News of Tuesday, 24th March 2026
સોમનાથ ગાંધીનગર બસ તુટેલા કાચ સાથે દોડે છે : મુસાફરો પર જળુંબતુ જોખમ
એસ.ટી. મુસાફર હિત રક્ષક સમ્તિ દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆત : તૂટેલા કાચ અંગે વેરાવળ ડેપો મેનેજર અને જુનાગઢ વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ

રાજકોટ તા. ૨૪ : ગુજરાત એસ.ટી. હિત રક્ષક સમિતિના અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા એસ.ટી બસપોર્ટ પર હતા ત્યારે તા. ૨૧ માર્ચના બપોર ૧ ના સમયે પ્લેટફોર્મ નંબર ૩ પર લગાડવામાં આવેલી સોમનાથ ગાંધીનગર બસમાં કાચની સ્થિતિ દયાજનક જોવા મળી હતી. ફ્રન્ટલ સ્ક્રીનના ગ્લાસમાં અનેક તિરાડો હતી. અકસ્માતની સંભાવના જણાતા તેઓએ તુરંત કંટ્રોલરૂમ પર જઇ ફરિયાદ પોથી માંગી હતી. પરંતુ આપવામાં ન આવી હોવાનું તેઓએ એક યાદીમાં જણાવ્યુ છે.
વેરાવળ ડેપોની બસ બપોરના ૧૨.૩૦ કલાકે રાજકોટથી ઉપડે છે, પરંતુ લેટ હોવાને કારણે બપોરના એક કલાકે આવી. આ ફરીયાદ નોંધવા માટે ફરિયાદ બુક માંગતા બુક આપવામા ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતા. આ અંગે ઉચ્ચસ્તરીય રજૂઆતો પણ કરવામાં આવશે. તેમ એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિની યાદીમાં જણાવાયુ છે.
સમિતિનો કોઈ રાજકીય કે આર્થિક સ્વાર્થ નથી પરંતુ આધાર પુરાવા સાથે ફરિયાદો રજૂ કરવામાં આવે છે. એસ.ટી.એ ટૂંકા ગાળામાં ૩૮% જેવો તોતિંગ મુસાફરી ભાડા વધારો કર્યો છે. ત્યારે મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા મળે તે હેતુથી આ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
ઉકત પ્રશ્નો અંગે વેરાવળ ડેપો મેનેજર અને જૂનાગઢના વિભાગે નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ગીર સોમનાથના મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિ રવિભાઈ ગોહેલને પણ તૂટેલા કાચ અંગેના ફોટા સાથે જાણ કરવામાં આવી છે કે આ બસનો કાચ તાત્કાલિક હટાવવામાં આવે અને નવો કાચ ફીટ કરવા અંગે વેરાવળ ડેપો મેનેજરને જાણ કરે. એસ.ટી.ને લગતા કોઇપણ પ્રશ્નો હોય તો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર ૯૪૨૬૨૨૯૩૯૬ ઉપર જાણ કરવા સમિતિની યાદીમાં જણાવાયુ છે.
(2:34 PM IST)










