<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

સંત કબીર રોડ પરની શક્‍તિ સોસાયટીના મકાનમાંથી ક્રાઇમ બ્રાંચે ૨૯ લાખની સ્‍કોચ-વોડકાની બોટલો પકડી

રખોપુ કરનાર રામનાથપરા ભવાનીનગરના રાહુલની ધરપકડઃ દારૂ ઉતારનારા કોઠારીયા રોડના યશ ઉર્ફે કાનો ઠાકર અને કરણ પટેલની શોધખોળઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની ટીમની કાર્યવાહી : મનિષભાઇ ચાવડા, ધર્મરાજસિંહ રાણા, દિપકભાઇ ડાંગરની બાતમીઃ પીએસઆઇ ડી. પી. ઝાલા અને ટીમ ત્રાટકી

 

રાજકોટ તા. ૨૩: દારૂની હેરાફેરીનો વધુ એક પર્દાફાશ શહેર ક્રાઇમ બ્રાંચે કર્યો છે. સામા કાંઠે સંત કબીર રોડ શક્‍તિ સોસાયટીમાં આવેલા મકાનમાંથી રૂા. ૨૯ લાખનો દારૂ પકડી લઇ એક શખ્‍સને પકડી લીધો છે. રામનાથપરાના પકડાયેલા શખ્‍સે આ દારૂ કોઠારીયા રોડ વિસ્‍તારના બે શખ્‍સનો હોવાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે. સ્‍કોચની આ બોટલોના જથ્‍થાનું કટીંગ થાય એ પહેલા જ પોલીસ ત્રાટકી હતી.

જાણવા મળ્‍યા મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ દારૂ જૂગારના કેસ શોધવા અને આવી બદ્દી અટકાવવા તેમજ ચોરી, ચીલઝડપ, લૂંટ સહિતના ગુનાઓમાં સામેલ શખ્‍સોને શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. મનિષભાઇ  પોલાભાઇ ચાવડા, ધર્મરાજસિંહ રામદેવસિંહ રાણા અને દિપકભાઇ કિશોરભાઇ ડાંગરને બાતમી મળી હતી કે સંત કબીર રોડ પર શક્‍તિ કો.ઓ.હા. સોસાયટી-૪માં આવેલા એક મકાનમાં દારૂનો મોટો જથ્‍થો ઉતર્યો છે.

આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં મકાનમાં એક શખ્‍સ હાજર મળ્‍યો હતો અને દારૂનો જથ્‍થો પણ મળ્‍યો હતો. પોલીસે શખ્‍સને રાઉન્‍ડઅપ કરી પુછતાછ કરતાં પોતાનું નામ રાહુલ જગદીશભાઇ પરમાર-મારવાડી (ઉ.વ.૨૮-રહે. ભવાનીનગર, શેરી નં. ૨/૩નો ખુણો, ભરતભાઇ ચોૈહાણના મકાનમાં ભાડેથી, રામનાથપરા લાઇન પાસે) જણાવ્‍યું હતું. પોલીસે મકાનમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્‍ડની સકોચ-વ્‍હીસ્‍કીની બોટલોનો જથ્‍થો   બોટલ નંગ ૯૩૬ રૂા. ૨૯,૦૫,૯૨૦ની મળી આવતાં કબ્‍જે કરી હતી.

પોલીસે મકાનમાંથી વ્‍હાઇટ લેબલ વ્‍હીસ્‍કીની ૭૫૬૦૦ની ૨૪ બોટલો, જેમ્‍સન વ્‍હીસ્‍કીની રૂા. ૩,૫૪,૦૦૦ની ૬૦ બોટલો, ૧૦૦-પાઇપર્સની રૂા. ૧,૨૪,૮૦૦ની ૪૫ બોટલો, વ્‍હીસલર બેરલ એજ્‍ડ વ્‍હીસ્‍કીની ૯૬૦૦૦ની ૪૮ બોટલો, બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટની ૨,૦૪,૦૦૦ની ૬૦ બોટલો, જોની વોકરની ૨,૫૨,૦૦૦ની ૮૪ બોટલો, જોની વોકર રેડલેબલની ૬,૩૦,૩૬૦ની ૨૦૪ બોટલો, જોનીવોકર રેડલેબલની અન્‍ય બ્રાન્‍ડની ૬,૩૦,૩૬૦ની ૨૦૪ બોટલો, જેએન્‍ડબીની ૧,૧૧,૨૪૦ની ૩૬ બોટલો, બેલેન્‍ટાઇનની ૫,૫૬,૨૦૦ની ૧૮૦ બોટલો, બ્‍લેન્‍ડર્સ પ્રાઇડની ૯૬,૦૦૦ની ૪૮ બોટલો, એબ્‍સોલ્‍યુટદ વોડકાની ૧,૧૧,૨૪૦ની ૩૬ બોટલો, આ જ બ્રાન્‍ડની અન્‍ય ૨,૨૨,૪૮૦ની ૭૨ બોટલો, બોહો બ્રાન્‍ડની રૂા. ૪૮૦૦૦ની ૨૪ બોટલો અને સિગ્નેચરની રૂા. ૨૪૦૦૦ની ૧૨ બોટલો કબ્‍જે કરી રાહુલની ધરપકડ કરી હતી.

રાહુલે પુછપરછમાં આ દારૂ કોઠારીયા રોડ પર સિલ્‍વર બેકરી પાસે રહેતાં યશ ઉર્ફે કાનો કલ્‍પેશભાઇ ઠાકર અને સોરઠીયા વાડી સર્કલ પાસે પટેલનગરમાં રહેતાં કરણ પટેલનો હોવાનું કબુલતાં આ બંનેની શોધખોળ થઇ રહી છે. પોલીસના કહેવા મુજબ રાહુલ વિરૂધ્‍ધ અગાઉ એ-ડિવીઝન, બી-ડિવીઝન, ભક્‍તિનગરમાં જાહેરનામા ભંગ, મારામારીના ત્રણ ગુના નોંધાયા હતાં. જ્‍યારે દારૂ જેનો છે તે યશ ઉર્ફે કાનો અગાઉ અમદાવાદ ડીસીબીમાં દારૂના ગુનામાં પકડાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડી. પી. ઝાલા, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. દિપકભાઇ ડાંગર, ગિરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. મનિષભાઇ ચાવડા, દિપકભાઇ ડાંગર, જીલુભાઇ ગરચર, ધર્મરાજસિંહ રાણા, અશ્વીનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.

(2:53 PM IST)