<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

મનપાનો વેરો લક્ષ્યાંક ૪પપ કરોડ : સરકારી ઓફીસના બાકી લેણા ૯૦ કરોડ !

ફકત એક જ દિવસમાં તિજોરી છલકાય પણ કરે કોણ? : આજ સુધીમાં ૪.૪૪ લાખ કરદાતાઓએ રૂા. ૪૧૦ કરોડ તંત્રની તિજોરીમાં ઠાલવ્‍યા

રાજકોટ, તા.૨૧: મહાનગરપાલિકાને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલકતવેરા વસૂલાતનો રૂ. ૪૫૫ કરોડનો લક્ષ્યાંક અપાયો છે. તેની સામે અત્‍યાર સુધી રૂ. ૪૧૦ કરોડની વસૂલાત થઈ ચૂકી છે. હવે માત્ર રૂ. ૪૫ કરોડ વસૂલાય તો લક્ષ્યાંક પૂર્ણ થઈ શકે તેવી સ્‍થિતિ છે.

ઓન રેકોર્ડ માહિતી મુજબ શહેરમાં કાર્યરત કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિવિધ કચેરીઓ પાસેથી જ મોટાપાયે મિલકતવેરો બાકી છે. આ બાકી રકમ વસૂલાય તો એક જ દિવસમાં લક્ષ્યાંક પૂર્ણ થઈ શકે તેવી સ્‍થિતિ હોવાનું જાણવા મળે છે. સરકારી કચેરીઓ જ સૌથી મોટા બાકીદાર હોવાનું સામે આવ્‍યું છે.

મહાપાલિકા તંત્ર સામાન્‍ય મિલકત ધારકોને નોટિસો ફટકારી મિલકતો સીલ કરે છે, પરંતુ અન્‍ય સરકારી વિભાગો પાસેથી બાકી વેરો વસૂલવામાં કડક કાર્યવાહી કરાતી નથી તેવો આક્ષેપ ઉઠી રહ્યો છે.

ટેક્‍સ બ્રાન્‍ચના સૂત્રો મુજબ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો રૂ. ૨૮ કરોડ, બીએસએન એલનો  રૂ. ૧૩.૫૦ કરોડ,  સમરસ  હોસ્‍ટેલનો રૂ. ૧૫.૫૦ કરોડ, પોલીસ વિભાગનો રૂ. ૧૨.૬૦ કરોડ, કલેક્‍ટર હસ્‍તકની કચેરીઓનો રૂ. ૧૦.૨૫ કરોડ તથા પીડબલ્‍યુડીનો રૂ. ૧૦ કરોડ મળી કુલ આશરે રૂ. ૯૦ કરોડ જેટલો મિલકતવેરો વર્ષોથી બાકી છે.

તા. ૨૧ માર્ચ સુધી શહેરના ૪,૪૪,૨૯૭ મિલકતધારકોએ કુલ રૂ. ૪૧૦ કરોડનો વેરો ભર્યો છે. મહાપાલિકાએ તા. ૩૧ માર્ચ સુધી તમામ વોર્ડ ઓફિસો ખુલ્લી રાખવાની અને રજાના દિવસોમાં પણ વસૂલાત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.તે છતાં કેટલીક ઓફિસોમાં કામગીરી અંગે ફરિયાદો સામે આવી છે. વોર્ડ નં. ૮ની સોજીત્રા નગર સ્‍થિત ઓફિસમાં વોર્ડ ઓફિસર હાજર ન હોવાની ફરિયાદ ઉઠી હતી, જ્‍યારે વોર્ડ નં. ૧૦ની રોયલ પાર્ક ઓફિસમાં ઇન્‍ટરનેટ બંધ હોવાથી કામગીરી અટકી ગઈ હતી. કેટલાક વોર્ડ ઓફિસરો અન્‍ય કાર્યક્રમોમાં વ્‍યસ્‍ત હોવાથી અનેક ઓફિસોમાં કામગીરી મર્યાદિત રહી હતી.

વોર્ડ ઓફિસરોની કામગીરી અંગે વધતી ફરિયાદોને પગલે તાજેતરની સમીક્ષા બેઠકમાં મ્‍યુનિસિપલ કમિશનરે તમામ વોર્ડ ઓફિસરોને દરરોજ ટેક્‍સ રિકવરી માટે ફિલ્‍ડ વર્ક કરવાની અને તેનું લાઈવ લોકેશન વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં શેર કરવાની કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે. 

(3:37 PM IST)