તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
મનપામાં મિલ્કત વેરાની આવક ૪૧૨ કરોડઃ લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર ઉંધા માથે
વ્યાજ માફી યોજનાનો લાભ લેવા અપીલઃ બાકીદાર મિલકતો સામે સીલીંગ સહિત કડક કાર્યવાહી શરૂઃ ૨૬ થી ૩૧ માર્ચ સુધી રજાના દિવસોમાં પણ તમામ કચેરીઓમાં સવારે ૯:૩૦ થી સાંજે ૬:૧૦ સુધી વસુલાત ચાલુ રહેશે

રાજકોટ, તા. ૨૩: મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મિલકતવેરા અને પાણી વેરાની વસુલાતમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આજદિન સુધી કુલ ૪,૪૫,૪૬૩ કરદાતાઓ દ્વારા રૂ.૪૧૨.૧૨ કરોડ જેટલી માતબર રકમ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવામાં આવી છે.
ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૪,૧૧,૫૮૬ કરદાતાઓએ રૂ.૩૯૭.૭૨ કરોડનો વેરો ભર્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે ૩૩,૭૭૭ વધુ કરદાતાઓ દ્વારા રૂ.૧૪.૪૦ કરોડ જેટલી વધુ વસુલાત નોંધાઈ છે.
મિલકતવેરા તથા પાણી ચાર્જીસ પર અમલમાં રહેલી વ્યાજ માફી યોજનાને શહેરીજનોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. યોજનામાં મિલકતવેરા અને પાણી વેરા પર મળીને રૂ.૧૦,૦૦૦ સુધીની વ્યાજ માફીનો લાભ મળતા બાકીદાર કરદાતાઓ વેરો ભરવા આગળ આવી રહ્યા છે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને ૩૧ માર્ચ પહેલાં સંપૂર્ણ વેરો ભરવા અપીલ કરી છે.
વેરા વસુલાતને વધુ ગતિ આપવા માટે તા.૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન બીજા-ચોથા શનિવાર, રવિવાર તથા જાહેર રજાઓ સહિત તમામ દિવસોમાં તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને ઝોનલ કચેરીઓમાં સવારે ૯:૩૦ થી સાંજે ૬:૧૦ સુધી વસુલાત ચાલુ રહેશે.
હાલ બાકીદાર મિલકતો સામે સીલીંગ, નળ કનેક્શન કપાત તથા ડ્રેનેજ કપાત જેવી કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી કમિશનરના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર, ઝોનલ અધિકારીઓ, વોર્ડ ઓફિસરો અને ટેક્સ ઇન્સ્પેક્ટરો દ્વારા સઘન રીતે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.મહાનગરપાલિકાએ શહેરીજનોને વ્યાજ માફી યોજનાનો લાભ લઈ સમયસર વેરો ભરવા અનુરોધ કર્યો છે.
આ કામગીરી માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા સેન્ટ્રલ ઝોન ના આસી.કમિશનર કાશ્મીરાબેન વાઢેર તથા વેસ્ટ ઝોનના આસી. કમિશનર દીપેન ડોડીયા તથા વેસ્ટ ઝોનના આસી.કમિશનર ડો. એચ.પી.રૂપારેલીયા તથા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્સપેકટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે. મિલકતવેરા વસુલાત માટે શહેરના તમામ વોર્ડમાં મિલકત સીલીંગ, નળ કનેક્શન કપાત, ડ્રેનેજ કપાત સહિતની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
(4:08 PM IST)










