News of Monday, 23rd March 2026
શ્રીનાથજી સોસાયટીમાં ધોરણ-૧૨ની પરિક્ષા આપ્યા બાદ ગુમસુમ રહેતાં મીતની આત્મહત્યા
૨૦ વર્ષના છાત્રએ ગળાફાંસો ખાઇ લીધોઃ માતા બહારથી આવ્યા ત્યારે દરવાજો બંધ હતોઃ બારીમાંથી જોતાં લટકતો હતોઃ એકના એક દિકરાના આ પગલાથી માવલા પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૩: ઘણીવાર વિદ્યાર્થીઓ પરિક્ષાના પેપર નબળા જાય તો ન ભરવાના પગલા ભરતાં હોય છે. દરમિયાન એક બનાવમાં મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં છાત્રએ ધોરણ-૧૨ની પરિક્ષા આપ્યા બાદ કોઇપણ કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિક્ષા આપ્યા પછી તે સતત ગુમસુમ રહેતો હતો અને ગત સાંજે અચાનક આ પગલુ ભરી લીધુ હતું.
જાણવા મળ્યા મમુજબ મવડીપ્લોટની શ્રીનાથજી સોસાયટી શેરી નં.૨માં રહેતાં મીત મોહનભાઈ માવલા (ઉં.વ.૨૦) નામના છાત્રએ સાંજે ઘરમાં ગેસની પાઇપલાઇનમાં દોરી બાંધી દેહ લટકાવી દેતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ ૧૦૮ના ડો. પુલકીત પ્રજાપતિએ કરતાં માલવીયાનગરના હેડકોન્સ. સારંગભાઇ ઓગણીયા અને રાઇટર વિમલભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આત્મહત્યા કરનાર મીત નવલનગરમાં આવેલી સ્કૂલમાં ધોરણ-૧૨માં ભણતો હતો. તેના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તે માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. મીતે તાજેતરમાં જ ધોરણ-૧૨ની પરિક્ષા આપી હતી. તે સતત ગુમસુમ રહેતો હતો. ગત સાંજે પિતા રિક્ષા લઇને ગયા હતાં અને માતા પણ કોઇ કામ માટે બહાર ગયા હતાં. તેણી પોણા આઠેક વાગ્યે ઘરે આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં બારીમાંથી જોતાં દિકરો મીત લટકતો દેખાતાં દેકારો મચાવી મુક્યો હતો. આસપાસના લોકોએ એકઠા થઇ દરવાજો તોડી ૧૦૮ બોલાવી હતી. જો કે તેના તબિબે મીતને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. એકાદ પેપર નબળુ જતાં આ પગલુ ભર્યુ કે અન્ય કારણે? તેની તપાસ યથાવત રખાઇ છે.
(12:15 PM IST)










