હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોર્ડ નં. ૧૩માં ગુંજ્યો નારો- "બાપલીયા હવે ખમ્મા કરો": ભાજપના ગઢમાં સમીકરણો ગરમાયા, ઉમેદવાર પસંદગીમાં ચૂક થશે તો 'આપ' મેદાન મારશે

રાજકોટ: કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વચ્ચે વોર્ડ નં. ૧૩માં 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સ્થાને 'સૌની સમસ્યાઓ' વધી હોવાનો લોકઆક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો હવે "બાપલીયા હવે ખમ્મા કરો" કહી રહ્યા છે. ત્રણ ટર્મથી દબદબો ધરાવતા નીતિન રામાણી અને જયાબેનની જગ્યાએ નવાંગતુકો લગભગ નિશ્ચિત છે, જ્યારે વિવાદોથી દૂર રહી મૌન સેવનાર ભાજપના સિનિયર અને લડાયક નેતા સુરેન્દ્રસિંહ વાળા અને પ્રથમ ટર્મવાળા સોનલબેન સેલારાને ફરી તક મળી શકે તેવી ચર્ચા છે. જો ભાજપ ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાશે, તો આમ આદમી પાર્ટીને સીધો ફાયદો થવાની પૂરી શક્યતા હોવાનું પણ નકારાતું નથી..
આગામી કોર્પોરેશનની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશથી લઈને મહાનગર સુધી સંગઠનલક્ષી અને ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપના ગઢ સમાન વોર્ડ નં. ૧૩ના રાજકીય સમીકરણો ભારે ચર્ચાના એરણે ચડ્યા છે.
આ વોર્ડમાં વિકાસ કાર્યોના મોટા દાવાઓ વચ્ચે લોકોની રોજિંદી સમસ્યાઓ આજે પણ યથાવત છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે અહીં 'સૌનો સાથ, સૌનો વિકાસ' કરતા સૌની સમસ્યાઓમાં જ વધારો થયો છે. ખાસ કરીને વોર્ડમાં કોઈ જ નવા પ્રોજેક્ટ લાવવામાં વર્તમાન કોર્પોરેટરો તદ્દન નબળા પડ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.
પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ
વોર્ડના મોટા વિસ્તારો ગણાતા ખોડિયારનગર, ગીતાનગર અને આંબેડકરનગરમાં હજુ પણ રોડ-રસ્તા અને પાણી જેવી પાયાની જરૂરિયાતોનો પ્રશ્ન યથાવત છે. આ ઉપરાંત, ચંદ્રેશનગર શાકમાર્કેટમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે સ્થાનિક મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ (ઔદ્યોગિક) વિસ્તારમાં પણ સફાઈનો પ્રશ્ન હજુ અણઉકેલ જ રહ્યો છે.
જ્ઞાતિ સમીકરણ અને 'આપ'નો પ્રભાવ
આ વોર્ડમાં કુલ ૫૦,૦૦૦ જેટલા મતદારો અને ૬૦ બૂથનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે લેઉવા પટેલ, રાજપૂત, ક્ષત્રિય, સુથાર, દલિત અને ભરવાડ જ્ઞાતિઓનું પ્રભુત્વ છે.
હાલની રાજકીય સ્થિતિ જોતાં આ વોર્ડમાં આમ આદમી પાર્ટી (આપ)નું વર્ચસ્વ પણ નોંધપાત્ર પ્રમાણમાં વધી રહ્યું હોય તેવું જોવા મળે છે.
નવા રોટેશન મુજબ વોર્ડની સ્થિતિમાં કોઈ ફેરફાર થયેલ નથી. જેમાં પ્રથમ મહિલા ઓબીસી, બીજી મહિલા સામાન્ય અને બે પુરુષ સામાન્ય બેઠકો છે. આ સમીકરણો અને અનામતની સ્થિતિ જોતાં આ વખતે નવા ચહેરાઓને તક મળે તેવી પ્રબળ સંભાવનાઓ ઊભી થઈ છે.
કોનું પત્તું કપાશે અને કોને મળશે તક?
હાલમાં આખા વોર્ડમાં લોકોના મનોભાવને જોતા જયાબેનના સ્થાને નવું નામ આવે તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. બીજી તરફ, નીતિન રામાણીના પરિવારને ૩ ટર્મ (એક ટર્મ કૈલાશબેન અને બે ટર્મ નીતિન રામાણી) મળી ચૂકી છે. વળી, નીતિન રામાણીને પોલીસનું તેડું આવ્યું હોવાના અને પ્રોટેક્શન મનીના ગંભીર આક્ષેપો લાગ્યા હોવાથી તેમને પડતા મૂકવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
સામા પક્ષે, સુરેન્દ્રસિંહ વાળા માટે ફરીથી ટિકિટ મેળવવાની ઉજળી તકો જોવા મળી રહી છે. તેઓ વિવાદમાં રહેવાને બદલે મૌનપણે લોકોની વચ્ચે રહ્યા છે. તેમના માટે "ન બોલવામાં નવ ગુણ"નો મંત્ર ફળીભૂત થશે અને ફરીથી સમાજનું કલ્યાણ કરવાની તેમને તક મળે તેવી ચર્ચા છે.
આ ઉપરાંત, સોનલબેન સેલારાની આ પ્રથમ ટર્મ હોવાથી અને ઓબીસી મહિલા અનામત બેઠકનું સમીકરણ તેમને અનુકૂળ હોવાથી તેઓને પણ ફરીથી તક મળે તો તેમાં કોઈ નવાઈ નહીં.
આમ જોવા જઈએ તો આ વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ ગણાય છે. પરંતુ સ્થાનિકોમાં રહેલા આંતરિક અસંતોષને જોતાં, જો ઉમેદવારોની પસંદગી કરવામાં ભાજપ સહેજ પણ ભૂલ કરશે તો આમ આદમી પાર્ટી અહીં મેદાન મારી જાય તો જરા પણ નવાઈ નહીં.










