર પાસે બેઠો હતો ત્‍યારે મોટાબાપુ ભુપતભાઇ અને તેનો દીકરો સાગર આવીને ગાળો બોલવા લાગતા મેં તેને સામે ગાળ આપી હતી આથી બંનેએ  ઉશ્‍કેરાઈ પાણાવારી કરી હતી. આ લોકોના ત્રાસને કારણે પગલુ ભર્યાનો આક્ષેપ તેણે કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં મિલપરા-૪માં રહેતા રમેશભાઈ સુભંગ વિશ્વકર્મા (ઉ.વ.૩૫)ના યુવકે જ્‍યુબિલી બગીચામાં જઈ ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. યુવક ચાઈનીઝ પંજાબીની લારી ધરાવે છે અને સંતાનમાં ત્રણ પુત્ર છે. પોતાની મરજીથી પીધી હોવાનું રટણ કરતાં એ-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ચોથા બનાવમાં  બનાવમાં સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે રવીન્‍દ્રનાથ ટાગોર ટાઉનશીપમાં રહેતી સત્તર વર્ષની સગીરાએ રાત્રીના બે વાગ્‍યે ઘરે ફિનાઈલ પી લેતા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

(2:57 PM IST)