તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
કુવાડવા રોડ પોલીસે આણંદપર (બામણી) ગામે વાડીમાંથી ઝડપી લીધો દારૂનો મોટો જથ્થો જમીનમાં દાટેલો ૨૧.૬૦ લાખનો વિદેશી દારૂ પકડાયો
ડીસીપી હેતલ પટેલ, એસીપી વી.બી.જાડેજાની રહબરીમાં કુવાડવા પીઆઇ બી.પી.રજયા અને ટીમની કાર્યવાહી: એએસઆઇ ખોડુભા જાડેજા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા કુશલભાઇ જોષીની બાતમી

રાજકોટ: કુવાડવા તાબેના આણંદપર(બાધી) ગામના તળાવ પાસે આવેલ બીપીનચંદ્ર મેઘજીભાઇ રાઠોડની કબ્જા ભોગવટાની વાડી ખાતે મોન્ટુ નામના શખ્સે છુપાવેલ ઇંગ્લીશ દારૂનો મોટા પ્રમાણમા જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશનર વી.બી. જાડેજા દ્વારા શહેરના વિસ્તારોમાંથી દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. રજયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો સતત પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એ.એસ.આઈ. ખોડુભા વખતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા તથા કુશલભાઈ જોશીને સંયુક્ત રીતે એક સચોટ બાતમી મળી હતી કે આણંદપર (બામણી) ગામના તળાવ પાસે આવેલી બીપીનચંદ્ર મેઘજીભાઈ રાઠોડની માલિકીની વાડીમાં, જે હાલમાં મોન્ટુભાઈ નામના શખ્સે વાવવા માટે રાખી છે, ત્યાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે.
આ ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસે આણંદપર (બામણી) ગામની સીમમાં તળાવની દક્ષિણ દિશાએ આવેલી વાડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે વાડીના એક ખૂણામાં તપાસ કરતા જમીનમાં મોટો ખાડો કરી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. બૂટલેગરોએ દારૂને પકડાઈ જવાથી બચાવવા માટે ખાડાની ઉપર કાળા કલરની પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકી દીધી હતી જેથી કોઈને શંકા ન જાય. પોલીસે આ તાડપત્રી હટાવીને તપાસ કરતા તેમાંથી 'એવરગ્રીન રિઝર્વ વ્હિસ્કી'ની કુલ 360 પેટીઓ મળી આવી હતી. આ પેટીઓમાં 500 એમ.એલ.ની કુલ 4320 નંગ બોટલો હતી, જેની બજાર કિંમત આશરે 21,60,000 જેટલી થાય છે.
પોલીસે ઘટનાસ્થળેથી 21.60 લાખની કિંમતનો દારૂ અને 300ની કિંમતની તાડપત્રી મળી કુલ 21,60,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસના દરોડા દરમિયાન મુખ્ય આરોપી મોન્ટુભાઈ હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. બી.પી. રજયાની સાથે પી.એસ.આઈ. આર.કે. સામુદ્રે, એ.એસ.આઈ. કે.વી. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા, યુવરાજસિંહ જાડેજા, કુશલભાઈ જોશી, જયપાલભાઈ બરાળીયા, જયદીપભાઈ ધોળકિયા, મેહુલસિંહ ચુડાસમા, અરવિંદસિંહ ગોહિલ અને યશપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફના સભ્યો જોડાયા હતા.
(8:43 PM IST)










