News of Tuesday, 24th March 2026
વોર્ડ નં. ૧૪માં નવા રોટેશને સર્જ્યો ભૂકંપઃ ચારેય વર્તમાન કોર્પોરેટરોના પત્તા કપાવાનું નિヘતિ ? ટિકિટમાં મારા-તારા થશે તો ભાજપના ગઢમાં જ ભડકો
મેયરોની ખાણઃ ગણાતા વોર્ડમાં નારાજ જૂના જોગીઓ જો આપ અને કોંગ્રેસમાંથી મેદાને ઉતરશે તો ભાજપનો ખેલ બગડશેઃ ભ્રષ્ટાચારનો લેટર બોમ્બ ફોડી નિલેશ જલુ શાંત થઈ ગયા ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નં. ૧૪માં અસંતોષના સંકેત વચ્ચે જો વિરોધીઓ મજબૂત ઊભા રહે તો મુકાબલો કઠિન બની શકે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નં. ૧૪માં જબ્બર રાજકીય ગરમાવો આવ્યો છે. નવા રોટેશન (૧ ઓબીસી મહિલા, ૧ સામાન્ય મહિલા અને ૨ સામાન્ય પુરુષ) મુજબ આ વખતે ચારેય નવા ચહેરા મેદાને ઉતરે તેવી પ્રબળ સંભાવના છે. વર્તમાન કોર્પોરેટરોની નિષ્ક્રિયતા અને વિવાદોના કારણે તેમની ટિકિટ કપાવાની પાકી મનાય છે. જોકે, ટિકિટ ફાળવણીમાં ભાજપ જો મેરિટના બદલે 'મારા-તારા' કરશે તો સક્રિય કાર્યકર્તાઓ બળવો પોકારી શકે છે. તેમાં પણ ભાજપના જ પૂર્વ જોગીઓ અનીશભાઈ અને જયદીપભાઈ જો અન્ય પક્ષોમાંથી મેદાને ઉતરશે તો ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થશે તેવી પણ ચર્ચા જોવા મળે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ થતાં જ રાજકીય ચોપાટ મંડાઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આપની છાવણીઓમાં ચૂંટણીનો ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. ક્યારે ચૂંટણીના પડઘમ વાગે તેની રાજકીય આગેવાનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં હંમેશાં ભાજપને ખોબલે-ખોબલે મત આપનારા અને ભાજપના મજબૂત ગઢ ગણાતા વોર્ડ નં. ૧૪માં આ વખતે ટિકિટ કોને મળશે તે ભારે ચર્ચાનો અને ઉત્તેજનાનો વિષય બન્યો છે.
વોર્ડના કાર્યકર્તાઓનો સ્પષ્ટ મિજાજ છે કે વર્ષોથી પક્ષ માટે ઘસાતા કાર્યકર્તાઓને સાઇડલાઇન કરી જો મારા-તારા (માનીતાઓને) કરીને ટિકિટ અપાશે તો આ વખતે ચૂંટણીમાં જોયા જેવી થવાની છે.
આ વોર્ડ મહાનગરપાલિકા માટે અત્યંત મહત્વનો રહ્યો છે, કારણ કે આ વોર્ડે ડો. જૈમીન ઉપાધ્યાય, શ્રી ઉદય કાનગડ, શ્રી અશોક ડાંગર, શ્રીમતી રક્ષાબેન બોડિયા અને ગૌરીબેન સિધવ જેવા એકથી એક ચડિયાતા મેયરો આપ્યા છે. પરંતુ, નવા રોટેશને આખો ખેલ પલટી નાખ્યો છે. આ વખતે ૧ ઓબીસી મહિલા, ૧ સામાન્ય મહિલા અને ૨ સામાન્ય પુરુષની બેઠક આવતા હાલના ચારેય કોર્પોરેટરોના પત્તાં કપાશે અને ચારેય નવા ચહેરાઓને તક મળશે તે નિヘતિ મનાઈ રહ્યું છે.
વર્તમાન કોર્પોરેટરોની કામગીરી સામે પણ સ્થાનિકોમાં ભારે રોષ છે. ચૂંટાયેલા કોર્પોરેટર કેતન પટેલ અને વર્ષાબેન રાણપરાએ તો પોતાના રહેઠાણ જ અન્ય વોર્ડમાં ફેરવી દીધા હોવાથી તેઓ પોતાના મતદારોની વચ્ચે રહી શક્યા જ નથી. બીજી તરફ, નિલેશ જલુ શરૂઆતમાં સક્રિય રહ્યા અને ભાજપ શાસિત કોર્પોરેશન સામે જ સેનિટેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે તેવો સનસનીખેજ લેખિત પત્ર વાયરલ કર્યો, પરંતુ બાદમાં અવાજ ઉઠાવનાર આ નેતાએ ચુપકીદી સેવી લીધી હોય તેની પણ ચર્ચા છે. જ્યારે ભારતીબેન વોર્ડના પ્રશ્નોને વાચા આપવામાં સફળ રહ્યા ન હોવાનો ગણગણાટ પણ જોવા મળે છે, અને હવે ઓબીસી મહિલા અનામત આવતાં તેમનું પત્તું પણ સત્તાવાર રીતે કપાઈ જશે.
આ વોર્ડ ખૂબ જૂનો છે અને અહીં કોઈ મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જગ્યા નથી. ગુંદાવાડી, લક્ષ્મીવાડી, કેવડાવાડી, મિલપરા, વાણિયાવાડી, ગાયત્રીનગર અને ગીતાનગર જેવા વિસ્તારો ધીમે ધીમે કોમર્શિયલ ઝોનમાં ફેરવાઈ રહ્યા છે. અહીં સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓની જ સૌથી વધુ અપેક્ષા હોય છે.
ચૂંટણી જંગમાં આ વખતે ભાજપ સામે એક મોટો ખતરો ઘરની અંદરથી જ મંડરાઈ રહ્યો છે. વર્ષો સુધી ભાજપમાં રહી વિવિધ મહત્વની જવાબદારીઓ સંભાળનાર અનીશભાઈ જો કોંગ્રેસમાંથી અને જયદીપભાઈ જો આપ (આમ આદમી પાર્ટી) માંથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે, તો ત્રિપાંખિયા જંગમાં ભાજપને ભારે પડી શકે છે.
ચર્ચાતી વિગતો મુજબ ભાજપની ટિકિટ વહેંચણી અને ડેમેજ કંટ્રોલની નીતિ પર જ આ વોર્ડનું ભાવિ ટકેલું છે, અને જો ચારે ચાર ચહેરાઓ નવા જ જોવા મળે તો રાજકીય પંડિતોને તેમાં જરાય નવાઈ નહીં લાગે. (૩૮.૪૬)
કોર્પોરેટરોની નિષ્ફળતા અને અસંતોષનું કારણ
સેનિટેશનમાં કરોડોનો ભ્રષ્ટાચાર થશે તેવો લેખિત પત્ર વાયરલ કરી નિલેશ જલુ અચાનક શાંત થઈ ગયા છે. જ્યારે કેતન પટેલ અને વર્ષાબેન રાણપરાએ પોતાનું રહેઠાણ અન્ય વોર્ડમાં ફેરવી નાખતા તેઓ લોકોથી સંપર્ક વિહોણા બન્યા છે. બીજી તરફ, લોકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ મનાતા ભારતીબેનન સ્થાને ઓબીસી મહિલા અનામત આવતાં કોઈ નવું નામ આવશે તે પાકું છે.
વોર્ડનું ભૌગોલિક માળખું અને જ્ઞાતિ સમીકરણ
ભાજપના ગઢ સમાન આ વોર્ડમાં ગુંદાવાડી, લક્ષ્મીવાડી, કેવડાવાડી, મિલપરા, વાણિયાવાડી, ગાયત્રીનગર અને ગીતાનગર જેવા જૂના વિસ્તારોનો સમાવેશ થાય છે. આખો વિસ્તાર ધીમે ધીમે કોમર્શિયલ ઝોન બની રહ્યો છે, જ્યાં કોઈ મોટો પ્રોજેક્ટ આવવાની શક્યતા નહિવત્ છે, માત્ર પ્રાથમિક સુવિધાઓ જ મુખ્ય મુદ્દો છે. અહીં બ્રાહ્મણ, સોની, દલિત, પટેલ અને આહીર જ્ઞાતિના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. લોકસભા અને વિધાનસભામાં આ વોર્ડ ભાજપને જંગી લીડ અપાવતો રહ્યો છે.
(3:18 PM IST)










