<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

એસ.ટી. અધિકારીએ દિવ્‍યાંગની ટીકીટ વેરીફીકેશન વગર કેન્‍સલ કરાવી નાખી

દિવ્‍યાંગને ન્‍યાય અને જવાબદાર સામે પગલા ભરવા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત

રાજકોટ તા. ૨૩ : એસ.ટી.બસમાં મુસાફરી માટેની દિવ્‍યાંગની ટીકીટ વેરીફીકેશન વગર મનઘડત રીતે કેન્‍સલ કરાવી નખાતા આર.ટી.આઇ એકટીવીસ્‍ટ અને સામાજીક અગ્રણી ગજેન્‍દ્રસિંહ ઝાલાના નેતૃત્‍વમાં મુખ્‍યમંત્રી, વાહન વ્‍યવહાર મંત્રી સહીત ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

તેઓએ આ રજુઆતમાં જણાવ્‍યુ છે કે ગત તા.૨૧-૩-૨૦૨૬ના બપોરે ૧૨.૩૦ વાગ્‍યે રાજકોટ એડવાન્‍સ બુકીંગ બારી પર દ્રષ્‍ટિહીન દિવ્‍યાંગ સીનીયર સીટીઝન મહેન્‍દ્રસિંહ ઝાલાની રાજકોટથી ભાવનગર જવા માટે જરૂરી આધારો રજુ કરી ટીકીટ બુક કરાવી હતી. ટીકીટ નીકળી પણ ગઇ હતી. પરંતુ બાદમાં ફરજ પરના એસ.ટી. આધિકારીએ દિવ્‍યાંગનો પાસ ડુપ્‍લીકેટ હોવાનું ખોટુ બહાનુ ધરી ટીકીટ કેન્‍સલ કરી નાખી હતી.

હકીકતમાં રજુ કરાયેલ પાસ સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ઇશ્‍યુ કરાયેલો ઓરીજનલ પાસ હતી. તેમ છતા તેને ખોટો ગણાવી ટીકીટ કેન્‍સલ કરી દેવાઇ હતી.

આ રીતે દિવ્‍યાંગના સરકારી પાસનું  વેરીફીકેશન કર્યા વગર તેને ખોટો ગણાવી ટીકીટ કેન્‍સલ કરનાર એસ.ટી.ના જે તે જવાબદાર સામે પગલા ભરવા અને દિવ્‍યાંગને ન્‍યાય આપવા મુખ્‍યમંત્રી, વાહનવ્‍યવહાર મંત્રી, ગુજરાત એસ.ટી.ના એમ.ડી. અને વિભાગીય નિયામકને રજુઆત કરવામાં આવી છે. ડેપો ઉપર ફરીયાદ લખાવવા ફરીયાદ બુક માંગતા એ પણ આપવામાં ન આવી હોવાનું રજુઆતમાં નોંધવામાં આવ્‍યુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આર.ટી.આઇ. એકટીવીસ્‍ટ ગજેન્‍દ્રસિંહ ઝાલા, સીનીયર સીટીઝન નાગજીભાઇ વિરાણી, ગ્રાહક સુરક્ષા મંડળના એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, સીનીયર સીટીઝન સલીમભાઇ કારીયાણી, સીનીયર સીટીઝન જયંતિભાઇ હીરપરા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:08 PM IST)